૭૯.૩ ટકા વોટિંગ સાથે આખરી તબક્કામાં પણ પશ્ચિમ બંગ મોખરે

બરાકપોરમાં તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોએ સ્ટુડન્ટ્સ ફેડરેશનના કાર્યકરને ગરમ તેલના કડાયામાં ફેંક્યો


લોકસભા ચૂંટણીના ગઈ કાલે યોજાયેલા છેલ્લા તબક્કામાં સારાએવા પ્રમાણમાં મતદાન થયું હતું. પશ્ચિમ બંગ તથા બિહારમાં હિંસાની કેટલીક ઘટનાઓને બાદ કરતાં મતદાન મહદંશે શાંતિપૂર્ણ રહ્યું હતું. ત્રણ રાજ્યોની ૪૧ બેઠકો માટેના ૬૦૬ ઉમેદવારોનું ભાવિ આશરે નવ કરોડ મતદારોએ નક્કી કર્યું હતું.

બિહારની કુલ ૪૦ પૈકીની ૬ બેઠકો માટે કુલ ૫૮ ટકા મતદાન થયું હતું. ઉત્તર પ્રદેશની કુલ ૮૦ પૈકીની ૧૮ બેઠકો માટે કુલ ૫૫.૨૯ ટકા મતદાન થયું હતું, જ્યારે પશ્ચિમ બંગની કુલ ૪૨ પૈકીની ૧૭ બેઠકો માટે કુલ ૭૯.૩ ટકા મતદાન થયું હતું.

પશ્ચિમ બંગના બરાકપોરમાં તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોએ સ્ટુડન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાના ૨૭ વર્ષની વયના એક કાર્યકર ચંદન દાસને ઊકળતા તેલવાળા કડાયામાં ફેંક્યો હતો. એમાં દાસનો હાથ પર દાઝી ગયો હતો, પરંતુ ત્યાર બાદ તૃણમૂલ કૉન્ગ્રેસના કાર્યકરોએ તેને ઢોરમાર મારતાં તેના મસ્તકમાં ગંભીર ઈજા થઈ હતી. 

લોકસભાની ચૂંટણીએ સૌથી વધુ વોટિંગનો વિક્રમ સરજ્યો


લોકસભાની આ વેળાની ચૂંટણીમાં ૮૧.૪ કરોડ મતદાતામાંથી ૬૬ ટકાથી વધુ મતદારોએ વોટિંગ કરવાની સાથે એક નવો જ વિક્રમ સર્જાયો છે. નવ તબક્કામાં કુલ ૬૬.૩૮ ટકા મતદાન થયું છે જે લોકસભાના ઇતિહાસમાં સૌથી ઊંચું પ્રમાણ છે અને રીપોલિંગ તથા પોસ્ટલ બૅલટની ગણતરી પછી એમાં વધારો થવાની સંભાવના પણ છે.

ઇન્દિરા ગાંધીની હત્યા પછી ૧૯૮૪માં થયેલી લોકસભાની ચૂંટણીમાં ૬૪.૦૧ ટકા મતદાન નોંધાયું હતું. ૨૦૦૯માં એ આંકડો ૫૮.૧૯ ટકાનો અને ૨૦૦૪માં ૫૬.૯૮ ટકાનો રહ્યો હતો.

ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર દિલ્હી, મુંબઈ, બૅન્ગલોર, ભોપાલ, પુણે, સુરત, અમદાવાદ, શિમલા અને ચંડીગઢ જેવાં મોટા ભાગનાં શહેરી કેન્દ્રોમાં છેલ્લી ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાન વધ્યું હતું. અરુણાચલ, છત્તીસગઢ, ઓડિશા, પંજાબ, બિહાર તથા ઉત્તરાખંડ એમ છ રાજ્યોમાં મહિલાઓએ પુરુષ મતદારોને પાછળ છોડી દીધા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK