મોદી આજે સૌથી પહેલાં વડોદરાવાસીઓનો આભાર માનશે

આજે સાંજે વડોદરામાં અને અમદાવાદમાં મતદાતાઓનું અભિવાદન કરવા જાહેર સભા યોજશે : નરેન્દ્ર મોદીની તાજપોશી અને વિજયનાં વધામણાં કરવા આજે ગુજરાતના દરેક તાલુકામાં વિજયોત્સવ ઊજવાશે


આજે બપોર સુધીમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી ગયા બાદ BJPને બહુમતી મળવાના આશાવાદ વચ્ચે ગુજરાત BJPએ નરેન્દ્ર મોદીની તાજપોશી અને વિજયનાં વધામણાં કરવા આજે ગુજરાતના દરેક તાલુકામાં વિજયોત્સવ ઊજવવાની તૈયારીઓ કરી દીધી છે એટલું જ નહીં, નરેન્દ્ર મોદી આજે સાંજે સૌ પહેલાં વડોદરાના મતદારોનો આભાર માનવા વડોદરા જશે અને ત્યાર બાદ અમદાવાદ આવીને જાહેર સભામાં મતદાતાઓનું અભિવાદન કરશે.

ગુજરાત BJPના પ્રવક્તા આઇ. કે. જાડેજાએ પત્રકારોને કહ્યું હતું કે ‘આજે ગુજરાતના તમામ તાલુકા અને જિલ્લામાં BJP દ્વારા વિજયોત્સવ ઊજવવામાં આવશે. જે-તે બેઠકના BJPના વિજેતા ઉમેદવારોનાં વિજય સરઘસ નીકળશે, મીઠાઈ વહેંચવામાં આવશે અને ફટાકડા ફોડીને વિજયોત્સવ ઊજવવામાં આવશે.’

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ પર સભા યોજશે અને વડોદરાના મતદારોનો આભાર માનશે. ત્યાર બાદ સાંજે સાત વાગ્યે અમદાવાદમાં ધરણીધર દેરાસર પાસે નરેન્દ્ર મોદી જનસભાને સંબોધશે અને મતદાતાઓનો આભાર માનશે.

ગુજરાત BJPની ગઈ કાલે એક બેઠક મળી હતી જેમાં વિજયોત્સવને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ગુજરાત BJPએ વિજયની ઉજવણી કરવા માટે તડામાર તૈયારી કરી છે. ગુજરાત પ્રદેશ કાર્યાલય ‘કમલમ’ને નવોઢાની જેમ શણગારી દીધું છે. સૂત્રો દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે નરેન્દ્ર મોદી પ્રદેશ કાર્યાલયમાં બેસીને ચૂંટણીનાં પરિણામો પર નજર રાખશે. પ્રદેશ કાર્યાલય ખાતે પણ ફટાકડા ફોડીને, મીઠાઈથી એકબીજાનું મોં મીઠું કરીને જીતનો જશન મનાવશે.

નરેન્દ્ર મોદી શનિવારે વારાણસી જઈને ગંગાની આરતી ઉતારશે

નરેન્દ્ર મોદી શનિવારે વારાણસી જશે અને ગંગા આરતીના કાર્યક્રમમાં ભાગ લેશે. આ વિશેની સત્તાવાર માહિતી આપવામાં આવી હોવાનું ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવે ગઈ કાલે જણાવ્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK