મળો સુરતનાં પૅડઆન્ટીને

પાંચ વર્ષ પહેલાં બે છોકરીઓને કચરાપેટીમાંથી વપરાયેલાં પૅડ લેતાં જોયા બાદ શરૂ થયું મીના મહેતાનું અનોખું ફ્રી પૅડ-વિતરણ : ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ પૅડમૅન સ્લમની ૧૧૮ મહિલાઓ અને છોકરીઓને થિયેટરમાં લઈ જઈને બતાવી

aunty

શૈલેષ નાયક

પાંચ વર્ષ પહેલાં સુરતમાં એક કચરાપેટીમાંથી યુઝ કરેલાં અને ફેંકી દેવામાં આવેલાં પૅડ શોધીને સ્લમમાં રહેતી બે છોકરીઓએ બહાર કાઢ્યાં અને કંઈક અંશે રાહત અનુભવી. આ છોકરીઓને એક સન્નારી જોઈ ગયાં, તેમના હૃદયને આ ઘટના ટચ કરી ગઈ અને તેમણે સુરતમાં સ્લમમાં રહેતી છોકરીઓ અને મહિલાઓ માટે ફ્રીમાં પૅડ વિતરણનું અભિયાન શરૂ કર્યું.

સુરતમાં ‘પૅડદાદી’ અને ‘પૅડઆન્ટી’ તરીકે જાણીતાં બનેલાં ૬૨ વર્ષનાં મીના મહેતા અને તેમના મિસ્ટર અતુલ મહેતાએ પૅડને લઈને અવેરનેસ આવે એ માટે ગઈ કાલે રિલીઝ થયેલી અક્ષયકુમારની ‘પૅડમૅન’ ફિલ્મ સ્લમની ૧૧૮ મહિલાઓ અને છોકરીઓને સુરતના થિયેટરમાં લઈ જઈને બતાવી હતી. મીના મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ દિવસે કચરાપેટીમાંથી છોકરીઓને પૅડ ઊંચકતી જોઈને તેમને પૂછતાં છોકરીઓએ કહ્યું હતું કે દાદી, પિરિયડ્સનો ટાઇમ થઈ ગયો છે; કપડું પહેરીએ છીએ પણ રૅશિસ પડી જાય છે એટલે આ પૅડ અમે ઘરે જઈ ધોઈ નાખીને એને સૂકવીને પહેરીશું.’

છોકરીઓની આ વાત તેમના હૃદયને ટચ કરી ગઈ અને તેમણે ફ્રીમાં પૅડ-વિતરણ કરવાનું નક્કી કર્યું. આ અભિયાનમાં તેમના મિસ્ટરે ૨૫ હજાર રૂપિયા આપ્યા અને સ્લમ વિસ્તારમાં તેમ જ મ્યુનિસિપલ સ્કૂલમાં જઈને ફ્રીમાં પૅડ-વિતરણની સેવા શરૂ કરી. આ ઉપરાંત સ્લમ એરિયામાં રહેતી મહિલાઓ અને છોકરીઓને પિરિયડ્સના સંદર્ભમાં જાગૃતિ આવે એ માટે તેમણે પ્રયાસો શરૂ કર્યા છે.

તેમના આ અભિયાન સંદર્ભે મીના મહેતાએ કહ્યું હતું કે ‘હું છેલ્લાં પાંચ વર્ષથી સુરતમાં આ કામ કરી રહી છું. અત્યાર સુધીમાં એક લાખથી વધુ પૅડનું વિતરણ કર્યું છે. અગિયારથી ૧૪ વર્ષની છોકરીઓને પૅડની કિટ ફ્રીમાં આપું છું. આ ઉપરાંત સ્લમની મહિલાઓ, આંગણવાડીની બહેનો, કચરો સાફ કરતી અને કચરો વીણતી બહેનો અને વેન્ડર બહેનોને પૅડ આપીને તેમને સમજાવીએ છીએ. અમે સ્લમની મધર્સને આ મુદ્દે એજ્યુકેટ કરીએ તો તેઓ તેમની દીકરીઓને પહેરવા દેશે, માટે મધર્સને અમે કમ્ફર્ટ-લેવલ આપીએ છીએ. આ કામ શરૂ કર્યા બાદ એની સમાજમાં જાણ થતાં મને સેવાભાવી નાગરિકો તરફથી સહકાર મળવા લાગ્યો અને ફન્ડ મળવા લાગ્યું એટલે માનુની ફાઉન્ડેશન ટ્રસ્ટ બનાવ્યું છે. અક્ષયકુમારને હું થૅન્ક યુ કહેવા માગું છું કે તેમણે એક મેસેજ સ્પ્રેડ કર્યો છે. આ ફિલ્મ જોઈને બહેનો ખુશ થઈ હતી અને મને કહેતી હતી કે અમે હવે કપડું ક્યારેય નહીં વાપરીએ.’

રિટાયર્ડ બિઝનેસમૅન અતુલ મહેતા અને હાઉસવાઇફ મીના મહેતા મૂળ તો મુંબઈનાં છે. તેઓ ૪૦ વર્ષ પહેલાં સુરત આવીને વસ્યાં હતાં. રોજ તેઓ સુરતની જુદી-જુદી સ્કૂલોમાં, આંગણવાડીઓમાં, સ્લમ વિસ્તારમાં જાય છે અને પૅડનું વિતરણ કરે છે. અગિયારથી ૧૪ વર્ષની છોકરીઓને ફ્રીમાં કિટ આપે છે જેમાં ૧ પૅકેટ પૅડ, બે અન્ડરવેઅર, ચાર શૅમ્પૂનાં પાઉચ અને એક સાબુ હોય છે. ગઈ કાલે તેમણે એક સ્ક્રીન બુક કરી હતી અને સ્લમ વિસ્તારની મહિલાઓ અને છોકરીઓને આ ફિલ્મ બતાવી હતી.

aunty

સુધા મૂર્તિએ કાર્યની સરાહના કરી

મીના મહેતા સુરતમાં જે સેવાકીય કામગીરી કરી રહ્યાં છે એની સરાહના ઇન્ફોસિસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિનાં પત્ની સુધા મૂર્તિએ પણ કરી હતી. મીના મહેતાએ કહ્યું હતું કે ‘તેમણે બે વખત એક-એક લાખ રૂપિયાના સૅનિટરી નૅપ્કિન્સ મોકલ્યાં હતાં. ૨૦૦૪માં જ્યારે સુનામી આવી પછી સુધા મૂર્તિએ ચાર ટ્રક ભરીને સૅનિટરી નૅપ્કિન્સ ચેન્નઈ મોકલી આપ્યાં હતાં. આ ન્યુઝ મેં એે સમયે વાંચ્યા હતા ત્યારે મને થયું હતું કે આ કરવા જેવું કામ છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK