લોકસભાની ચૂંટણી લડતા ઉમેદવારોમાં સિંઘ ઇઝ કિંગ

મોટા રાજકીય અને પ્રાદેશિક પક્ષોએ સિંઘ નામવાળા કમસે કમ ૨૧૮ ઉમેદવાર ઊભા રાખ્યા


આ વખતે લોકસભાની ચૂંટણી લડી રહેલા નેતાઓના નામના સંદર્ભમાં વાત કરીએ તો ‘સિંઘ’ સૌથી વધુ પ્રચલિત નામ જણાય છે. મોટા રાજકીય અને પ્રાદેશિક પક્ષોએ અત્યાર સુધીમાં ‘સિંઘ’ નામવાળા કમસે કમ ૨૧૮ ઉમેદવાર ઊભા રાખ્યા છે.

‘સિંઘ’ શબ્દ જેમના નામનો હિસ્સો હોય એવા પચાસેક ઉમેદવારો તો કૉન્ગ્રેસ, BJP અને AAPના જ છે, જ્યારે માયાવતીના BSP ના ૩૦થી વધુ ઉમેદવારોના નામમાં ‘સિંઘ’ આવે છે. SPના ૧૫ ‘સિંઘ’ અને RJD, PI(M), CPI અને NCPના પાંચથી દસ ‘સિંઘ’ ચૂંટણીના મેદાનમાં છે.

નામ તરીકે, નામની પાછળ, મિડલ નેમ તરીકે અને અવટંક તરીકે વપરાતો ‘કુમાર’ શબ્દ AAPના ઉમેદવારોની યાદીમાં કમસે કમ ૪૨ વખત જોવા મળે છે. કૉન્ગ્રેસ તથા BJPની યાદીમાં એ અનુક્રમે ૨૩ તથા ૧૫ વખત જોવા મળે છે.

અવટંકોમાં યાદવ સરનેમ સૌથી વધુ કૉમન છે. ‘ખાન’ અને ‘અલી’ સરનેમ ધરાવતા ઉમેદવારોની સંખ્યા પણ સારીએવી છે. અજય, સંજય, અશોક, સલીમ અને અબ્દુલ નામવાળા તો અનેક ઉમેદવાર મળી આવે છે. ડૉક્ટરની પદવી ધરાવતા કમસે કમ ૩૦ ઉમેદવારો BJPની ટિકિટ પર લડી રહ્યા છે જ્યારે કૉન્ગ્રેસ અને AAP માટે આવા ઉમેદવારોની સંખ્યા અનુક્રમે ૨૫ અને ૪૦ની છે.

રસપ્રદ વાત એ છે કે વર્તમાન લોકસભાના સભ્યોમાં કમસે કમ ૧૧૩ સભ્યો એવા છે જેમના નામમાં ‘સિંઘ’ અથવા ‘કુમાર’ શબ્દ આવે છે. બીજા ૨૫ ‘રામ’ છે, જ્યારે કમસે કમ ૧૨ ‘યાદવ’ છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK