હેલિકૉપ્ટર ડેમોક્રસી જોઈએ છે કે તમારી સમસ્યા સમજે એવો નેતા એ નક્કી કરી લો : કેજરીવાલ

AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે વારાણસી બેઠક પરથી ગઈ કાલે ઉમેદવારી નોંધાવી હતી. ઉમેદવારી નોંધાવતાં પહેલાં કેજરીવાલે રોડ-શો કર્યો હતો. કેજરીવાલે ખુદને નરેન્દ્ર મોદીના ઈમાનદાર વિકલ્પ તરીકે પ્રસ્તુત કર્યા હતા.


રોડ-શોમાં રાહુલ અને મોદીની ઝાટકણી કાઢતાં કેજરીવાલે જણાવ્યું હતું કે ‘અમેઠીના લોકો ગાંધીપરિવારના સભ્યોને એમ માનીને મત આપતા રહ્યા કે તેમના વિસ્તારનો વિકાસ થશે. એવું કશું થયું નથી. હવે તેમને ઠગાયા હોવાની લાગણી થઈ રહી છે. લોકોને તો રાહુલ ગાંધી રસ્તા પર જોવા પણ નથી મળતા. તે માત્ર હેલિકૉપ્ટરમાં ઊડતા દેખાય છે. વારાણસીમાં પણ એવું ન થાય તો સારું. તમે મને ઊડતું ચૉપર દેખાડ્યું છે અને કહ્યું છે કે નરેન્દ્ર મોદી આવી ગયા છે.

તમારે હેલિકૉપ્ટર ડેમોક્રસી જોઈએ કે ગામ-મહોલ્લામાં જઈને તમારી સમસ્યા સમજે એવો નેતા જોઈએ એ તમારે જ નક્કી કરવાનું છે.’

કેજરીવાલ દંપતીની કુલ સંપત્તિ ૨.૧૪ કરોડ

AAPના વારાણસી બેઠકના ઉમેદવાર અરવિંદ કેજરીવાલે તેમની અને તેમનાં પત્નીની કુલ ૨.૧૪ કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. કેજરીવાલ ગાઝિયાબાદના ઇન્દિરાપુરમમાં અને હરિયાણાના શિવાની વિસ્તારમાં એમ કુલ બે ફ્લૅટ ધરાવે છે. આ બન્નેની કિંમત અનુક્રમે પંચાવન લાખ રૂપિયા અને ૩૭ લાખ રૂપિયા છે. કેજરીવાલનાં પત્ની સુનીતા ગુડગાંવમાં ૨૨૪૪ ચોરસ ફૂટનો એક કરોડ રૂપિયાની કિંમતનો ફ્લૅટ ધરાવે છે. કેજરીવાલે ૪,૨૫,૦૮૫ રૂપિયાની અસ્થાયી મિલકત જાહેર કરી છે જ્યારે તેમનાં પત્ની પાસે ૩૦૦ ગ્રામ સોના સહિત ૧૭.૪૧ લાખ રૂપિયાની અસ્થાયી મિલકત છે.

ટાઇમની ૧૦૦ વગદાર વ્યક્તિઓની યાદીમાં કેજરીવાલ છે સૌથી આગળ


વિશ્વના ૧૦૦ સૌથી વધુ વગદાર લોકો વિશેના ‘ટાઇમ’ મૅગેઝિનના રીડર્સ પોલમાં AAPના સંયોજક અરવિંદ કેજરીવાલે સૌથી વધુ ‘યસ’ મતો મેળવીને નરેન્દ્ર મોદી તથા અમેરિકન ગાયિકા કેટી પેરીને પાછળ છોડી દીધાં છે.

મંગળવારે સવાર સુધીમાં આશરે ૩૧,૬૮,૩૦૮ લોકોએ કેજરીવાલને અને ૫૦,૭૫,૫૮૮ લોકોએ મોદીને મત આપ્યા હતા. કેજરીવાલને ૭૧.૫ ટકા ‘યસ’ મત મળ્યા હતા, જ્યારે મોદીને ૪૯.૭ ટકા ‘યસ’ મત મળ્યા હતા. મોદીને સૌથી વધુ ૫૦.૩ ટકા ‘નો’ મત મળ્યા હતા. કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીને આ યાદીમાં ચાલીસમું સ્થાન મળ્યું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK