સ્વામી વિવેકાનંદને સાચી અંજલિ આપવી છે?

ફ્રેન્ચ સાહિત્યકાર રોમા રોલાંએ સ્વામી વિવેકાનંદને હિન્દુ ધર્મના નેપોલિયન બોનાપાર્ટ કહ્યા છે. નેપોલિયને યુરોપના અનેક દેશોને જીતી લીધા હતા અને પોતાની સત્તા વિસ્તારી હતી. વિવેકાનંદની સરખામણી નેપોલિયન સાથે કરવા પાછળ શું ઔચિત્ય?

સ્વામી વિવેકાનંદની દોઢસોમી જન્મજયંતી ઊજવાઈ રહી છે એ નિમિત્તે રોમા રોલાંએ વિવેકાનંદને નેપોલિયન સાથે શું કામ સરખાવ્યા એ સમજી લઈશું તો વિવેકાનંદની મહાનતાનો ખ્યાલ આવશે.

રોમા રોલાં એમ કહેવા માગે છે કે જગતમાં પ્રભાવ વિસ્તારવા માટેના જરૂરી તમામ ગુણ હિન્દુ દર્શનમાં હોવા છતાંય હિન્દુ ધર્મના આચારવિચારમાં રહેલી સંકુચિતતા, વર્ણાશ્રમજન્ય પૃથકતા, અંધશ્રદ્ધા વગેરેને કારણે હિન્દુ દર્શનનો પ્રભાવ જગતમાં વિસ્તરતો નથી. ઊલટું રૂઢ ધાર્મિક બાહ્ય તત્વોને કારણે હિન્દુ ધર્મનું અદ્ભુત અને અનોખું આંતરતત્વ ઢંકાઈ જાય છે. વિવેકાનંદે ધર્મવ્યવસ્થાની અંદર રહીને હિન્દુ ધર્મમાં સાફસૂફી કરી છે, વિચારની નવી ક્ષિતિજો ઉઘાડી આપી છે. આવો પ્રયત્ન વિવેકાનંદ પહેલાં રાજા રામમોહન રૉયે કર્યો હતો, પરંતુ ધર્મવ્યવસ્થાની અંદર રહીને ધર્માધિકારીઓની સંમતિ એ મેળવીને કરવામાં આવે તો એનું પરિણામ વધારે પ્રભાવી નીવડે છે. વિવેકાનંદે આ કામ કરી આપ્યું છે અને હવે હિન્દુ ધર્મના વિસ્તરતા પ્રભાવને કોઈ રોકી નહીં શકે.

રોમા રોલાંએ જેને નેપોલિયિન સાથે સરખાવ્યા છે તે વિવેકાનંદે સૂચવેલા કેટલા સુધારા આપણે અપનાવ્યા છે એ વિશે દરેક હિન્દુએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. દોઢસોમી જયંતી પ્રસંગે આટલું કરીશું તો એ વિવેકાનંદને અપાયેલી મોટી અંજલિ હશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK