પત્ની જશોદાબહેનને પગે પડીને માફી માગવી જોઈએ નરેન્દ્ર મોદીએ : તરુણસાગરજી

તરુણસાગરજી મહારાજ કહે છે કે માફી માગવી મોદીની ફિતરતમાં નથી એ મને ખબર છે; પણ વાત અહીં ફિતરતની નથી, જરૂરતની છે


પોતાના કડવા પ્રવચન માટે જાણીતા ક્રાન્તિકારી રાષ્ટ્રસંત જૈન મુનિ તરુણસાગરજી મહારાજે ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ તેમનાં પત્ની જશોદાબહેનની પગે પડીને માફી માગવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી મારી પાસે આવશે તો મોદીને હું પતિધર્મ નિભાવવાની સલાહ આપીશ.

ઉત્તર પ્રદેશના મૈનપુરીમાં પત્રકારો સાથે વાત કરતાં ક્રાન્તિકારી રાષ્ટ્રસંત તરુણસાગરજીએ કહ્યું હતું કે ‘હું માનું છું કે દેશને મોદી જેવું સમર્થ નેતૃત્વ જોઈએ, પણ હું એ પણ માનું છું કે તેમણે પ્રાઇમ મિનિસ્ટરની ખુરસી પર બેસતાં પહેલાં તેમનાં પત્ની જશોદાબહેનના પગમાં ઝૂકીને માફી માગવી જોઈએ. જોકે મને ખબર છે કે માફી માગવી મોદીની ફિતરતમાં નથી, પણ વાત અહીં ફિતરતની નથી, જરૂરતની છે.’

તરુણસાગરજીએ કહ્યું હતું કે મને એક વાત સમજમાં નથી આવતી કે જે મોદીના વડા પ્રધાન બનવા પર પાકિસ્તાન, અમેરિકા જેવા દેશો ડરે છે એ વ્યક્તિ પોતાનાં પત્નીથી માફી માગવાથી કેમ ડરે છે?

તરુણસાગરજીએ કહ્યું હતું કે ‘પોતાનાં પત્નીને તેમણે જે માનસિક પીડા પહોંચાડી છે એ અપરાધ માટે તેઓ જશોદાબહેન પાસે માફી માગે. આ દેશની ઇચ્છા છે.’

તરુણસાગરજીએ નરેન્દ્ર મોદી સામે આક્ષેપ કરતાં કહ્યું કે હતું કેટલા આશ્ચર્યની વાત છે કે જો કોઈ સભા, રૅલીને સંબોધવા માટે અડધો કલાકનો વિલંબ થઈ જાય છે તો તેઓ ત્યાં ઉપસ્થિત પબ્લિકની માફી માગે છે અને જેમની તેમણે અડધી જિંદગી બરબાદ કરી દીધી તેમની માફી માગવાથી બચે છે. તરુણસાગરજીએ કહ્યું હતું કે ‘મોદીજી, ખરેખર તમે નસીબવાળા છો કે તમને જશોદાબહેન જેવી પત્ની મળી, જેમણે હંમેશાં ઝેર પીને પણ અમૃત ઓક્યું. ૪૪ વર્ષોની માનસિક પીડા ભોગવીને પણ તમારા ઉજ્જ્વળ ભવિષ્ય માટે આજે પણ તેઓ વ્રત રાખે છે, ર્તીથ-યાત્રા કરી રહ્યાં છે, મંદિર-મંદિર જઈને તમે પ્રાઇમ મિનિસ્ટરની ખુરસી પર બેસો એવી માનતા માની રહ્યાં છે, વિજય મુરતમાં વોટ નાખી રહ્યાં છે. ધન્ય છે એ દેવી જેણે ભારતીય નારીની પરિભાષાની લાજ રાખી. મોદીજી, જરા હવે ભારતીય પતિ શું હોય છે થોડું તમે પણ દુનિયાને બતાવી દો.’

નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને તરુણસાગરજીએ કહ્યું હતું કે ‘તમારે બસ કંઈ નથી કરવાનું. જો તમે વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરો છો તો એ શપથગ્રહણ સમારોહમાં તમારાં પત્ની જશોદાબહેનની સાથે બેસજો. જોજો, તમારા આ પતિધર્મને જોઈને દેશની સવા અબજ જનતા તમને સર આંખોં પર બેસાડી દેશે.’

મુનિ તરુણસાગરજીએ કહ્યું હતું કે ‘પાછલા દિવસોમાં આગરા-પ્રવાસ દરમ્યાન સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત દર્શન માટે આવ્યા હતા અને તેમણે મને વાયદો કર્યો હતો કે દિલ્હીમાં તમારા ચાતુર્માસ દરમ્યાન હું મોદીને લઈને તમારા દર્શન માટે આવીશ. જો મોદી મારી પાસે આવશે તો અટલ બિહારી વાજપેયીએ તેમને રાજધર્મ નિભાવવાની સલાહ આપી હતી, હું તેમને પતિધર્મ નિભાવવાની સલાહ આપીશ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK