Video : સોમવારની રૅલીમાં શિવસેનાના રામદાસ કદમનો બફાટ

મુસલમાનોનો બંદોબસ્ત કરવાની ધમકીથી નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે પણ ચોંકી ગયા





નરેન્દ્ર મોદી વિકાસના મુદ્દે લોકસભાની ચૂંટણીમાં મેદાન મારી લેવા દિવસ-રાત એક કરી રહ્યા છે, પરંતુ BJP અને એની સાથીદાર પાર્ટીઓના કેટલાક નેતાઓ જ બેજવાબદાર ભાષણો અને નિવેદનો કરીને મોદીના વિજયપથમાં કાંટા બિછાવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. સોમવારે મુંબઈમાં ભગવી યુતિની સંયુક્ત રૅલીમાં મોદીની હાજરીમાં જ મંચ પરથી શિવસેનાના નેતા રામદાસ કદમે મુસલમાનોનો બંદોબસ્ત કરવાની ધમકી આપી હતી એટલું જ નહીં, મોદી જ આ કામ કરી દેખાડશે એવું કહીને મંચ પર હાજર બધા નેતાઓને ચોંકાવી દીધા હતા.

બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં સોમવારે યોજાયેલી રૅલીમાં રામદાસ કદમે આઝાદ મેદાનમાં થયેલા દંગલનો ઉલ્લેખ કરીને વાંધાજનક ભાષામાં કહ્યું હતું કે ‘આ મુસલમાનો પોલીસ પર હુમલા કરે છે, પોલીસની ગાડીઓ સળગાવે છે, શહીદોનાં સ્મારકો તોડે છે અને મહિલા પોલીસ પર હાથ નાખવા સુધીની હિંમત કરે છે. અમે આવું સહન નથી કરવાના. જો અમારાં ભાઈ-બહેનોની આબરૂ પર કોઈ હાથ નાખશે તો મોદી આવાં કામ કરનારાઓનો કાયમી બંદોબસ્ત કર્યા સિવાય જંપવાના નથી.’

રામદાસ કદમનાં આવાં વિધાનોથી મંચ પર હાજર મોદી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પણ ચોંકી ગયા હતા અને તેમના ચહેરા અણગમાથી વિલાઈ ગયા હતા.

BJP = ભારતીય જનતા પાર્ટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK