આને મુલાકાત કહેવાય?

પાકિસ્તાનની બદમાશી : કુલભૂષણને તેમનાં મમ્મી અને પત્નીને મળવા તો દીધા, પણ વચ્ચે કાચની આડશ રાખી

kulbhushan

જાસૂસીના આરોપસર પાકિસ્તાનમાં જેલવાસી ભારતીય કુલભૂષણ જાધવને ગઈ કાલે ઇસ્લામાબાદમાં તેમનાં મમ્મી અને પત્ની મળ્યાં હતાં. આ મુલાકાત વિદેશ મંત્રાલયના બિલ્ડિંગમાં થઈ હતી. પાકિસ્તાનની મિલિટરી કોર્ટે ફરમાવેલી ફાંસીની સજા પર આંતરરાષ્ટ્રીય અદાલતના સ્ટેને કારણે હાલમાં પાકિસ્તાનની જેલમાં રાખવામાં આવેલા કુલભૂષણ જાધવને કાચની આડશની પાછળ બેસાડીને તેમનાં મમ્મી તથા પત્ની સાથે ઇન્ટરકૉમ દ્વારા વાતચીત કરવા દેવાઈ હતી.

પોણો કલાકની આ મુલાકાત મંત્રાલયના કડક ચોકીપહેરો ધરાવતા બિલ્ડિંગના એક બંધ ઓરડામાં યોજાઈ હતી. ૨૦૧૬ના માર્ચ મહિનામાં જાસૂસીના આરોપસર કુલભૂષણ જાધવની ધરપકડ થયા પછી પાકિસ્તાનની મિલિટરી કોર્ટે તેમને ફાંસીની સજાનો આદેશ આપ્યો હતો. પાકિસ્તાને કુલભૂષણને તેમના સ્વજનો સાથે મુલાકાતની છૂટને પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદઅલી જિન્નાહના જન્મદિન નિમિત્તે માનવતાવાદી નિર્ણય ગણાવ્યો હતો.

એક મુલાકાતના ફુટેજમાં કુલભૂષણ જાધવનાં મમ્મી અને પત્નીને ઇસ્લામાબાદના આગા શાહી બ્લૉકસ્થિત ફૉરેન મિનિસ્ટ્રી બિલ્ડિંગમાં પ્રવેશતાં બતાવવામાં આવ્યાં હતાં. એ ફુટેજમાં તેમની સાથે ભારતના પાકિસ્તાન ખાતેના ડેપ્યુટી હાઈ કમિશનર જે. પી. સિંહ અને પાકિસ્તાનનાં મહિલા અધિકારી પણ હતાં. એ તમામ અંદર જતાંની સાથે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કુલભૂષણ જાધવ કાચની આડશની પાછળથી મમ્મી અને પત્ની સાથે વાતો કરતા હોય એવી તસવીરો પ્રસારિત કરી હતી. એ ત્રણ જણે ઇન્ટરકૉમ મારફત વાતો કરી હતી. મુલાકાત બપોરે ૧.૩૫ વાગ્યે શરૂ થયા બાદ લગભગ ૪૫ મિનિટ ચાલી હતી. ૪૫ મિનિટ પૂરી થયા બાદ અધિકારીઓની ટીમ ફરી હાજર થઈ હતી અને એ લોકોને સફેદ કારમાં લઈ ગઈ હતી. પાકિસ્તાને આ મીટિંગના ફોટો અને વિડિયો ટ્વીટ કર્યા હતા.

બન્ને મહિલાઓ ગઈ કાલે વાયા દુબઈ કમર્શિયલ ફ્લાઇટ દ્વારા ઇસ્લામાબાદ પહોંચી હતી અને ત્યાં ભારતીય રાજદૂતાલયમાં અડધો કલાક પસાર કર્યો હતો. કુલભૂષણ જાધવનાં મમ્મી અને પત્ની મુલાકાત પછી પણ થોડા કલાક ભારતના રાજદૂતાલયમાં પસાર કરીને સાંજે ભારત પાછા આવવાની ફ્લાઇટમાં બેઠાં હતાં. મુલાકાત પહેલાં બન્ને ફૅમિલી-મેમ્બર્સનું સિક્યૉરિટી ચેકિંગ કરવામાં આવ્યું હતું. બન્ને મહિલાઓએ પાકિસ્તાની વિદેશ મંત્રાલયના દરવાજે મીડિયાને નમસ્કાર કરીને અભિવાદન કર્યું હતું, પરંતુ મીડિયાના સવાલોના જવાબ આપ્યા નહોતા.

kulbhushan

ભવિષ્યમાં કૉન્સલર ઍક્સેસની શક્યતા

કુલભૂષણ જાધવની તેમનાં મમ્મી અને પત્ની સાથેની મીટિંગ પૂરી થયા બાદ પાકિસ્તાની અધિકારીઓએ પત્રકાર-પરિષદ યોજી હતી. એમાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ફૈસલે કુલભૂષણ સામેના જૂના આરોપોનો પુનરુચ્ચાર કર્યો હતો. ફૈસલે કુલભૂષણને આતંકવાદનો ચહેરો ગણાવતાં જણાવ્યું હતું કે કાયદે આઝમ મોહમ્મદઅલી જિન્નાહની જન્મજયંતીના અવસરે આ મુલાકાત જાધવની તેમના પરિવાર સાથેની આખરી મુલાકાત નથી. ફૈસલે કહ્યું હતું કે કુલભૂષણને રાજદ્વારી સંપર્કની છૂટ આપવા બાબતે યોગ્ય સમયે વિચાર કરવામાં આવશે.

શાર્પશૂટર્સ સહિતની સિક્યૉરિટી

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના બિલ્ડિંગમાં કુલભૂષણ જાધવ અને તેમની ફૅમિલીની મુલાકાત દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય ઘટનાની શક્યતાને પહોંચી વળવા માટે શાર્પશૂટર્સ સહિત પોલીસ અને અર્ધલશ્કરી દળોનો ચોકીપહેરો ગોઠવવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયનું બિલ્ડિંગ જે કૉન્સ્ટિટ્યુશન ઍવન્યુ પર છે એ રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. એ સમયગાળામાં પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની મુલાકાતે જતા લોકોને સ્પેશ્યલ સિક્યૉરિટી પાસ આપવામાં આવ્યા હતા.

પાકિસ્તાનનો અપ્રચાર ફરી શરૂ થયો

કુલભૂષણ જાધવનો પત્ની અને મમ્મી સાથે મુલાકાત કરાવવા બદલ પાકિસ્તાન સરકારનો આભાર માનતા ઉચ્ચારોનો નવો વિડિયો પાકિસ્તાને પ્રસારિત કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક પત્રકાર-પરિષદમાં બતાવેલો વિડિયો-મેસેજ મુલાકાત પહેલાં રેકૉર્ડ કરવામાં આવ્યો હતો. વિડિયો-મેસેજમાં કુલભૂષણે જણાવ્યું હતું કે ‘મેં મારી પત્ની અને મમ્મી સાથે મુલાકાત ગોઠવવાની વિનંતી કરી હતી. એ વિનંતી માન્ય રાખીને તેમની સાથે મુલાકાત શક્ય બનાવવા બદલ હું પાકિસ્તાનની સરકારનો આભાર માનું છું.’

૨૦૧૬ની ૩ માર્ચ - કુલભૂષણ જાધવની ધરપકડ

એપ્રિલ-૨૦૧૭ - મિલિટરી કોર્ટે કૂલભૂષણને ફાંસીની સજાનો આદેશ આપ્યો

૨૦૧૭ની ૮ મે - ભારતે કરેલી અપીલની સુનાવણીમાં ઇન્ટરનૅશનલ કોર્ટ ઑફ જસ્ટિસે કુલભૂષણની ફાંસીની સજા પર સ્ટે આપ્યો

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK