પપ્પા તો ઠીક છેને?

મમ્મીના કપાળે ચાંદલો અને ગળામાં મંગળસૂત્ર નહોતું એટલે કુલભૂષણ જાધવને કંઈક અમંગળ થયાની શંકા ગઈ હોવાથી કર્યો સવાલ...

kulbhushan

જાસૂસીના આરોપસર પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ ઑફિસર કુલભૂષણ જાધવની તેમનાં મમ્મી અને પત્ની સાથેની મુલાકાત દરમ્યાન પાકિસ્તાનના શરમજનક વ્યવહારની સંસદનાં બન્ને ગૃહમાં શાસક તેમ જ વિરોધ પક્ષોએ એકસૂરમાં ગઈ કાલે નિંદા કરી હતી. વિદેશપ્રધાન સુષમા સ્વરાજે ગઈ કાલે આ મુદ્દા પર પહેલાં રાજ્યસભામાં અને પછી લોકસભામાં બયાન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાને બદતમીજીની હદ વટાવી છે. જે સમયે સુષમા સ્વરાજ બોલી રહ્યાં હતાં ત્યારે બન્ને ગૃહોમાં મેમ્બરોએ ‘પાકિસ્તાન શેમ, શેમ’ અને ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. કૉન્ગ્રેસે પણ જાધવના પરિવારજનોના અપમાનને સમગ્ર દેશનું અપમાન ગણાવ્યું છે.

કુલભૂષણ જાધવનાં મમ્મીની હિંમતને દાદ દેવી પડે

ભારતીય નૌસેનાના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનાં મમ્મી અવંતિ જાધવે પાકિસ્તાનમાં બંદીવાન દીકરા સાથેની મુલાકાત વખતે તેમની બહાદુરીનો પરચો બતાવીને પાકિસ્તાનના ઇરાદાઓ પર પાણી ફેરવી દીધું હતું. કુલભૂષણ જાધવ જ્યારે તેમનાં મમ્મીને પાકિસ્તાને તેમના પર લગાવેલી ચાર્જશીટ વિશે જણાવી રહ્યા હતા ત્યારે તેમણે અધવચ્ચે જ તેમના દીકરાને ટોકતાં કહ્યું હતું કે ‘તું આમ કેમ કહી રહ્યો છે? તું તો ઈરાનમાં બિઝનેસ કરી રહ્યો હતો. ત્યાંથી તારું અપહરણ કરવામાં આવ્યું હતું. તારે સાચું બોલવું જોઈએ.’

પરિવારને બાવીસ મહિના બાદ મળી રહેલા કુલભૂષણ જાધવની પ્રતિક્રિયા જેવી હોવી જોઈએ એવી નહોતી. જોકે તેમની મમ્મીને દીકરાની વાતો અને વર્તન યોગ્ય નહોતાં લાગી રહ્યાં. એટલે ૭૦ વર્ષનાં અવંતિ જાધવ પોતાના દીકરાને એ સંદેશો આપવામાં સફળ રહ્યાં હતાં કે તે પાકિસ્તાની સેના અને ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) દ્વારા પઢાવેલી વાતો ન બોલે. અવંતિ જાધવની હિંમતે પાકિસ્તાની અધિકારીઓની યોજના પર પાણી ફેરવી દીધું હતું. પાકિસ્તાન કુલભૂષણ જાધવે પરિવાર સમક્ષ કરેલી કબૂલાતની વાતોને રેકૉર્ડ કરીને એનો ઉપયોગ ભારત અને કુલભૂષણ જાધવ વિરુદ્ધ પુરાવા તરીકે પ્રસ્તુત કરવાની યોજના ઘડી રહ્યું હતું. અવંતિ જાધવની હાજરીને કારણે આ ભયાવહ વાતાવરણમાં કુલભૂષણનાં પત્ની ચેતના સંયમ જાળવી શક્યાં હતાં.

શું-શું કહ્યું સુષમા સ્વરાજે...

પાકિસ્તાને મુલાકાત દરમ્યાન શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. જાધવનાં મમ્મી અને પત્નીનાં મંગળસૂત્ર, ચૂડી અને ચાંદલો સુધ્ધાં ઉતરાવી તેમને વિધવાના રૂપમાં પ્રસ્તુત કર્યાં. પાકિસ્તાનના આ શરમજનક વ્યવહારની આખો દેશ નિંદા કરે છે. બાવીસ મહિના બાદ એક મમ્મીની દીકરા સાથેની અને એક પત્નીની પતિ સાથેની મુલાકાતનો પાકિસ્તાને દુષ્પþચાર તરીકે ઉપયોગ કર્યો.

પાકિસ્તાની મીડિયાને જાધવનાં મમ્મી અને પત્ની પાસે જવા દેવાયું અને બન્ને મહિલાઓ સાથે બદવ્યવહાર કરવામાં આવ્યો હતો. આ શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

બન્ને મહિલાઓનાં કપડાં પણ બદલાવવામાં આવ્યાં. જાધવનાં મમ્મી સાડી પહેરે છે, પરંતુ તેમને સલવાર-કમીજ પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. મેં જાધવનાં માતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જાધવે બેસતાં જ પૂછ્યું કે બાબા કેમ છે? કેમ કે ચાંદલો ન હોવાથી તેને અજુગતું બન્યું હોવાની આશંકા ગઈ હતી. બન્ને સુહાગણોને જાધવ સમક્ષ વિધવારૂપે મોકલવામાં આવી. પાકિસ્તાન આ હદે બદતમીજી ન કરી શકે.

જાધવનાં માતા મરાઠીમાં વાત કરવા ઇચ્છતાં હતાં, પણ તેમને એની પરવાનગી આપવામાં ન આવી. ભારતના ડેપ્યુટી હાઈ કમિશનરને જણાવ્યા વિના જ પાછળના દરવાજેથી તેમને મુલાકાત માટે લઈ જવાયાં હતાં. આથી તેઓ જાધવનાં પત્ની અને મમ્મીનાં ચૂડી, ચાંદલા અને મંગળસૂત્ર ઉતરાવાયા છે એ જોઈ ન શક્યા. જો જોયું હોત તો ચોક્કસ વિરોધ નોંધાવ્યો હોત.

જાધવનાં પત્નીનાં ચંપલ ઉતરાવાયાં અને એ પાછાં પણ ન સોંપાયાં. અમને લાગતું હતું કે પાકિસ્તાની અધિકારીઓ હવે કોઈ નવી શરારત કરવા માગે છે અને અમારી શંકા સાચી પડી રહી છે. ચંપલમાં કૅમેરા, ચિપ અને રેકૉર્ડરની વાત કહેવામાં આવી રહી છે. આ જ ચંપલમાં જાધવનાં પત્ની દુબઈ અને ઇસ્લામાબાદ ઍરપોર્ટ ગયાં હતાં, પરંતુ ચિપ નહોતી દેખાઈ. જે ચંપલ પહેરીને સિક્યૉરિટી-ચેકમાંથી પસાર થયાં અને કંઈ ન મળ્યું એ જ ચંપલમાં ચિપ કઈ રીતે આવી શકે.

મુલાકાત વખતે જાધવ ટેન્શનમાં હતા. પાકિસ્તાને શું બોલવાનું છે એ શીખવીને મોકલ્યા હતા એ જ તેઓ બોલી રહ્યા હતા. તેમના હાવભાવ પરથી ખબર પડી રહી હતી કે તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ નહોતા. પાકિસ્તાન માનવીય આધાર પર મુલાકાત કરાવવામાં આવી હોવાનો દાવો કરે છે, પરંતુ આ મુલાકાતમાં ન માનવતા હતી કે ન ઉદારતા. સંપૂર્ણ દેશ અને બન્ને ગૃહો પાકિસ્તાનના શરમજનક વર્તનની નિંદા કરે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK