અમેરિકા ભાવિ ભારતીય PM સાથે ગાઢ રીતે સંકળાઈને કામ કરશે

મોદી વડા પ્રધાન બને એવા સંજોગોમાં તેમના પરત્વે હૂંફાળું વલણ દાખવવાનો વૉશિંગ્ટનનો સંકેતઅમેરિકાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ભારતના આગામી વડા પ્રધાન સાથે અમે ગાઢ રીતે સંકળાઈને કામ કરીશું. અમેરિકાના આ નિવેદનને, નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તો એવા સંજોગોમાં તેમના પરત્વે હૂંફાળું વલણ દાખવવાનો વૉશિંગ્ટનનો સંકેત માનવામાં આવી રહ્યો છે.

ભારતમાં BJPના નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ નવી સરકાર રચાશે તો અમેરિકા ભારત સાથે કઈ રીતે કામ કરશે એવા એક સવાલના જવાબમાં અમેરિકાના વિદેશ વિભાગનાં નાયબ પ્રવક્તા મૅરી હાર્ફે કહ્યું હતું કે ‘નવી સરકાર ભલે ગમે એ પક્ષની રચાય, નવી સરકારનો હિસ્સો ભલે ગમે એ વ્યક્તિ હોય, અમે તો ભારત સાથે ગાઢ રીતે સંકળાઈને જ કામ કરીશું.’

મોદી વડા પ્રધાન બનશે તો તેમને અમેરિકા આવવાનું આમંત્રણ વૉશિંગ્ટન પાઠવશે કે કેમ અને મોદીના વીઝાનો મુદ્દો કઈ રીતે ઉકેલાશે એવા એક અન્ય સવાલના જવાબમાં હાર્ફે કહ્યું હતું કે ‘ભારતના આગામી વડા પ્રધાન સાથે અમે ગાઢ રીતે સંકળાઈને કામ કરીશું એની હું ખાતરી આપું છું. અમે તેમની સાથે અમેરિકામાં મુલાકાત પણ ગોઠવીશું.’

અમેરિકાની વિદેશનીતિની અપડેટ સંબંધી ડિજિટલ વિડિયો-કૉન્ફરન્સ બ્રીફિંગમાં હાર્ફે ગુરુવારે એમ પણ કહ્યું હતું કે ‘ભારતમાં ચૂંટણીની પ્રક્રિયા પર અમે નજર રાખી રહ્યા છીએ. અમે ચૂંટણીનું પરિણામ આવવા સુધી રાહ જોઈશું અને આગળની પ્રક્રિયા બાબતે એ પછી વાત કરીશું.’

ભારત-અમેરિકાનો દ્વિપક્ષી વેપાર વધીને ૧૦૦ અબજ ડૉલરનો થઈ ગયો છે એમ જણાવતાં હાર્ફે ઉમેર્યું હતું કે ‘એમાં વધારાની સંભાવના છે. એનાથી માત્ર ભારતને જ નહીં, પરંતુ અમેરિકાને પણ ફાયદો થાય છે. એથી આ ક્ષેત્રમાં પણ આગળ જતાં સાથે મળીને વધુ કામ કરવાનું છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK