રાજકારણીઓ સામે આપણે સૌ ઘેટાં જેવા થઈ ગયા છીએ

આપણા દેશના રાજકારણના અઠંગ ખેલાડીઓએ કેવી મસ્ત અદાથી અણ્ણા હઝારેના જનલોકપાલ બિલને જનતાની જેમ અભેરાઈએ ચડાવી દીધું, નહીં?

(સાંઈરામનું હાયરામ- સાંઈરામ દવે)

આપણા દેશના રાજકારણના અઠંગ ખેલાડીઓએ કેવી મસ્ત અદાથી અણ્ણા હઝારેના જનલોકપાલ બિલને જનતાની જેમ અભેરાઈએ ચડાવી દીધું, નહીં? માખણમાંથી મોવાળો (વાળ) કાઢે એવી સિફતપૂર્વક નેતાલોકોએ જે રીતે બાબા રામદેવનો કાંટો કાઢ્યો એવી જ રીતે આ દેશમાં સત્ય બોલનારા સૌનો ખેલ પાડી દેશે કારણ કે પેલી કવિતા યાદ છેને...

રાજા ચાહે રામ હો, રાજા ચાહે રાવણ હો

પ્રજા તો બિચારી સીતા જૈસી હૈ

રાજા અગર રામ હુઆ તો બન મેં જાએગી

રાજા અગર રાવણ હુઆ તો હરણ કી જાએગી!

રાજા ચાહે હિન્દુ હો રાજા ચાહે મુસ્લિમ હો

પ્રજા તો બિચારી લાશ જૈસી હૈ

રાજા અગર હિન્દુ હુઆ તો જલા દી જાએગી

રાજા અગર મુસ્લિમ હુઆ તો દફન કી જાએગી!


અમારા હિંમતદાદા મને પૂછતા હતા, ‘સાંઈરામ, આ લોકપાલ બિલનું શું થયું?’

મેં કીધું, ‘દાદા લોકપાલમાંથી લૉ (કાયદો) નીકળી ગયો ને હવે માત્ર ‘કપાલ બિલ’ (અથવા તો સિમ્બલ બિલ) રહેશે. કદાચ લોકપાલને બદલે ‘પાલ બિલ’ એટલે પાળીતાઓનું બિલ પાસ થાશે.’

હિંમતદાદા ક્યે, ‘તો-તો થઈ રહ્યું દેશનું કલ્યાણ. આપણી વાંહે તો માત્ર ‘બિલ’ જ વધશે. દેશના નેતાઓ લોકપાલને જોકપાલ બનાવી દેવાની પૂરી તૈયારીમાં છે.’

મેં કીધું, ‘દાદા, અત્યારે તો બધા પક્ષો ચલકચલાણુંની રમત રમી રહ્યા હોય એવું લાગે છે.’

હિંમતદાદાએ એક નાનકડી વાર્તા મને કહી: બેટા, અમે નાના હતા ત્યારે અમારા ગામડામાં એક ટીલિયો ઘેટો એક ભરવાડ પાસે હતો. બીજાં ચાલીસ ઘેટાંમાં આ ટીલિયો એનો મોભી અને ટૂંકમાં દેખાવડો હતો. એક રાતે ચોર આવીને આ ભરવાડનાં ચાલીસેચાલીસ ઘેટાં ચોરી ગયા. બીજે દી ભરવાડે ગામમાં શોધખોળ શરૂ કરી અને સાથોસાથ મેલડીમાને પ્રાર્થના કરી અને માનતા પણ માની કે જો મારાં ચાલીસ ઘેટાં મને પાછાં મળી જશે તો માતાજીને ટીલિયો વધેરી દઈશ. બીજી બાજુ ઓલા ચોરે પણ માનતા માની કે જો અમારી ચોરી પકડાશે નહીં અને અમે હેમખેમ બચી જાશું તો માતાજીને આ ટીલિયો વધેરી દેશું (બલિ ચડાવી દેશું).

પછી હિંમતદાદા બોલ્યા, ‘બસ, આ વારતા આટલી જ છે; પણ ભાઈ, આ ભારત દેશની પરજાની હાલત આ ટીલિયા ઘેટા જેવી થઈ ગઈ હોય એવું તમને નથી લાગતું? બેય પક્ષે ટીલિયાએ તો મરવાનું જ છે.’

મેં જવાબ આપ્યો, ‘દાદા, વાત સાવ સાચી છે. આ જનતા એટલે આપણે સૌ રીતસર ઘેટાં જેવા જ થઈ ગયા છીએ. દર પાંચ વરસે ચંૂટણીટાણે આ લોકો આપણું ઊન કાતરી જાય છે. કપાયેલા ઊનનું યોગ્ય વળતર આપણને મળશે જ એ શ્રદ્ધા સાથે દર પાંચ વર્ષે આપણે ઉલ્લુ બનીએ છીએ અને આપણા ઊનની જર્સીઓ પહેરી આ આદરણીય નેતાઓ સ્વિટ્ઝરલૅન્ડ ચાલ્યા જાય છે એ ઊનના કાતરેલા રૂપિયા સ્વિસ બૅન્કમાં જમા કરાવવા.’

ન સમઝોગે તો મિટ જાઓગે હિન્દુસ્તાનવાલોં

તુમ્હારી દાસ્તાં તક ન હોગી દાસ્તાનોં મેં!


ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો લાવવા માટે કદાચ સંસદસભ્યોને કરોડ-કરોડની ઘૂસ આપવી પડે તો નવાઈ નહીં. લોકપાલને ટેકાની જરૂર છે. ટેકા પરથી મને મારા ગામનો રમૂજી કિસ્સો યાદ આવી ગયો. વીસ વરસ પહેલાં અમારા ગામ અમનગરમાં સરપંચની ચૂંટણી આવી. અગિયાર ઉમેદવારોએ ફૉર્મ ભર્યા. ગામના વડીલોએ નક્કી કર્યું કે ચૂંટણી કરીને ખોટો ખર્ચો કરવો એના કરતાં એટલો ખર્ચો ગામના વિકાસમાં કરીએ. આવું વિચારીને યોજના એવી કરી કે અગિયાર ઉમેદવારોને પાણી વગરના એક કૂવામાં ઉતારવા. જે એમાંથી વહેલો બહાર નીકળે તે આપણો સરપંચ.

યોજના પ્રમાણે અગિયારેઅગિયાર ઉમેદવારોને કૂવામાં ઉતારવામાં આવ્યા. પછી તો તમામ ઉમેદવારો મૂંઝાયા કે હવે શું કરવું? અંતે તમામ ઉમેદવારોએ કૂવાના તળિયે મીટિંગ કરી (નોંધજો હોં, આ લોકોને પગ હેઠે રેલો આવે એટલે ઈ ગમે ત્યાં મીટિંગ કરે હોં. અત્યારે પણ લોકપાલ માટે દેશના કોઈક કૂવાના તળિયે મીટિંગ થાતી જ હશે). તમામ ઉમેદવારોનાં ડાચાં એરંડિયું પીધા જેવાં થઈ ગયાં. કોઈ પણ મીટિંગ મને હંમેશાં ટૉઇલેટ જેવી જ લાગે છે. એની શરૂઆતમાં ભરપૂર પ્રેશર હોય છે, પરંતુ મીટિંગને અંતે મુખ્ય મુદ્દાઓ પડતા મૂકીને એના પર પાણીઢોળ કરવામાં આવે છે. કૂવાના તળિયે પણ કંઈક આવું જ થયું. એક ધનાઢ્ય ભાવિ સરપંચે ઇચ્છા પ્રગટ કરી, ‘તમે દસેય ઉમેદવારો જો મને ખભાનો ટેકો આપો તો હું તમને એ ટેકાના રૂપિયા આપું. તમારા ખભા પર ચડીને હું બહાર નીકળી જાઉં એટલે હું સરપંચ બની જાઉં. બોલો છે મંજૂર?’

દસે જણે હા ભણી. દારા સિંહના મસિયાઈ ભાઈ જેવો એક ઉમેદવાર ટેકાના પાયા તરીકે દસ હજારમાં નક્કી થયો. તેના ઉપર બીજો વીસ હજારમાં, ત્રીજો ત્રીસ હજારમાં, ચોથો ચાલીસ હજારમાં ને પાંચમો પચાસમાં ખભા પર ખડકાઈ ગયા. ટેકાની અને રૂપિયાની સીડી બનાવી આ ધનાઢ્ય સરપંચ કૂવાની બહાર નીકળવા લાગ્યો. ટેકાનો ભાવ એંસી હજારે પહોંચ્યો ત્યારે બરાબર સૌથી પહેલા દારા સિંહના ભાઈને મનમાં વિચાર આવ્યો, ‘એલા આ બધાનો ભાર હું વેંઢારું ને મને માત્ર દસ હજાર રૂપિયા? આ તો ઘોર અન્યાય કહેવાય. ઉપરવાળાને એંસી હજાર ને મને ખાલી દસ? ના રે ના.’

આટલું કહીને પાયાના ઉમેદવારે પોતાનો ટેકો પાછો ખેંચ્યો ને ગામના તમામ ભાવિ સરપંચો કડડડભૂસ કરતાં તળિયે ખાબક્યા. આ તુક્કો યોગ્ય લાગે તો દેશના સંસદસભ્યો સુધી તમારા નામે પહોંચાડજો. એક કૂવામાં તમામ સંસદસભ્યોને પૂરી તો જુઓ. કૂવો બુરાઈ જશો તો પણ દેશનું તો કલ્યાણ જ છેને!

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK