ફેસબુક : ધંધો કે માનવસભ્યતા સામે ઝળૂંબી રહેલું સંકટ?

સોશ્યલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુક મે મહિનામાં પાંચ અબજ ડૉલરનો આઇપીઓ (ઇનિશ્યલ પબ્લિક ઑફર) લાવીને ૧૦૦ અબજ ડૉલરની કંપની બનવાનું ધ્યેય રાખે છે એના પરથી કલ્પી જુઓ કે આ કેટલો મોટો ધંધો છે.

 

વિશ્નમાં આજે બે અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને એમાં ૮૦ કરોડ લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. ફેસબુકનો પ્રત્યેક ઉપયોગકર્તા સરેરાશ ૧૩૦ મિત્રો ધરાવે છે. વિશ્નભરમાં પથરાયેલી વિવિધ પ્રકારની મિત્રમંડળી કલાકો સુધી ગપસપ કરે છે. તેમાંના મોટા ભાગના મિત્રો એકબીજાને મળ્યા નથી એટલે પોતપોતાના ફોટો અપલોડ કરીને કામ ચલાવે છે. આવા પચીસ કરોડ ફોટોગ્રાફ્સ ફેસબુક પર જોવા મળે છે.

જોકે જેને મંદી નડતી નથી, જેને ઉત્પાદન અને વેચાણ કરવાનું હોતું નથી, જેને ઑફિસથી વધારે સ્થાવર મિલકત (ઍસેટ)ની જરૂર પડતી નથી, જે માત્ર ૩૦૦૦ માણસોને જ રોજગારી આપે છે અને સામે ૮૦ કરોડ માણસોનો સમય બગાડે છે એવી પ્રવૃત્તિને ધંધો કહેવો કે માનવસભ્યતા સામે ઝળૂંબી રહેલું સંકટ એ વિશે જગતમાં ચર્ચા ચાલી રહી છે.

લંડનનું પ્રતિષ્ઠિત સામયિક ‘ધ ઇકૉનૉમિસ્ટ’ આજકાલ આ ફિનોમિનન સામે લાલબત્તી ધરવાનું કામ સતત કરી રહ્યું છે. ‘ઇકૉનૉમિસ્ટ’ કહે છે કે ગપસપના ઘોંઘાટમાં ડાહ્યા માણસની વાત કાને ધરાતી નથી. ગપસપ કરનારાઓ દરેક અધૂરી માહિતીને પોતાના તરફથી ઉમેરણ કરીને એને વધારે અધૂરી બનાવે છે અને આગળ ધકેલે છે. ઉપર કહ્યું એમ પ્રત્યેક ઉપયોગકર્તા સરેરાશ ૧૩૦ મિત્રો ધરાવે છે એટલે અધૂરા જ્ઞાનની અરાજકતા કેટલી ભયંકર હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આવા અધૂરા જ્ઞાનના આધારે આંદોલનો થાય અને સત્તાના તખ્ત પલટાય એ તો વળી વધારે ગંભીર બાબત છે. ગપસપ સરકારની નીતિને અને ધંધાની સ્ટ્રૅટેજીને પ્રભાવિત કરે એ કોઈ ઓછી ગંભીર બાબત નથી. ‘ઇકૉનૉમિસ્ટ’એ બહુ મહત્વની ચેતવણી આપી છે. આ ફિનોમિનન સ્થાયી નીવડશે તો પણ સમાજને નુકસાન થવાનું છે અને પરપોટાની માફક ફૂટશે તો પણ અનેકને ડુબાડીને જશે.

કહો, તમે તમારો કેટલો સમય અધૂરા જ્ઞાનને પામવામાં અને ફેલાવવામાં ગાળો છો?

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK