VHPના પ્રમુખ ડૉ. પ્રવીણ તોગડિયા અચાનક ગાયબ

VHPના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અચાનક ગાયબ થઈ ગયા એને પગલે અમદાવાદમાં કાર્યકરોએ પોલીસ-સ્ટેશન પર દેખાવો કર્યા, હાઇવે પર ચક્કાજામ કર્યો

pravin

શૈલેષ નાયક

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ અને Z કૅટેગરીથી સુરક્ષિત ડૉ. પ્રવીણ તોગડિયા ગઈ કાલે સવારથી અચાનક જ ગાયબ થઈ જતાં હોબાળો મચી ગયો હતો. જોકે મોડી રાત્રે ડૉ. પ્રવીણ તોગડિયા અમદાવાદના કોતરપુર વિસ્તારમાંથી અર્ધબેભાન હાલતમાં મળી આવતાં વિશ્વ હિન્દુ પરિષદના હજારો કાર્યકરો સહિત પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો હતો.

કોઈકે ૧૦૮ ઍમ્બ્યુલન્સને ફોન કરતાં રાત્રે સવાનવથી સાડાનવ વાગ્યાના અરસામાં સારવાર માટે તેમને શાહીબાગની ચંદ્રમણિ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ડૉ. પ્રવીણ તોગડિયા મળી આવ્યાની માહિતી મળતાં જ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોમાં રાહતની લાગણી ફેલાઈ ગઈ હતી અને મોટી સંખ્યામાં કાર્યકરો હૉસ્પિટલમાં ઊમટી પડ્યા હતા. બીજી તરફ પોલીસના ઉચ્ચ પોલીસ-અધિકારીઓ પણ હૉસ્પિટલ પર પહોંચી ગયા હતા.

હૉસ્પિટલના ડૉ. રૂપકુમાર અગ્રવાલે મીડિયાને કહ્યું હતું કે ડૉ. તોગડિયાની શુગર ડાઉન થઈ ગઈ હતી, પણ હાલ તેમની તબિયત સ્થિર છે.

ડૉ. પ્રવીણ તોગડિયાને કોણ ક્યાં લઈ ગયું હતું કે તેઓ ક્યાં ગયા હતા, તેમને કોણ હૉસ્પિટલમાં લઈ આવ્યું અને ૧૦૮ ઍમ્બ્યુલન્સને કોણે બોલાવી એ સહિતના પ્રશ્નો હાલપૂરતા અનુત્તર રહ્યા છે. જોકે ડૉ. પ્રવીણ તોગડિયા સ્વસ્થ થયા બાદ આ રહસ્ય પરથી પડદો ઊંચકાશે.

રાજસ્થાનના ગંગાનગરના એક કેસમાં ડૉ. પ્રવીણ તોગડિયા સામે ધરપકડ વૉરન્ટની બજાવણી કરવા આવેલી રાજસ્થાન પોલીસે ગઈ કાલે અમદાવાદના સોલા પોલીસની મદદથી તેમના ઘરે જઈને તપાસ કર્યા બાદ મામલો ગરમાયો હતો. ડૉ. તોગડિયા ગાયબ થયાની હકીકત બહાર આવતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ સોલા પોલીસ-સ્ટેશન પર દેખાવો કર્યા હતા અને રસ્તા પર ચક્કાજામ કરતાં પોલીસ દોડતી થઈ ગઈ હતી.

અમદાવાદ ઉપરાંત સુરત, સુરેન્દ્રનગર, જુનાગઢ અને રાજકોટમાં પણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ રોડ પર ઊતરી આવી દેખાવો કર્યા હતા.

ડૉ. પ્રવીણ તોગડિયા ગઈ કાલે સવારે દસ વાગ્યા બાદ તેમના ઘરે કે કાર્યાલયમાં જોવા ન મળતાં તેઓ ક્યાં ગયા છે એવો સવાલ ઊઠ્યો હતો. રાજસ્થાનની પોલીસે અને અમદાવાદના સોલા પોલીસ-સ્ટેશનની પોલીસે પ્રવીણ તોગડિયાને ઘરે તપાસ કરી હતી. પ્રવીણ તોગડિયા લાપતા થયા છે એવી માહિતી મળતાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સોલા પોલીસ-સ્ટેશન પર ઊમટી આવ્યા હતા અને દેખાવો કર્યા હતા. આ ઉપરાંત તેમણે સરખેજ–ગાંધીનગર હાઇવે પર રસ્તો રોકીને ચક્કાજામ કર્યો હતો અને પોલીસ સમક્ષ માગણી કરી હતી કે પ્રવીણભાઈને શોધી લાવો.

મોડી સાંજે અમદાવાદમાં વિશ્વ હિન્દુ પરિષદના મુખ્ય કાર્યાલય પાસે આવેલા મહાલક્ષ્મી પાંચ રસ્તા પર વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ દેખાવો કર્યા હતા અને આવતાં-જતાં વાહનોને રોકીને રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. કાર્યકરોએ સિટી બસ અને ST બસને રોકીને બસમાંથી મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. વાહનો રોકવામાં આવતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું.

વિશ્વ હિન્દુ પરિષદના ગુજરાતના અગ્રણી રણછોડ ભરવાડે મીડિયાને કહ્યું હતું કે ‘રાજસ્થાનના ગંગાનગરથી પોલીસ આવી એ પછી પ્રવીણભાઈ સવારે દસ વાગ્યાથી લાપતા છે. એની જવાબદારી સિક્યૉરિટીની અને વ્યવસ્થાતંત્રની છે. ગુજરાત સરકાર તાત્કાલિક શોધે કે પ્રવીણભાઈ ક્યાં છે?’

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે ‘પોલીસ આવીને પ્રવીણભાઈને લઈ ગઈ છે. તેમનું એન્કાઉન્ટર તો કરવાનું નથીને?’

ડૉ. પ્રવીણ તોગડિયા ગઈ કાલે લાપતા બન્યા બાદ પોલીસ સામે શંકા ઊઠતાં અમદાવાદના જૉઇન્ટ પોલીસ-કમીશનર (ક્રાઇમ) જે. કે. ભટ્ટને આ મુદ્દે ખુલાસો કરવા મેદાનમાં ઊતરવું પડ્યું હતું અને તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજસ્થાન કે અમદાવાદ પોલીસે ડૉ. પ્રવીણ તોગડિયાની ધરપકડ કરી નથી.

ગઈ કાલે સાંજે એક પ્રેસ-કૉન્ફરન્સ યોજીને તેમણે સ્પષ્ટતા કરી હતી કે ‘ડૉ. પ્રવીણ તોગડિયાની ધરપકડ કરવામાં નથી આવી. ગઈ કાલે સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર પોલીસ-સ્ટેશનના કર્મચારીઓ આવ્યા હતા અને કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદના ડૉ. પ્રવીણ તોગડિયાની સામે ૨૦૧૫માં ગંગાનગર સિટી મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ દાખલ થયો છે એના અનુસંધાનમાં ધરપકડ વૉરન્ટની બજાવણી કરવાની છે. એટલે સોલા પોલીસ-સ્ટેશનના અધિકારીઓ તેમની સાથે ડૉ. તોગડિયાના ઘરે ગયા હતા. જોકે પ્રવીણ તોગડિયા તેમના ઘરે મળ્યા નહોતા એટલે પોલીસ સોલા પોલીસ-સ્ટેશન પાછી ફરી હતી. અમે અમદાવાદના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયમાં તપાસ કરી હતી. ત્યાં તેઓ સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ના જવાનને એટલું કહીને ગયેલા કે અડધા કલાકમાં હું આવું છું. તેમની સાથે દાઢીવાળા ભાઈ હતા. એક રિક્ષા બોલાવી એમાં બેસીને તેઓ ચાલ્યા ગયા છે. આ કેસમાં અમે પ્રવીણભાઈને શોધવા માટે સ્પેશ્યલ ટીમો ઑર્ગેનાઇઝ કરીને તપાસ હાથ ધરી છે.’

દાઢીવાળા એ ભાઈ કોણ છે એવો પ્રશ્ન વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં ઊઠ્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલય ખાતે એકઠા થયેલા કાર્યકરોએ મીડિયાને સ્પષ્ટ કહ્યું હતું કે ‘પ્રવીણભાઈ રિક્ષામાં બેસીને જાય જ નહીં. જો પોલીસને ખબર પડી કે પ્રવીણભાઈ જતા રહ્યા છે તો નાકાબંધી કેમ ન કરી?’

જોકે અંતે પ્રવીણ તોગડિયા મળી આવતાં રાહતની લાગણી તો ફેલાઈ હતી, પણ એની સાથે અનેક સવાલોના જવાબ મળવાના બાકી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK