રાહુલ ગાંધીએ અમેરિકામાં ભાંગરો વાટ્યો કહ્યું, પરિવારવાદ ભારતની પરંપરા

પિતાનું સ્થાન દીકરો લે એ ભારતની પરંપરા છે; મુલાયમની જગ્યાએ અખિલેશ આવ્યો, અભિષેક બચ્ચને પણ તેના પપ્પાનું સ્થાન લીધું અને અંબાણીફૅમિલીમાં પણ એવું જ છે


rahul gandhi


કૉન્ગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ અમેરિકાના બર્કલીસ્થિત યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયામાં સ્ટુડન્ટ્સના પ્રશ્નોના ઉત્તર આપતાં જણાવ્યું હતું કે ‘વંશપરંપરાગત નેતૃત્વ ભારતના મોટા ભાગના રાજકીય પક્ષોની સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિની વ્યક્તિગત ભૂમિકા એની ક્ષમતાઓ નિર્ધારિત નથી કરતી. પક્ષ આદેશ આપે તો નેતૃત્વની ધુરા સંભાળવાની પણ મારી તૈયારી છે.’

બીજું શું-શું કહ્યું રાહુલ ગાંધીએ?

કૉન્ગ્રેસ પક્ષ પર એક જ પક્ષનું એકહથ્થુ શાસન હોવાનો આરોપ મૂકવામાં આવે છે, પરંતુ ભારતના મોટા ભાગના રાજકીય પક્ષોમાં એ સમસ્યા છે. અખિલેશ યાદવ નેતાના પુત્ર છે. મિસ્ટર સ્ટૅલિન (DMKના પ્રમુખ એમ. કરુણાનિધિના પુત્ર) નેતાના પુત્ર છે. અભિષેક બચ્ચન બૉલીવુડના મોટા સ્ટારનો પુત્ર છે. અંબાણીબંધુઓ અને ઇન્ફોસિસમાં પણ વંશપરંપરાગત નિયંત્રણ છે. ભારતમાં બધું એવું જ ચાલે છે. તમે મને એકલાને વિવાદને ચકડોળે ન ચડાવો.

કૉન્ગ્રેસમાં વંશપરંપરાનો વારસો ન મળ્યો હોય એવા ઘણા નેતાઓ છે. હું દરેક રાજ્યમાં તેમનાં નામો ગણાવી શકું. હું દરેક રાજ્યમાં એવાં નામો ગણાવી શકું એમ છું. પક્ષમાં ઘણા આગેવાનો એવા છે કે જેમના ફાધર, ગ્રૅન્ડમધર કે ગ્રેટ ગ્રૅન્ડફાધર રાજકારણમાં રહી ચૂક્યા હોય. એ લોકો પણ કામ કરી રહ્યા છે. મૂળ પ્રશ્ન સંબંધિત વ્યક્તિ સક્ષમ અને સમજદાર છે કે નહીં એ બાબતનો છે.

વર્ષ ૨૦૧૨ની આસપાસ કૉન્ગ્રેસનો જનતા સાથેનો સંવાદ અટકી ગયો હતો. એ બાબત ૧૦ વર્ષથી સત્તાધારી એવા કોઈ પણ પક્ષ માટે સમસ્યારૂપ નીવડી શકે છે. ૨૦૦૪માં જે દિશામાં ગતિનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો હતો એ ૧૦ વર્ષ માટે શ્રેષ્ઠ હતો. અમે ૨૦૦૪માં જે કાર્યક્રમો શરૂ કર્યા હતા એ બધા ૨૦૧૧-’૧૨ સુધીમાં ઠપ થઈ ગયા હતા. ૨૦૧૨ના ગાળામાં કૉન્ગ્રેસમાં અભિમાન-આડંબર જાગતાં જનતા સાથે સંવાદ અટકી ગયો હતો. જનતા સાથે સંવાદમાં સક્રિય થવા હું ઉત્સુક છું.

કૉન્ગ્રેસમાં સંગઠનની ચૂંટણી થાય છે અને એમાં નિર્ણયો લેવામાં આવે છે. એ પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. અમારી ઇન્ટર્નલ સિસ્ટમ છે. એમાં અમે એ બાબતના નિર્ણય લેવા માટે ડેલિગેટ્સ નિયુક્ત કરીએ છીએ. એથી નિર્ણયો મારા હોય છે એમ કહેવું વાજબી ન ગણાય.

મૂળભૂતરૂપે કૉન્ગ્રેસના શાસનમાં શરૂ કરવામાં આવેલા કેટલાક કાર્યક્રમોનો અત્યારે BJP અમલ કરે છે.

કાશ્મીરમાં વધતી આતંકવાદી હિંસા માટે મોદી સરકાર જવાબદાર છે. કાશ્મીરના રાજકારણમાં યુવાનોને સક્રિય બનાવવામાં PDP અગ્રેસર છે, પરંતુ નરેન્દ્ર મોદી BJPનું PDP સાથે ગઠબંધન કરીને PDPને બરબાદ કરે છે. મોદીજીએ કાશ્મીરમાં આતંકવાદીઓ માટે મોકળું વાતાવરણ ઊભું કર્યું છે. મેં ૯ વર્ષ એ વખતના વડા પ્રધાન મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ તેમ જ જયરામ રમેશ જેવા નેતાઓ સાથે પડદા પાછળ રહીને કાશ્મીરના મુદ્દે કામ કર્યું છે. અમે શરૂઆત કરી ત્યારે એ રાજ્યમાં આતંકવાદ ચારે બાજુ ફેલાયેલો હતો, પરંતુ કામ પૂરું કર્યું ત્યારે શાંતિ ફેલાયેલી હતી. અમે આતંકવાદની કમર તોડી નાખી હતી.

આતંકવાદી હિંસાને કારણે મેં મારા ફાધર અને ગ્રૅન્ડમધરને ગુમાવ્યાં છે. એથી એ હિંસાની અસરોને હું ન સમજું તો અન્ય કોઈ કેવી રીતે સમજશે? લોકોને ન્યાય અપાવવા અને હિંસાના વિરોધમાં હું હંમેશાં ખડે પગે કામ કરતો રહીશ.

  • અમેરિકામાં પ્રશ્નોત્તરીના પ્રોગ્રામમાં કૉન્ગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ કહ્યું કે પક્ષમાં અહંકાર જાગતાં જનતા સાથેનો સંવાદ અટકી ગયો હતો


મારી બદનામી અને કૉન્ગ્રેસ પર પ્રહારો માટે BJPની સોશ્યલ મીડિયા વિન્ગનું સુયોજિત તંત્ર સક્રિય છે. એમાં ૧૦૦૦ કર્મચારીઓ કમ્પ્યુટર્સ પર બેઠેલા હોય છે. તેમને પૂછો તો મારા વિશે અનેક પ્રકારની વાતો કરશે.

BJPની સરકાર દ્વારા ડીમૉનેટાઇઝેશનનો નિર્ણય ચીફ ઇકૉનૉમિક ઍડ્વાઇઝર કે સંસદને વિશ્વાસમાં લીધા વગર જાહેર કરવામાં આવ્યો છે. નોટબંધીને કારણે ભારતના GDPમાં બે ટકા ઘટાડો થયો છે. ત્યાર પછી ભારતમાં રોજગારીના નવા અવસર પેદા થતા નથી અને આર્થિક વિકાસનો દર પણ વધતો નથી. અર્થતંત્રના કેટલાક ગેરવાજબી નિર્ણયોને કારણે ખેડૂતોના આપઘાતના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે.

રાહુલ ગાંધી વિદેશમાં ભારતીયોનું અપમાન કરે છે : BJP


રાહુલ ગાંધીએ તેમના અમેરિકાના પ્રવાસ દરમ્યાન બર્કલી યુનિવર્સિટીમાં કૉન્ગ્રેસના વંશવાદના કરેલા બચાવ અને મોદી સરકાર પર કરેલા પ્રહારોને કારણે ગઈ કાલથી કૉન્ગ્રેસ અને BJP વચ્ચે બયાનબાજીનો સંઘર્ષ શરૂ થયો હતો. BJP તરફથી કેન્દ્રનાં માહિતી અને પ્રસારણ વિભાગનાં પ્રધાન સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધી તેમની પીડા વ્યક્ત કરી રહ્યા છે. વડા પ્રધાનની ટીકા કરવી રાહુલ માટે કોઈ નવી બાબત નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના દેશની ટીકા કરવી કેટલી યોગ્ય કે અયોગ્ય છે એ તેઓ જાણતા નથી. સોનિયા ગાંધીના નેતૃત્વમાં કૉન્ગ્રેસમાં અભિમાન છવાયું હોવાનું રાહુલ ગાંધીએ પોતે સ્વીકાર્યું છે. અહીં ભારતમાં રાહુલ ગાંધીને કોઈ સાંભળતું નથી એટલે તેઓ વિદેશમાં જઈને બોલે છે. વંશવાદ વિશે રાહુલ ગાંધીએ જે કંઈ કહ્યું એ દેશના લોકોનું અપમાન છે. તેઓ કહે છે કે ભારત તો આવું જ છે. અહીં વંશવારસો સૌથી વધારે મહત્વપૂર્ણ છે. જે લોકો પોતાની તાકાત પર કંઈક કરી બતાવે છે એ બધાનું એ અપમાન છે. અત્યારે ભારતના વડા પ્રધાન ગરીબ કુટુંબના છે. રાષ્ટ્રપતિ એક વંચિત પરિવારના છે અને ઉપરાષ્ટ્રપતિ ખેડૂત પરિવારના છે. એ બધા સંઘર્ષ અને પરિશ્રમથી આગળ આવ્યા છે. એ ત્રણ વ્યક્તિઓનું ટોચ પર હોવું એ લોકશાહીમાં વારસાગત રીતે નહીં ક્ષમતા અને મેરિટ્સ પર કામ ચાલે છે. રાહુલ ગાંધી નિષ્ફળ વારસદાર છે. તેમણે તેમના નિષ્ફળ પ્રવાસ વિશે અમેરિકામાં જઈને વાતો કરવાનું પસંદ કર્યું છે.’

રાહુલે વિદેશની ધરતી પર દેશનું સન્માન વધાર્યું : આનંદ શર્મા  

BJP તરફથી સ્મૃતિ ઈરાનીના વળતા પ્રહાર પછી કૉન્ગ્રેસના નેતા આનંદ શર્માએ રાહુલ ગાંધીના બચાવમાં જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધીએ રાજકીય નેતા તરીકે સંવાદ કર્યો હતો. રાહુલે પોતાની નિષ્ફળતાઓ સ્વીકારતાં સત્તાધારી પક્ષની નબળાઈઓ વર્ણવી છે. રાહુલ ગાંધીએ વિદેશની ભૂમિ પર ભારતનું સન્માન વધાર્યું છે. વિદેશમાં ભારતનું અપમાન કરનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે. તેમણે વડા પ્રધાન બન્યા પછી વારંવાર વિદેશની ધરતી પર ભારતનું અપમાન કર્યું છે. મોદીજીએ તેમના પ્રથમ વિદેશપ્રવાસ બાદ તરત કહ્યું હતું કે અન્ય દેશોમાં ભારતની છાપ ભ્રષ્ટ દેશની છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy