ગુજરાતમાં ફૂટી નીકળેલા જાતજાતના રાજકીય પક્ષો

ઓછા જાણીતા ૨૧ પક્ષોના ૪૮ ઉમેદવારો ચૂંટણીજંગમાં કૂદી પડ્યા છે

ઇન્કમ-ટૅક્સની નાબૂદી અને શિક્ષિત બેરોજગાર યુવાનોને ખાસ અલાવન્સ આપવા જેવાં વચનો સાથેના અસાધારણ ચૂંટણીઢંઢેરાઓ સાથે ૨૧ ઓછા જાણીતા પક્ષના ૪૮ ઉમેદવારો ગુજરાતની ચૂંટણીમાં કૂદી પડ્યા છે.

આ પક્ષોમાં અપના દેશ પાર્ટી, યુવા સરકાર, નૅશનલ યુથ પાર્ટી, આદિવાસી સેના પાર્ટી, ભારતીય નૅશનલ જનતા દળ, બહુજન મુક્તિ દળ, વિશ્વ હિન્દુ સંગઠન, બહુજન સુરક્ષા દળ, લોકતાંત્રિક સમાજવાદી પાર્ટી, હિન્દુસ્તાન નિર્માણ દળ અને હિન્દુસ્તાન જનતા પાર્ટીનો સમાવેશ થાય છે.

આ પૈકીની બહુજન મુક્તિ પાર્ટીએ ૧૩ લોકસભા બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા કર્યા છે જ્યારે ભારતીય નૅશનલ જનતા દળે ચાર, વિશ્વ હિન્દુ સંગઠન, અપના દેશ પાર્ટી, હિન્દુસ્તાન નિર્માણ દળ અને હિન્દુસ્તાન જનતા પાર્ટીએ ત્રણ-ત્રણ ઉમેદવારો ઊભા કર્યા છે તેમ જ બહુજન સુરક્ષા સમાજના બે ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે. બાકીના આવા ઓછા અજાણ્યા પક્ષોએ કમસે કમ એક-એક ઉમેદવાર ઊભો કર્યો છે.

મતદારોને આકર્ષવા માટે આવા પક્ષોએ અસાધારણ ચૂંટણીઢંઢેરા બહાર પાડ્યા છે. દાખલા તરીકે ભારતીય નૅશનલ જનતા દળનો એજન્ડા ઇન્કમ-ટૅક્સની સંપૂર્ણપણે નાબૂદીનો છે. આ પક્ષની ટિકિટ પર મહેસાણાથી ચૂંટણી લડતા ગિરીશ ડાભી કહે છે, ‘અમારો પક્ષ ૧૪ વર્ષ જૂનો છે અને અમારા પક્ષપ્રમુખ વી. એમ. ગજેરા એનું ગાંધીનગરથી સંચાલન કરે છે. અમારા પક્ષના મિશન સ્ટેટમેન્ટમાં ઇન્કમ-ટૅક્સ ઉપરાંત ટોલ કે રોડ-ટૅક્સની નાબૂદી, સ્ખ્વ્માં અને વીજળીના બિલમાં ઘટાડાનો સમાવેશ છે.’

નૅશનલ યુથ પાર્ટીનો પણ આગવો એજન્ડા છે. એના પ્રદેશપ્રમુખ પ્રતીક ચાવેલીકર કહે છે, ‘અમારા પક્ષની નોંધણી ૨૦૦૮માં કરાવવામાં આવી હતી. અમે રાજસ્થાન તથા દિલ્હીમાં અગાઉ ચૂંટણી લડ્યા છીએ. અમારું મુખ્ય લક્ષ્ય યુવાનોના હાથમાં સત્તા આપવાનું છે અને દેશની ૭૦ ટકા વસ્તી યુવાન છે. BJPનાં સિનિયર નેતા લાલ કૃષ્ણ અડવાણીની સામે ગાંધીનગરથી ચૂંટણી લડતા અમારા પક્ષના ઉમેદવાર પીયૂષ પટેલ કૉલેજ સ્ટુડન્ટ છે.’

યુવા સરકાર પાર્ટીના એકમાત્ર ઉમેદવાર કિરીટ વાસની સુરતથી ચૂંટણી લડી રહ્યા છે. વાસની કહે છે, ‘૧૧ મહિના પહેલાં અમારો પક્ષ અસ્તિત્વમાં આવ્યો હતો. અમે દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છીએ. રાજકારણીઓ ૬૦ વર્ષે નિવૃત્ત થઈને યુવાનોને તક આપે એવું અમે ઇચ્છીએ છીએ. આર્થિક સ્થિતિને આધારે અનામતની માગણી પણ અમે કરીએ છીએ.’

દક્ષિણ ગુજરાતસ્થિત આદિવાસી સેના પાર્ટી દેખીતી રીતે આદિવાસીઓને ન્યાય અપાવવા માગે છે. વલસાડની અનામત બેઠક પરથી ચૂંટણી લડતા પક્ષના સ્થાપક પ્રમુખ ડૉ. પંકજ પટેલ કહે છે, ‘બારડોલી અનામત બેઠક પરથી પણ અમારો એક ઉમેદવાર ચૂંટણી લડી રહ્યો છે. આદિવાસીઓને ન્યાય અપાવવા માટે આઠ વર્ષ પહેલાં મેં આ પક્ષની સ્થાપના કરી હતી. આ વખતે આદિવાસીઓના મત મળવાનો મને વિશ્વાસ છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK