એકને બંધારણીય રીતે અનામત જોઈએ છે તો બીજાને OBC સમકક્ષ લાભો
OBC સમકક્ષ લાભો મળે એ દિવસથી આંદોલન બંધ થઈ જશે એમ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે કહ્યું છે, જ્યારે સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે કહ્યું હતું કે પાટીદારોને બંધારણીય રીતે અનામત મળવી જોઈએ. ગુજરાતમાં પાટીદારોને અનામત મળે એ માટે આંદોલન ચલાવી રહેલી પાટીદારોની બે સંસ્થાઓ પૈકી પાટીદાર અનામત આંદોલન સમિતિની કોર કમિટીની બેઠક ગઈ કાલે સરગાસણ ગામે મળી હતી, જ્યારે સરદાર પટેલ ગ્રુપની બેઠક રાયસણ ખાતે મળી હતી. આ બન્ને સંસ્થાઓએ ગઈ કાલે પાટીદારોને અનામત મળે એ મુદ્દે મનોમંથન કર્યું હતું.
લાલજી પટેલ - સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ
BJPએ ૧૦ ટકા EBC આપ્યું એ લૉલીપૉપ હતી એની જેમ કૉન્ગ્રેસ ૨૦ ટકા આપે છે એ પણ લૉલીપૉપ છે. પાટીદારોને બંધારણીય રીતે અનામત મળવી જોઈએ. જ્યાં સુધી પાટીદારોને અનામત નહીં મળે ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રાખીશું.’
હાર્દિક પટેલ - PAASના કન્વીનર
OBC સમકક્ષ લાભો અમને મળે. જે દિવસે આ લાભો મળશે એ દિવસે આંદોલન બંધ થઈ જશે. અનામત બાબતે જે ત્રણ ફૉમ્યુર્લા કૉન્ગ્રેસ તરફથી આપવામાં આવી છે એ અમે સ્વીકારી છે. હવે સમાજના મોભીઓને વાત કરીશું, સરદાર પટેલ ગ્રુપને વાત કરીશું અને અંતિમ નિર્ણય લઈશું.
કચ્છમાં હાર્દિક પટેલની હાજરીને કારણે વાતાવરણ ગરમાયું : BJP અને કૉન્ગ્રેસના કાર્યકરો આમને-સામને
રવિવારે મોડી રાત્રે પાટીદાર નેતા હાર્દિક પટેલની કચ્છમાં અંજાર તાલુકાના ભીમાસર-ચકાસર ગામની મુલાકાત દરમ્યાન બે રાજકીય જૂથો વચ્ચે ઉગ્ર સૂત્રોચ્ચાર થતાં મામલો તંગ બન્યો હતો. પોલીસે ઘટનાસ્થળે તાત્કાલિક ધસી જઈને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
માંડવી તાલુકાના ભેરૈયા ખાતે સભા સંબોધીને હાર્દિક પટેલ રાત્રે સાડાઅગિયાર વાગ્યાના અરસામાં ભીમાસર ગામ ખાતે પહોંચ્યો હતો. એ દરમ્યાન કૉન્ગ્રેસીઓએ ‘જય સરદાર, જય પાટીદાર’ના અને BJPના કાર્યકરોએ ‘મોદી મોદી’ના નારા લગાવીને હાર્દિકનો હુર્રિયો બોલાવ્યો હતો. આ દરમ્યાન BJP-કૉન્ગ્રેસનાં જૂથો સામસામે આવી જતાં હાર્દિક પટેલના કાફલાની ગાડીઓમાંથી એક ગાડીના કાચ તૂટી ગયો હતો. એક તબક્કે આ ઘટનામાં પથ્થરમારો થયો હોવાની વાતો પણ વહેતી થઈ હતી, પરંતુ ઘટનાસ્થળે ધસી ગયેલી પોલીસે આ બાબતને સમર્થન આપ્યું નહોતું.
