હોળી-ધુળેટી નજીક આવી રહ્યાં છે ત્યારે... ચલો વ્રજભૂમિ

 

 

આ શહેર ૩૦૦૦ વર્ષથી યુવાન છે. અહીં દરરોજ જાત-જાતના અને ભાત-ભાતના ઉત્સવો યોજાય છે. અહીંના કણ-કણમાં અને ક્ષણ-ક્ષણમાં પ્રેમની અનુભૂતિ થાય છે. વર્ષના ૩૬૫ દિવસ રંગીન અને રોશનીથી ધબકતી રહેતી આ ભૂમિ વ્રજભૂમિ છે.

vrajbhumiઅલ્પા નિર્મલ

આ શહેર ૩૦૦૦ વર્ષથી યુવાન છે. અહીં દરરોજ જાત-જાતના અને ભાત-ભાતના ઉત્સવો યોજાય છે. અહીંના કણ-કણમાં અને ક્ષણ-ક્ષણમાં પ્રેમની અનુભૂતિ થાય છે. વર્ષના ૩૬૫ દિવસ રંગીન અને રોશનીથી ધબકતી રહેતી આ ભૂમિ વ્રજભૂમિ છે. એક જમાનામાં વ્રજભૂમિ દેવભૂમિ તરીકે ઓળખાતી. જગદ્ગુરુ કૃષ્ણે આ ભૂમિની દરેક રજકણને સ્પર્શી છે, શ્વસી છે. આમ તો શામળિયો ભારતની ચારેય દિશાએ ઘૂમ્યો છે, રહ્યો છે; પણ તેની જન્મભૂમિનો આ વિસ્તાર એટલા માટે ખાસ છે કે આજે પણ અહીંની દરેક નિર્જીવ અને સજીવ વસ્તુઓમાં તેના અસ્તિત્વનો અહેસાસ થાય છે.

વ્રજભૂમિમાં મુખ્યત્વે મથુરા, વૃંદાવન, ગોકુળ, બરસાના, નંદગાંવ, ગોવર્ધન, મહાવન, બલદેવ, જતીપુરા, કામવન, કુસુમવન અને બાજના વગેરે ગામો તથા એની આસપાસના વિસ્તારોનો સમાવેશ છે. એમાંય હોળીનો તહેવાર નજીક આવતો હોય ત્યારે તો આ સ્થળો વધુ રંગીલાં અને ઉમંગમય થઈ જાય છે. તો રંગાઈ જાને રંગમાં...

ક્યાં આવેલાં છે?

મથુરા ઉત્તર પ્રદેશનું મુખ્ય શહેર છે. એ રાજ્યની રાજધાની લખનઉથી ખૂબ દૂર આવેલું છે; પણ હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનની પૂર્વીય સીમાનાં શહેરોથી સાવ નજીક છે. બાજના, બરસાના, નંદગાંવ જેવાં અન્ય જાણીતાં નગરો એના ૫૦થી ૭૦ કિલોમીટરના પરિઘમાં વસેલાં છે. એમાંય વૃંદાવન તો એટલું ઢૂંકડું છે કે મથુરા-વૃંદાવનને ટ્વિન સિટી પણ કહી શકાય. પ્રાચીન હિન્દુ ગ્રંથ ગરુડપુરાણના કહેવા મુજબ ભારતનાં ૭ સ્થાનો મોક્ષદાયક છે જ્યાં રહેવામાત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે અને એમાં મથુરાનો પણ સમાવેશ છે.

vrajbhumi2અહીં શું કરી શકાય?

યમુના નદીના કિનારે વસેલું મથુરા ૩૦૦૦ વર્ષથી પણ વધુ પ્રાચીન મનાય છે. યાદવવંશ પહેલાં અહીં અનેક સૂર્યવંશીય અને ચંદ્રવંશીય રાજાઓએ રાજ્ય કર્યું હતું એની તવારીખ તો ઐતિહાસિક ગ્રંથોમાં છે જ, પણ મથુરાના નરેશ કંસ પછીના સમય વિશે મોટા ભાગના હિન્દુઓ જાણે છે. ક્રૂર કંસને જ્યારે દૈવીવાણીથી ખબર પડી કે તેનો આઠમો ભાણેજ તેનો સંહારક બનશે ત્યારે તેણે તેની બહેન દેવકી અને બનેવી વાસુદેવને કેદખાનામાં પૂરી દીધાં અને તેમના એક પછી એક એમ સાત સંતાનોને મારી નાખ્યાં. આઠમા સંતાન તરીકે નટવરે જન્મ લીધો અને પછી જે કંઈ થયું એના વિશે સૌ વિદિત છે. કૃષ્ણનો જન્મ જેલમાં થયો હોવાને કારણે આપણે એ કેદખાનાની મુલાકાત લેવી જ રહી. હજારો વર્ષો પહેલાં બનાવવામાં આવેલી આ જગ્યા આજે પણ એના અસલ સ્વરૂપમાં સચવાયેલી છે. તમે સિક્યૉરિટી, પોલીસ અને આર્મીના એક પછી એક એમ કેટલાય કોઠા પસાર કર્યા બાદ જ્યારે અહીં પહોંચો છો ત્યારે કંસની વિકૃત માનસિકતાના દ્રષ્ટા બની શકો છો. કાળમીંઢ પથ્થરની દીવાલો પર અથડાવીને મારી નખાયેલાં પેલાં સાત સંતાનોનાં માથાંની નિશાની અહીં કરવામાં આવી છે. અતિક્ષુબ્ધ હૃદયે અહીંથી બહાર નીકળ્યાં પછી પરિસરમાંનું કેશવદેવ મંદિર હૈયું ટાઢું કરે છે. રાધા-કૃષ્ણની સુંદર મૂર્તિ સાથે કૃષ્ણના અન્ય અવતારનાં સ્વરૂપ અહીં રાખવામાં આવ્યાં છે. દ્વારકાધીશ મંદિર મથુરાનું અતિમહkવનું અને પૂજનીય દેવાલય ગણાય છે. હોળી, દિવાળી, જન્માષ્ટમી જેવા તહેવારોમાં તો એની આભા દૈવી હોય છે. શહેરની બહાર આવેલું બિરલા મંદિર ગીતા મંદિર તરીકે પણ જાણીતું છે. ત્યાં તો અચૂક જવું. અહીં ભગવદ્ગીતાના સારને પથ્થરમાં અને પેઇન્ટિંગ સ્વરૂપમાં કંડારવામાં આવ્યા છે. આમ તો મથુરાને મંદિરોની નગરી કહેવામાં અતિશયોક્તિ નથી. દરેક ગલીએ અને ખૂણે કહેવાતાં પ્રાચીન અને પ્રાઇવેટ મંદિરોનો રાફડો છે. છતાંય ગાયત્રી તપોભૂમિ, દુર્વાસા ઋષિ આશ્રમ જોવા જેવાં છે અને જય ગુરુદેવ આશ્રમ (નામ યોગ સાધના મંદિર)માં તો નૉન-વેજ ખાનારાઓને એન્ટ્રી પણ નથી. એ આશ્રમ પણ મસ્ટ ગો. જોકે ગમે ત્યાં જાઓ, સાંજ પડતાં તમારે હાજર થવાનું છે વિશ્રામઘાટે. વાયકા અનુસાર શ્રીકૃષ્ણે કંસનો વધ કરીને અહીં વિશ્રામ કર્યો હતો. જમુનાના તીરે બનાવવામાં આવેલા આ ઘાટની આજુબાજુ અન્ય ૨૪ ઘાટ છે જે પચીસ ર્તીથ તરીકે જાણીતા છે. અહીંથી દર સંધ્યાએ થતી યમુના મહારાણીની આરતી તન-મનને ઝંકૃત કરી દે છે. લીલા પાનના કોડિયામાં પુષ્પ સાથે મૂકેલી દિવેટ ખરીદી તમે વિશ્રામઘાટના પગથિયે બેસી પડો કે નાવમાં બેસી નદીની મધ્યમાં પહોંચી આરતીનો નજારો માણો. બન્ને રીતે આ અનુભવ અકલ્પનીય, અવર્ણનીય અને અવિસ્મરણીય.

કૃષ્ણનગરી મથુરામાં જામા મસ્જિદ પણ છે. એ ૧૬મી સદીની મધ્યમાં બનાવવામાં આવી છે અને એના ચાર તોતિંગ મિનારા માટે એ પ્રખ્યાત છે. એ જ રીતે ગવર્નમેન્ટ મ્યુઝિયમમાં કેટલીક અલભ્ય કહેવાય એવી કૃતિઓ અને સ્કલ્પ્ચર છે. મથુરાથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલું વૃંદાવન ખરા અર્થમાં ધબકતું નગર છે. અહીં નટખટ મોહને તેનું બાળપણ અને યુવાની વિતાવ્યાં છે તથા લીલાઓ કરી છે. રોમૅન્ટિક વાતાવરણ ધરાવતા આ શહેરમાં પણ મંદિર, ઘાટ, સમાધિ, તળાવ, નદીકાંઠાઓ, કુંડ અને વન છે. ઈસવીસન ૧૫૯૦માં બંધાયેલું ગોવિંદદેવનું મંદિર ઓરિજિનલી સાત માળનું હતું, પણ ઔરંગઝેબે આક્રમણ કરતાં હવે એના ચાર માળ બચ્યા છે જે વિરાટ અને વિસ્મયકારક છે. શાહજી ટેમ્પલમાં છોટે રાધારમણની મૂર્તિ છે અને અહીંના બસંતી કમરામાં સદીઓ જૂના બેલ્જિયમ ગ્લાસનાં ઝુમ્મરો અને ચિત્રો છે. રંગજી મંદિર એ ઉત્તર અને દક્ષિણ ભારતીય શૈલીનું મિશ્રણ કરીને બનાવવામાં આવેલું અનોખું દેવાલય છે તો કાલિઘાટસ્થિત મદનમોહન ટેમ્પલ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું આસ્થાધામ છે. કેશીઘાટ પરનું જુગલ કિશોર મંદિર, રાધા-વલ્લભ મંદિર,પીનાથ મંદિર વંદનીય અને કાંચ મંદિરપ્રેક્ષણીય છે. જોકે વૃંદાવન જાણીતું છે ઇસ્કૉનનાં કૃષ્ણ-બલરામ મંદિર અને બાંકે-બિહારી મંદિર માટે. કૃષ્ણ-રાધા, બલરામ તેમ જ તેમની સખીઓની મોટી મૂર્તિઓ; એનો સુંદરતમ શણગાર; ચોખ્ખું સંકુલ અને ધોતી-કુરતા તથા ચણિયાચોળીમાં સજ્જ માધવભક્તિમાં તરબોળ ફૉરેનર્સની મોટી જમાતે ઇસ્કૉનના મંદિરને દેશી-વિદેશી પર્યટકોમાં મોખરે રાખ્યું છે તો બાંકે બિહારીના આર્શીવાદ લેવા દેશના ખૂણે-ખૂણેથી વીઆઇપીઓનું આવાગમન ચાલુ જ રહે છે. વનરાવન તરીકે ભક્તોમાં જાણીતા આ પ્રેમનગરમાં પાગલબાબાનું સફેદ મંદિર પણ આકર્ષણ જમાવે છે તો સતી બુર્જની ચડાઈ ચડવી જ રહી. એ જ રીતે અહીંની વેધશાળા પણ મૉડર્ન આર્કિટેક્ચરનો મસ્ત નમૂનો છે.

vrajbhumi2વૃંદાવનનું નિધિવન (સેવાકુંજ) ગોવિંદનું લીલાસ્થળ કહેવાય છે. તુલસી વનમાં કદંબના વૃક્ષ નીચે આજે પણ રોજ રાત્રે પ્રભુ તેમની સખીઓ સાથે પધારે છે અને લીલા કરે છે એમ કહેવાય છે. અહીં નાનકડું મંદિર પણ છે જ્યાં ભગવાન માટે ભોગ અને બેઠક રાખવામાં આવે છે. બેઠક દરરોજ સવારે ચોળાયેલી અને ભોગ બોટાયેલો જોવા મળે છે.

બરસાના અને નંદગાંવની વિઝિટ વગર મથુરા-વૃંદાવનની યાત્રા પૂર્ણ કહેવાતી નથી. એમાંય હોળીના દિવસોમાં અહીંથી એની શરૂઆત થાય પછી જ અન્ય સ્થળોએ હોળીના ખેલ થાય છે. મથુરાથી ૨૧ કિલોમીટરના અંતરે આવેલા બરસાનાને રાધાજીના ગામ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળે ચાર ડુંગરાઓ છે જે વિલાસગઢ, માનગઢ, દાનગઢ અને ભાનગઢ નામે પ્રચલિત છે. આ ચારેય ગઢ પર કૃષ્ણે અલગ-અલગ લીલા કરી હોવાનું કહેવાય છે. ભાનગઢમાં લાડલીજી (રાધા)નું મંદિર છે જે સમસ્ત ભારતમાં એકમાત્ર છે. નંદગામ એટલે નંદનું ગામ જ્યાં બાળકૃષ્ણે બાળપણ માણ્યું. અહીં પણ ૧૨મી સદીનાં મંદિરો છે. બલદેવ ગામમાં દાઉજી તરીકે જાણીતા કૃષ્ણના મોટા ભાઈ બલદેવનું મંદિર છે. મહાવન રમણરેતી તરીકે પણ જાણીતું છે. અહીંનું યોગમાયા મંદિર અને ૮૪ ખંભા મંદિર તો પ્રચલિત છે, સાથે વનમાં રેતીમાં આળોટવાનું મહkવ છે. આ રીતે ભક્તો કૃષ્ણના રંગે રંગાઈ તેમના અણુને પામી શકે છે એવી માન્યતા છે. ગોકુળ, જતીપુરા, ગોવર્ધન, ફાલેન, કામવન, કુસુમવન, બાજેન એ બધાં કૃષ્ણ-કનેક્શન ધરાવતાં ગામો છે જ્યાં નાસ્તિકો પણ કૃષ્ણની જાદુઈ જપ્પીને ફીલ કરે છે; મિસ્ટિક મૅજિક અને સ્પિરિચ્યુઅલ પાવરને મહેસૂસ કરે છે.

રહેવાની સગવડ

રહેવાની સુવિધા માટે મથુરામાં અનેક ધર્મશાળાઓ, આશ્રમો, ગેસ્ટહાઉસ, સ્ટાર અને નૉન-સ્ટાર હોટેલો છે. વિદેશીઓની મોટા પ્રમાણમાં આવાગમનને કારણે અહીં સુવિધાયુક્ત અને સ્વચ્છ અકૉમોડેશન મળી રહે છે. યુપી ટૂરિઝમની લૉજ પણ સુઘડ છે. કહેવાય છે કે મથુરામાં હંમેશાં સ્થાનિક લોકો કરતાં યાત્રાળુઓ, સહેલાણીઓની સંખ્યા વધુ હોય છે અને બધાને સમાવવાની ક્ષમતા છે આ શહેરમાં. જોકે જમુના નદીની આસપાસના પૌરાણિક વિસ્તારોમાં હાઇવેની આસપાસની હોટેલોમાં રહેવાનો અનુભવ અલગ-અલગ હોય છે. વૃંદાવનમાં પણ રોકાણ કરવાના ઘણા વિકલ્પો છે તો આજુબાજુનાં ગામોમાં સાદી સગવડયુક્ત રૈન-બસેરા મળી જાય છે. જનરલી ટૂરિસ્ટો મથુરા કે વૃંદાવનમાં રહીને અન્ય યાત્રાધામોએ જાય છે.

બેસ્ટ સીઝન

અહીં અતિભારે કહેવાય એવું ચોમાસું હોતું નથી છતાં પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થાને કારણે જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન જ્યાં-ત્યાં ગંદકી અને કાદવ જમા થઈ જાય છે. એપ્રિલ-મેમાં પણ ભાનુદેવ થોડા આકરા હોવા છતાં આસ્તિકોની ભીડ આ સમયમાં પણ અહીં હોય છે. હા, ઑક્ટોબરથી માર્ચ એટલે બેસ્ટ ટાઇમ ટુ વિઝિટ. સમુદ્રની સપાટીથી ૫૦૦ ફૂટ ઊંચે હોવાને કારણે ગુલાબી ઠંડીમાં અહીંનું હવામાન આહ્લાદક અને રમણીય રહે છે

vrajbhumi3સમ યુઝફુલ ટિપ્સ

€ મથુરાના સ્ટેશન પર ગાડી ઊભી રહે એ પહેલાં જ સ્થાનિક પંડાઓ ઉતારુઓને જળોની જેમ ચોંટી પડે છે. આપણા વડવાઓના વડવાઓ વિશે જાણતા હોય એવો દાવો કરનારા આ યાદવવંશજોથી બચવું સારું.

€ પહેલી નજરે ભીડ, ઘોંઘાટ અને અવ્યવસ્થાની ધરતી લાગતું આ શહેર મૂડ-ઑફ કરી શકે છે; પણ જેમ-જેમ કલાકો વીતતા જાય તેમ-તેમ એક ધબકતું, પ્રેમાળ અને મુગ્ધ કરી દે એવું શહેર તમારી રગરગમાં-નસનસમાં ચેતન અને હૂંફ ભરી દે છે.

€ વૃંદાવનના નિધિવનમાં જ્યાં શ્રીકૃષ્ણ દર રાત્રે લીલા કરવા આવે છે એવી વાયકા છે ત્યાં કોઈ વ્યક્તિ તરકીબ કરીને કે ચાલાકીથી રાત રોકાઈ જાય તો તે અંધ થઈ જાય એવી માન્યતાઓ પણ છે. અહીં વાંદરાઓનો બહુ ત્રાસ છે. એ ટોપી, ચશ્માં, ખાવાની વસ્તુ તો ક્યારેક પર્સ સુધ્ધાં ઝૂંટવી જાય છે. એટલે ચેતતા રહેવું સારું.

€ દિલ્હી-મથુરા હાઇવે પર સુંદર જિનાલય બનાવવામાં આવ્યું છે જ્યાં જૈન ચોવીસીના જંબુસ્વામીની ૨૧ ફૂટ ઊંચી ગ્રેનાઇટની પ્રતિમા છે.

€ મથુરા-વૃંદાવન અને એની આસપાસના વિસ્તાર ફરવા ત્રણથી પાંચ દિવસ પૂરતા થઈ પડે છે. દરેક જગ્યાઓનું પૌરાણિક મહત્વ જાણતાં એ સ્થળ પ્રત્યે અહોભાવ અને આકર્ષણ જાગે છે.

હોળીની અનોખી ઉજવણી

વ્રજભૂમિમાં દિવાળી, ભાઈબીજ, એકાદશી, કાર્તિકી પૂર્ણિમા, વૈશાખી પૂર્ણિમા, જન્માષ્ટમી જેવા હિન્દુ તહેવારો અનેરી ધામધૂમથી ઊજવાય છે; પણ અહીં થતી હોળીની ઉજવણીએ મથુરાને દેશ-વિદેશમાં પૉપ્યુલર કરી દીધું છે. એમાંય બરસાના અને નંદગાંવમાં થતી લઠ્ઠમાર હોળીના સાક્ષી બનવા વિશ્વભરના અચરજપ્રેમીઓ અહીં ઊમટી પડે છે. બરસાનામાં હોળીનો ઉત્સવ વસંતપંચમીથી શરૂ થઈ જાય છે. ફૂલોથી વધામણાં, રસિયા (હોળીનાં ગીતો), નૃત્યો વગેરેની પારંપરિક ઉજવણી સાથે ફાગણ વદ નવમીના નંદગાંવના પાઘડીધારી ગોસ્વામી વંશજો બરસાનાની ગોપીઓને રંગવા આવે છે અને ગુલાલ ઉડાડતાં બરસાનાની ગોપીઓ લાકડીથી તેમના મસ્તક પર પ્રહાર કરે છે જેનો ગોપ માથે રાખેલી ચામડાની ઢાલથી બચાવ કરે છે. બરસાનાની રંગીલી ગલીમાં થતી આ ઉજવણી જોવા પાતળી ગલીઓમાં ભીડ ઊમટી પડે છે તો આ વિસ્તારનાં બિલ્ડિંગો, ધાબાં અને ધર્મશાળાઓ પણ પહેલેથી બુક થઈ જાય છે. બેથી ચાર કલાક ચાલતા આ ઉત્સવમાં લાઠી સાથે રંગીન પાણીની પિચકારી, ગુલાલ અને પાણીના ફુગ્ગાઓ પણ ઝીંકાય છે. સાંભળવામાં કે વાંચવામાં હિંસક લાગતી આ ક્રિયા એટલી સાત્વિક અને સાહજિક હોય છે કે એને ફરી-ફરી જોવા-માણવાનું મન થાય. જોકે ક્યારેક ગ્વાલને ઈજા પણ પહોંચે છે, પણ એ સમયે ઉન્માદનો ઉફોરિયો એવો હોય છે કે બધી પીડા ભુલાઈ જાય છે.

vrajbhumi4બરસાનાની લઠ્ઠમાર હોળી પાછળ અનેકાનેક લોકવાયકાઓ છે, પણ પ્રચલિત કહાણી અનુસાર રાધાના ઊજળા વર્ણની કૃષ્ણને ઈર્ષા થતી એટલે તેમના વાનને બગાડવા કૃષ્ણે તેમના પર રંગ છાંટ્યો અને રાધાએ તેમને લાકડી-લઠથી મારીને ભગાડ્યા. ત્યારથી લઠ્ઠમાર હોળી કે છડી કી લીલાની શરૂઆત થઈ. પહેલા દિવસે નંદગાંવના ગ્વાલ બરસાના જાય છે અને બીજા દિવસે એટલે દસમીએ બરસાનાના ગોપ નંદગાંવમાં લઠ્ઠમાર હોળી રમવા જાય છે. એનો માહોલ પણ રંગીન હોય છે. છતાંય અહીંની હોળી બરસાના જેટલું આકર્ષણ જમાવી શકી નથી. વ્રજભૂમિના ફાલેનમાં વળી નવતર રીતે હોળીની ઉજવણી થાય છે. પૂનમમાં પ્રગટેલી હોળીના અંગારામાં પંડાઓ ઉઘાડા પગે ચાલી કૃષ્ણના કૃપાપાત્ર થાય છે તો દાઉજી (બલદેવ)ના ગામમાં ધુળેટી પછીના દિવસે હુરાંગ કે હુરદંગ ઊજવાય છે જેમાં અવનવા વ્રજ-સંગીત સાથે રસિયા ગાવાની કૉમ્પિટિશન ઉપરાંત પારંપરિક નૃત્યો સાથે રંગો અને પિચકારીનો સુમેળ કરી રંગોનો આ તહેવાર મનાવવામાં આવે છે. લઠ્ઠમાર હોળીની જેમ જતીપુરા અને અનુવરા ગામનાં ગોપ-ગોપીઓ વચ્ચે નચની હોળી, રાસ અને ભટ્ટાર ગામના લોકો વચ્ચે બાવળનાં વૃક્ષોની ડાળીઓથી રમાતી ઝંડીની હોળી જાણીતી છે. મુખરાઈમાં થતી દીપક-હોળી પણ ખાસમખાસ હોય છે. એમાં માથા પર ૧૦૮ દીવા મૂકેલા ધાતુના ત્રણ ઘડા ઉપાડીને નૃત્ય કરવામાં આવે છે અને એ ચારુકલા ડાન્સ કહેવાય છે.

વ્રજભૂમિની હોળી તો ઉલ્લાસભરી હોય છે જ, અન્ય દિવસોમાં પણ મથુરા-વૃંદાવનનો વિસ્તાર એવો મોજીલો અને ગમતીલો હોય છે કે ગમે ત્યારે અહીં આવી શકાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK