ગાંધીજીએ પોતાનાં પૌત્રો–પૌત્રીઓ પાસેથી સાબરમતી આશ્રમમાં રહેવા–જમવાનો ખર્ચ લીધો હતો

અમદાવાદસ્થિત વિશ્વવિખ્યાત સાબરમતી આશ્રમને આજે ૧૦૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે જાણીએ એની રસપ્રદ અજાણી વાતો : ૧૯૧૭ની ૧૭ જૂને વરસતા વરસાદમાં સાબરમતી નદીના તટે સ્થïળાંતર થયું હતું

gandhiji

શૈલેષ નાયક

ગાંધીજીએ પોતાનાં પૌત્રો–પૌત્રીઓ પાસેથી આશ્રમમાં રહેવા–જમવાનો ખર્ચ લીધો હતો અને હરિજનના મુદ્દે બાપુનાં મોટાં બહેન રળિયાતબહેને આશ્રમ છોડવો પડ્યો હતો.

કદાચ આ વાંચીને તમને આર્ય થયું હશે, પરંતુ અમદાવાદસ્થિત વિશ્વવિખ્યાત સાબરમતી આશ્રમને આજે ૧૦૦ વર્ષ થઈ રહ્યાં છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ આશ્રમની રસપ્રદ એવી અજાણી વાતો જાણવા જેવી છે.

અમદાવાદમાં આવેલા કોચરબ આશ્રમમાંથી ૧૯૧૭ની ૧૭ જૂને વરસતા વરસાદમાં આશ્રમનું સાબરમતી નદીના તટે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ભલે સાબરમતી આશ્રમ બાપુએ શરૂ કરાવ્યો હોય, પણ આશ્રમ શરૂ થયો ત્યારે ગાંધીજી હતા જ નહીં. આશ્રમ શરૂ થયાને મહિના પછી બાપુ સાબરમતી આશ્રમમાં રહેવા આવ્યા હતા.

સાબરમતી આશ્રમ સુરક્ષા અને સ્મારક ટ્રસ્ટના સેક્રેટરી અમૃત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૯૧૭ની ૧૭ જૂને ગાંધીજી બિહારના ચંપારણના બેતિયા ગામે હતા. ત્યાં ખેડૂતોનો ગળીનો સત્યાગ્રહ શરૂ થયો હતો. એનું સંચાલન ગાંધીજી કરતા હતા એટલે તેઓ ચંપારણ છોડીને અહીં આવ્યા નહોતા. સાબરમતી આશ્રમ શરૂ થયાને લગભગ એક મહિના પછી ગાંધીજી અહીં આવ્યા હતા. ૧૭ જૂને બધા સાબરમતી આશ્રમમાં આવ્યા ત્યારે અહીં વગડો હતો. અહીં ઝાડી હતી એ સાફ કરી તંબુ બાંધીને આશ્રમનો આરંભ કર્યો હતો. આશ્રમવાસીઓ શરૂઆતના દિવસોમાં તંબુમાં રહ્યા હતા. ગાંધીજી પણ થોડો સમય તંબુમાં રહ્યા હતા. આશ્રમમાં સૌથી પહેલું મકાન ઉદ્યોગ મંદિર બન્યું હતું. પછી ૧૯૧૯માં ગાંધીજીનું હૃદયકુંજ બનાવ્યું હતું. એની સાથે વિનોબાની કુટિર બની હતી.’

ગાંધીજીનાં મોટાં બહેન રળિયાતબહેન આશ્રમમાં રહેતાં હતાં, પરંતુ હરિજન શિક્ષક દુદાભાઈનું કુટુંબ આવ્યું ત્યારે સાથે જમવા તેઓ રાજી નહોતાં. જાતે રાંધવાની તેમણે માગણી કરી ત્યારે ગાંધીજીએ કહ્યું હતું કે ‘એ રીતે તો મારી સાથે આશ્રમમાં રહી નહીં શકો. આશ્રમના રસોડે જે રસોઈ થાય એ છૂતાછૂત વિના જમવાની તમારી તૈયારી હોય તો જ હું તમને મારી સાથે રાખી શકું.’

ashram

રળિયાતબહેન એમ કરવા તૈયાર નહોતાં એટલે તેમને આશ્રમ છોડવો પડ્યો હતો.

ગાંધીજીનાં પૌત્રો–પૌત્રીઓ આશ્રમમાં પહેલી વખત રહેવા માટે આવ્યાં અને થોડા દિવસ રહીને પાછાં જતાં હતાં ત્યારે ગાંધીજીએ બાને કહ્યું કે તેમના રહેવા–જમવાના પૈસા આશ્રમને આપી દો.

બાને નવાઈ લાગતાં તેમણે સમજાવ્યું કે ‘આ આશ્રમ તો સાર્વજનિક પૈસાથી ચાલે છે. આપણા છોકરાઓ આવે, રહે અને આશ્રમમાંથી સેવા લે એનો ખર્ચ આશ્રમને આપી દે એમાં ખોટું શું છે?’

બાએ પણ હસતા મોઢે આ વાત સ્વીકારી લીધી અને દરેક વખતે છોકરાઓ જાય ત્યારે પોતે જ વ્યવસ્થાપક પાસેથી બિલ લઈ લે.

ગાંધીજીએ ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા’માં બળવાખોર લખાણો લખીને બ્રિટિશ સરકારને પડકારી હતી. ભારતમાં ગાંધીજીને તેમનાં લખાણોને કારણે છ વર્ષનો જેલવાસ થયો હતો. ગાંધીજીને એક સ્પેશ્યલ ટ્રેન દ્વારા યેરવડા જેલમાં લઈ જવામાં આવ્યા હતા.

સાબરમતી આશ્રમમાં કોઈ નવું મહેમાન આવે તેને પહેલાં બાનાં દર્શન થાય. બા ખૂબ પ્રેમથી તેમનો સત્કાર કરે. ક્યાંથી આવો છો, જમ્યા છો કે નહીં એવું પૂછી લેતાં. આશ્રમમાં રહેનારા લોકોને પણ બા અવારનવાર કહ્યા કરે કે કોઈ અગવડ ભોગવશો નહીં. પંડિત માલવિયાજી ગમે એટલા દિવસો આશ્રમમાં રહી શકતા એ બાને લીધે જ. બાના કારણે જવાહરલાલજીને ખાસ ટેસ્ટવાળી ચા મળતી હતી.

૧૯૩૦માં ગાંધીજીએ સ્વરાજ મેળવવા મીઠાના અન્યાયી કાયદા સામે સવિનય કાનૂન ભંગનો આરંભ કર્યો અને ૧૯૩૦ની ૧૨ માર્ચે તેમણે સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પગપાળા કૂચ કરી એમાં આશ્રમના ચૂંટેલા સાથીઓને સત્યાગ્રહીઓ તરીકે સામેલ કર્યા હતા. ગાંધીજીએ આશ્રમમાં રહેતા ૧૪ પ્રાંતના ૭૮ આશ્રમવાસીઓ સાથે દાંડીયાત્રાનો આરંભ કર્યો હતો. એ રાષ્ટ્રીય જાગૃતિમાં ૬૦ હજાર જેટલા સત્યાગ્રહીઓએ જેલો ભરી દીધી હતી.

એ જમાનામાં અમદાવાદ હાથવણાટનું મથક હોવાથી રેંટિયાનું કામ સારી રીતે થઈ શકશે અને અહીંના ધનાઢ્ય લોકો ધનની મદદ દઈ શકશે એવી આશા ગાંધીબાપુને એ સમયે હતી.

આશ્રમ બાંધવામાં અનસૂયા સારાભાઈ, શંકરલાલ બૅન્કર, નરહરિ પરીખ, મણિબહેન, હડતાળિયા મજૂરો, આશ્રમમાં રહેતાં સ્ત્રી–પુરુષો અને બાળકોએ સાથ આપ્યો હતો.

દુદાભાઈ અને તેમનાં પત્ની દાનીબહેને આશ્રમ છોડ્યો અને બાપુએ આગ્રહ કરીને તેમની દીકરી લક્ષ્મીને આશ્રમમાં રાખી અને દત્તક લીધી છે એમ જાહેર કર્યું હતું. તેની બધી સંભાળ રાખવાનું કામ બાને સોંપવામાં આવ્યું હતું. આમ આશ્રમમાં બાપુએ હરિજનની દીકરીને દત્તક લીધી હતી.

સ્વરાજ્ય માટે ચારિત્રશીલ કાર્યકરો તૈયાર કરવા, અસ્પૃશ્યતા નિવારણ માટે મથવા, કંતામણ અને ખાદીને જીવનનાં આવશ્યક અંગોરૂપે અપનાવવા, સર્વધર્મ સમભાવ કેળવવા, માતૃભાષા દ્વારા જ કેળવણી આપવા, હિન્દીના શિક્ષણને મહત્વનું સ્થાન આપવા, ગામડાંઓના ઉદ્ધાર સાથે એવી કેïળવણીનો પ્રચાર કરવા અને એમની જરૂરિયાતો ધ્યાનમાં લઈને અભ્યાસક્રમ ઘડવા અને રાષ્ટ્રીય શિક્ષણ માટે ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી હતી.

‘ગાંધીજી અમદાવાદમાં’ નામના પુસ્તકમાં તેમ જ સાબરમતી આશ્રમમાં આવેલા પ્રદર્શન હૉલમાં આ બધી વાતોનો ઉલ્લેખ છે અને આજે પણ સચવાયેલી પડી છે.

ગાંધીજી જ્યાં મહિના કરતાં વધુ રોકાયેલા એવાં ૩૧ સ્થળોના આર્કિયોલૉજિકલ નકશા બનાવવામાં આવ્યા

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્થાપેલા અમદાવાદસ્થિત સાબરમતી આશ્રમને ૧૦૦ વર્ષ પૂરાં થયાં છે ત્યારે એક સ્તુત્ય નિર્ણય લેવાયો છે. મહાત્મા ગાંધી જે સ્થળોએ એક મહિનાથી વધુ સમય સુધી રહ્યા હતા એવા મુંબઈના મણિભવન સહિત ૩૧ સ્થળોના આર્કિયોલાજિકલ નકશા બનાવીને અને એને સુરક્ષિત કરીને બાપુની યાદગીરી જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

આશ્રમના સંચાલકોમાંના એક અમૃત મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાંધીજી તેમના જીવન દરમ્યાન જ્યાં-જ્યાં ગયા હતા એ સ્થાનોની યાદી અમે તૈયાર કરી છે. લગભગ ૨૫૦૦ સ્થળોએ ગાંધીજીએ જવાનું થયું હતું. આ ૨૫૦૦ સ્થળોમાંથી ૩૧ સ્થળો એવાં પસંદ કર્યાં છે જ્યાં બાપુ એક મહિના કરતાં વધુ સમય સુધી રોકાયા હોય. આ સ્થળોને સુરક્ષિત કરવા માટે આર્કિયોલૉજિકલ નકશા બનાવ્યા છે. આ સ્થળોમાં પોરબંદરનું કીર્તિ મંદિર, વર્ધાનો સેવાગ્રામ આશ્રમ, કલકત્તા પાસે આવેલો બેરકપુર આશ્રમ, મુંબઈમાં મણિભવન સહિતનાં ૩૧ સ્થળોના આર્કિયોલૉજિકલ નકશા તૈયાર કર્યા છે. આ પાછળનું કારણ એ છે કે ભવિષ્યમાં આગ, ભૂકંપ કે કોઈ હોનારત થાય અને આ ઇમારતોને નુકસાન થાય તો આ નકશામાંથી પહેલાં જેવી જ ઇમારત ફરી બનાવી શકાય.’

ગાંધીજી સ્પેશ્યલ ટ્રેન આજથી

પર્યટકોને મહાત્મા ગાંધી સાથે સંકળાયેલાં યાદગાર સ્થળો બતાવવા માટે ભારતીય રેલવેએ આજથી સ્પેશ્યલ ટ્રેન શરૂ કરી છે. આ ટ્રેન સાબરમતીથી ઊપડશે અને ગુજરાતનાં અમુક સ્ટેશનો પર ઊભી રહેશે. ત્યાંથી એ બિહાર અને ઉત્તર પ્રદેશનાં સ્થળોએ જશે. ગુજરાત સરકારની વિનંતી બાદ આ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેન મહારાષ્ટ્રમાં વર્ધા ખાતે પણ જશે જ્યાં ગાંધીજીનો સેવાગ્રામ આશ્રમ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK