વારાણસીમાં ધી એન્ડ

ભારતીય ઇતિહાસની સૌથી ચર્ચાસ્પદ ચૂંટણી માટેના પ્રચારનો અંત : આવતી કાલે નવમા ને છેલ્લા તબક્કામાં બિહાર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગની કુલ ૪૧ સીટો માટે થશે મતદાનનરેન્દ્ર મોદી ભારત ને ભારતીયોની અસલી તાકાતને પિછાણતા નથી

કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ભારત અને ભારતીયોની તાકાતને પિછાણતા નથી. ભારતમાં મહિલાઓના સશક્તીકરણની જરૂર જ નથી, કારણ કે ભારતીય મહિલાઓ પહેલાંથી જ શક્તિવાન છે.’

વારાણસી મતવિસ્તારમાં ગઈ કાલે પ્રભાવશાળી રોડ-શો યોજ્યા બાદ એક જાહેર સભાને સંબોધતાં રાહુલે એમ પણ કહ્યું હતું કે ‘દેશને કોઈ તાકાત આપી શકે નહીં. દેશ સામથ્ર્યવાન જ છે. મોદીએ દેશને આદર આપવાની જરૂર છે.’

BJPના રાજકારણની ઝાટકણી કાઢતાં રાહુલે કહ્યું હતું કે ‘દેશમાં પરિવર્તન લાવીશું એવું અમે ન કરી શકીએ. દેશના નાગરિકો પાસે શક્તિ છે, પરિવર્તન તેઓ લાવશે. BJP લોકોને આપસમાં લડાવે છે, ક્રોધ ફેલાવે છે, જ્યારે કૉન્ગ્રેસ પ્રેમ અને ભાઈચારો ફેલાવે છે.’

ગઈ કાલના રોડ-શો દરમ્યાન રાહુલે એક એવી ભૂલ કરી હતી કે જેને કારણે વિરોધીઓને તેમની ટીકા કરવાની તક મળી હતી. રોડ-શો દરમ્યાન રાહુલે પંડિત મદનમોહન માલવીયની પ્રતિમા પર તો ફૂલહાર ચડાવ્યા હતા, પરંતુ પોતાના પિતા રાજીવ ગાંધીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનું વીસરી ગયા હતા.

વારાણસીના એક ચોકમાં રાજીવ ગાંધીની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી છે. રાહુલનો કાફલો ત્યાંથી પસાર થયો હતો, પણ રાહુલ એ પ્રતિમાને નિહાળી શક્યા નહોતા. BJPના પ્રવક્તા અશોક પાંડેએ કહ્યું હતું કે ‘સત્તાના નશામાં રાહુલ ખુદના પિતાને પણ ભૂલી ગયા. પ્રતિમા પર એકાદ ફૂલ ચડાવવાનું પણ તેમને યોગ્ય લાગ્યું નહીં.’

મોદી પ્રચાર પૂરો કર્યા પછી વાજપેયી, રાજનાથ અને મોહન ભાગવતને મળ્યા

લોકસભાની ચૂંટણીનો મૅરથૉન પ્રચાર ગઈ કાલે પૂર્ણ થયા પછી નરેન્દ્ર મોદી ય્લ્લ્ના વડા મોહન ભાગવતને નવી દિલ્હીમાં મળ્યા હતા. તેમણે ચૂંટણીપ્રચાર અને ભાવિ વ્યૂહરચના વિશે ચર્ચા કરી હતી.

મોદીએ ગઈ કાલે છેલ્લે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કર્યો હતો. ત્યાંથી તેઓ સીધા દિલ્હી ગયા હતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને મળ્યા હતા. એ પછી BJPના પ્રમુખ રાજનાથ સિંહને તેમના ઘરે મળ્યા હતા. ત્યાર બાદ ઝંડેવાલાન વિસ્તારમાં આવેલી ય્લ્લ્ની ઑફિસમાં ગયા હતા અને ભાગવત તથા સુરેશ સોની વગેરેને મળ્યા હતા.

રાહુલના રોડ-શોને મુદ્દે BJPએ ચૂંટણીપંચને વધુ એક વાર ઝાટક્યું


નરેન્દ્ર મોદીને સભા યોજવાની પરવાનગી આપવામાં નહોતી આવી એ વિસ્તારમાં રાહુલ ગાંધીને રોડ-શોની પરવાનગી આપવા બદલ BJPએ ગઈ કાલે ચૂંટણીપંચની વધુ એક વાર ઝાટકણી કાઢી હતી.

BJPના નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે ‘ચૂંટણીપંચનો આ નિર્ણય ચૂંટણીપ્રક્રિયા પર એક મોટા કાળા ડાઘ સમાન છે. મોદીને રાજકીય કારણોસર પરવાનગી આપવામાં નહોતી આવી.’

મોદીને પરવાનગી નકારવા પાછળ સલામતીનું કારણ જવાબદાર નહોતું એમ જણાવતાં BJPનાં પ્રવક્તા મીનાક્ષી લેખીએ કહ્યું હતું કે રાહુલજી પચાસ રોડ-શો યોજી શકે છે એમાં કોઈને વાંધો નથી, પણ અમને પરવાનગી નહીં આપવાનો અને તેમને છૂટ આપવાનો ફેંસલો ખોટો છે.

રાહુલને આવકારતાં બિસ્મિલ્લા ખાનના પરિવારજનોએ પહેલાં શરણાઈવાદન કર્યું અને પછી ચોખવટ કરવી પડી


વિખ્યાત શરણાઈવાદક બિસ્મિલ્લા ખાનના પરિવારજનોએ ગઈ કાલે રાહુલ ગાંધીના વિશાળ રોડ-શોને આવકારતાં શરણાઈવાદન કર્યું હતું અને પછી એવી સ્પષ્ટતા કરી હતી કે અમે શરણાઈવાદન વડે કૉન્ગ્રેસને સમર્થન નથી આપતા અને અમારા સદ્ભાવને રાજકારણના ત્રાજવે તોળવો ન જોઈએ.

સદ્ગત શરણાઈઉસ્તાદના પૌત્ર અફાક હૈદરે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી અને અરવિંદ કેજરીવાલ માટે પણ અમે શહનાઈ વગાડી હોત. અમે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી. અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને અમે શહનાઈ બજાવી હતી. સંગીતમાં રાજકારણને ભેળવશો નહીં.’

રાહુલનો કાફલો બેનિયાબાગ વિસ્તારમાં પહોંચ્યો ત્યારે બિસ્મિલ્લા ખાનના અનેક પરિવારજનોએ કૉન્ગ્રેસના ઉપપ્રમુખનું સ્વાગત શહનાઈ બજાવીને કર્યું હતું. બિસ્મિલ્લા ખાનના પરિવારજનોએ મહાત્મા ગાંધીનું ફેવરિટ ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ સંભળાવ્યું હતું.

આ મામલે BJPએ કહ્યું હતું કે ‘બિસ્મિલ્લા ખાનનો પરિવાર નિષ્પક્ષ છે. નરેન્દ્ર મોદીના માનમાં વારાણસીની એક હોટેલમાં શુક્રવારે યોજાયેલા ડિનરમાં પણ તેમણે શહનાઈવાદન કર્યું હતું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK