દિલ્હીમાં નહીં, ગાંધીનગરમાં યોજાયો BJPનો દરબાર

સામાન્ય રીતે પક્ષની ઉચ્ચ સ્તરીય બેઠક હોય તો નરેન્દ્ર મોદી બેઠકમાં ભાગ લેવા દિલ્હી જતા હોય છે, પરંતુ હવે ચિત્ર પલટાયું અને BJP હાઈકમાન્ડ ગાંધીનગરમાં મોદી સાથે ચર્ચા કરવા આવ્યું


ભારતના રાજકીય ઇતિહાસમાં જે રીતે નરેન્દ્ર મોદીએ તેમની આવડત અને કુનેહથી લોકસભાની ચૂંટણીમાં રંગ રાખીને દેશઆખામાં મોદીલહેર ઊભી કરીને રાષ્ટ્રીય લેવલે તેમનું કદ એટલું ઊંચું કરી દીધું છે કે કદાચ રાજકારણમાં સૌથી મોટું આશ્ચર્ય કહી શકાય કે દિલ્હીમાં નહીં, પરંતુ ગઈ કાલે ગાંધીનગરમાં BJPનો દરબાર નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને યોજાયો છે.

સામાન્ય રીતે પક્ષની ઉચ્ચ સ્તરીય બેઠક હોય તો નરેન્દ્ર મોદી બેઠકમાં ભાગ લેવા દિલ્હી જતા હોય છે, પરંતુ હવે ચિત્ર પલટાયું અને BJP હાઈકમાન્ડ ગાંધીનગરમાં મોદી સાથે ચર્ચા કરવા આવ્યું છે. છેલ્લા ત્રણેક દિવસથી ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ‘મોદી દરબાર’માં એક પછી એક રાજકીય અગ્રણીઓ તેમની મુલાકાતે આવી રહ્યા છે. પહેલાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન રમણસિંહ, એ પછી નૅશનલ પીપલ્સ પાર્ટીના ફાઉન્ડર પી. એ. સંગમા તેમ જ BJPના પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરીએ નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી અને ગઈ કાલે BJP અધ્યક્ષ રાજનાથ સિંહ અને રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલી નરેન્દ્ર મોદીને મળવા ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને આવી પહોંચ્યા હતા. BJPના હાઈકમાન્ડસમા આ નેતાઓ દિલ્હીમાં નહીં, પરંતુ સામે ચાલીને ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીને મળવા આવ્યા એ બાબત પક્ષમાં મોદીના વધેલા કદનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય.

ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને દિલ્હી દરબાર યોજાય એની પાછળ નરેન્દ્ર મોદીની મહેનત જ છે. લોકસભાની ચૂંટણીમાં વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા બાદ મોદીની મહેનત રંગ લાવી અને એકલે હાથે BJPને ખભે ઊંચકીને દેશમાં BJP તરફ વાતાવરણ સજ્ર્યંં હતું જેનો સીધો લાભ BJPને ચૂંટણીમાં મળે એવુ જણાઈ રહ્યું છે. મોદીએ ચૂંટણીમાં વન મૅન આર્મીની જેમ કરેલા ચૂંટણીપ્રચારના કારણે દેશમાં મોદીલહેર ફેલાઈ ગઈ હતી અને હવે ચૂંટણી બાદ જુદા-જુદા સર્વેમાં BJPને બહુમતી મળે એવું અનુમાન થઈ રહ્યું છે ત્યારે BJP હાઈકમાન્ડ પણ નરેન્દ્ર મોદીની કમાલભરી કામગીરીને કારણે સામે ચાલીને ગાંધીનગરમાં દરબાર યોજ્યો છે અને લોકસભાનાં પરિણામો બાદ સાથી પક્ષોને સાથે લઈને રણનીતિ ઘડવા માટેની ચર્ચાવિચારણા હાથ ધરી હતી.

હજી તો ચૂંટણીનું પરિણામ આવ્યું નથી એ પહેલાં રાજકીય બજારમાં મોદીના પ્રધાનમંડળની રચના

‘છાશ છાગોળે, ભેંસ ભાગોળે અને ઘરમાં ધમાધમ’ કહેવતની જેમ હજી તો લોકસભાની ચૂંટણીનાં ઑફિશ્યલી પરિણામો આવ્યાં નથી એ પહેલાં જ રાજકીય બજારમાં નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળની રચના થઈ ગઈ છે અને એમાં આશ્ચર્યજનક રીતે રામવિલાસ પાસવાનને પણ સ્થાન મળ્યું છે, એટલું જ નહી, પરંતુ મોદીનું પ્રધાનમંડળ માત્ર ૨૦ કૅબિનેટ પ્રધાનો સાથેનું હશે એવું પણ નક્કી કરી દેવાયું છે.

રાજકીય બજાર પ્રમાણે જો મોદી વડા પ્રધાન બનશે તો ૨૦ કૅબિનેટ પ્રધાનો સાથે પ્રધાનમંડળ બનાવશે. મોદીના પ્રધાનમંડળમાં BJPના અધ્યક્ષ રાજનાથ સિંહ, અરુણ જેટલી, સુષમા સ્વરાજ, રવિશંકર પ્રસાદની સાથે BJP સાથે જોડાણ કરનાર રામ વિલાસ પાસવાનને પણ પ્રધાનમંડળમાં સ્થાન અપાયું છે તો લાલકૃષ્ણ અડવાણીને NDAના ચૅરપર્સન બનાવવાનું નક્કી કરાયું છે. ગૃહ અને નાણાં ખાતું મોદી તેમના વિશ્વાસુને ફાળવશે એવુ પણ અનઑફિશ્યલી રીતે રાજકીય બજારમાં કહેવાઈ રહ્યું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK