નિરંજન ભગતનો સેવક દોણી પકડી અરથીની આગળ ચાલ્યો, તેણે અંતિમસંસ્કાર પણ કર્યા

ગુરુવારે મોડી સાંજે અમદાવાદમાં અવસાન પામેલા ૯૨ વર્ષના કવિ-સાહિત્યકાર નિરંજન ભગતનાં અંતિમ દર્શન સૌકોઈ કરી શકે એ માટે તેમના પાર્થિવ દેહને ગઈ કાલે સવારે ગુજરાત સાહિત્ય પરિષદમાં રાખવામાં આવ્યો હતો.

niranjan

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિ–સાહિત્યકાર નિરંજન ભગતની ગઈ કાલે અમદાવાદમાં યોજાયેલી અંતિમયાત્રામાં ભગતસાહેબની સેવા કરનાર સર્વન્ટ જગતસિંહ રાજપૂતે દીકરો બનીને દોણી પકડી હતી અને ભગતસાહેબની ફૅમિલી સાથે રહીને સ્મશાનમાં અંતિમક્રિયા કરી હતી. માનવીય સંવેદનાને ઉજાગર કરતી આ ઘટનાએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું.

નિરંજન ભગતને અંજલિ આપવા સાહિત્યકારો અને ચાહકો મોટી સંખ્યામાં ઊમટી આવ્યા હતા અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાત સાહિત્ય પરિષદમાંથી નીકળેલી નિરંજન ભગતની અંતિમયાત્રામાં સાહિત્યકારો અને તેમના ચાહકો જોડાયા હતા જેમાં જગતસિંહ રાજપૂત નામનો યુવાન ઉદાસીન ચહેરે દોણી પકડી આગળ ચાલતો હતો.

મૂળ રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ઉષ્માનિયા ગામમાં રહેતા જગતસિંહ રાજપૂતે ‘મિડ-ડે’ને વ્યથિત હૃદયે કહ્યું હતું કે ‘મેં આજે મારા પિતાજી ગુમાવ્યા છે. મારા માથેથી બાપનો હાથ જતો રહ્યો. મારા પપ્પાએ મને નથી આપ્યો એટલો પ્રેમ સાહેબે આપ્યો હતો. હું ૧૦ વર્ષનો હતો ત્યારથી સાહેબની સાથે રહ્યો છું.’

આમ કહેતાં જગતસિંહની આંખો ભરાઈ આવી હતી અને ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો. જોકે ત્યાર બાદ સ્વસ્થ થઈને ભગતસાહેબની વાત કરતાં કહ્યું હતું કે ‘સાહેબ ક્યારેય જુઠ્ઠું સાંભળતા નહીં. કપટ કરનારાઓ તેમને ગમતા નહીં. જુઠ્ઠા લોકો સાથે તો સાહેબ દોસ્તી પણ રાખતા નહીં.’

niranjan1

જગતસિંહ છેલ્લાં ૩૫ વર્ષથી ભગતસાહેબ સાથે રહેતા હતા અને તેમની સેવા કરતા હતા. અપરિણીત રહેલા ભગતસાહેબ તેને દીકરો ગણતા હતા.

ભગતસાહેબના ભત્રીજા સંદીપ ભગતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાકા સાથે જગતના સંબંધ સારા હતા અને તેમની સેવાની સરાહના અમે જ નહીં, બધાએ કરી હતી.’

સાહિત્યકાર રાજેન્દ્ર પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભગતસાહેબે જગતને દીકરાના ભાવથી રાખ્યો હતો અને તે સેવા કરતો હતો. ભગતસાહેબે ગુજરાત સાહિત્ય પરિષદ, પુસ્તક પરબ, અમદાવાદ યુનિવર્સિટી સહિતનાં સ્થળોએ પોતાની પાસે રહેલાં પુસ્તકો દાનમાં આપ્યાં હતાં.’

નિરંજન ભગતના પાર્થિવ દેહને સ્મશાન લઈ જઈને અંતિમક્રિયા કરવામાં આવી હતી જ્યાં તેમનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK