પવારે ૧૬ મે પછીની તડજોડની તૈયારીઓ આરંભી

૧૦ મેએ પાર્ટીની બેઠક હોવા છતાં ૧૬ મે પછી કરવી પડનારી તડજોડની ચર્ચા કરવા ગઈ કાલે ઇમર્જન્સી મીટિંગ બોલાવીરવિકિરણ દેશમુખ

પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ તથા પ્રધાનો સાથે NCPના અધ્યક્ષ શરદ પવારે કરેલી અંત્યત ગુપ્ત મીટિંગને કારણે તેઓ લોકસભાની ચૂંટણી બાદ કઈ ભૂમિકા ભજવશે એ બાબતે જાતજાતના તર્ક-વિતર્ક થવા લાગ્યા છે. વળી આ મીટિંગને કારણે ખુદ પક્ષના નેતાઓને પણ આશ્ચર્ય થયું હતું, કારણ કે ૧૦ મેના રોજ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાંચ વાગ્યે શરદ પવાર પક્ષના હેડક્વૉર્ટર પર પહોંચ્યા ત્યારે છગન ભુજબળ, આર. આર. પાટીલ, મધુકર પિચડ, અનિલ દેશમુખ, દિલીપ સોપલ, શશિકાંત શિંદે તથા મનોહર નાઈક તેમની રાહ જોતાં ઊભા રહ્યા હતા. આ મીટિંગમાં NCPના મહારાષ્ટ્રના પ્રમુખ ભાસ્કર જાધવ તથા ભૂતપૂર્વ પ્રધાન વિજયસિંહ મોહિતે પાટીલ પણ હાજર હતા. વળી વિધાનસભાના સ્પીકર દિલીપ વળસે-પાટીલ પણ હાજર હોવાથી આ મીટિંગ અંત્યત મહત્વની હોવાનું માનવામાં આવે છે.

છગન ભુજબળ તથા મોહિતે પાટીલ પક્ષના ઉમેદવારો છે જેઓ અનુક્રમે નાશિક તથા માઢાથી લોકસભાની ચૂંટણી લડ્યા છે. અન્ય લોકસભા બેઠકોની ચૂંટણીની જવાબદારી સંભાળનારા પ્રધાનો તથા નેતાઓ પણ હાજર હતા. સાંગલી, બીડ તથા કોલ્હાપુરની જવાબદારી આર. આર. પાટીલના માથે હતી તો ભાસ્કર જાધવ રાયગડ, દિલીપ સોપલ ઉસ્માનાબાદ, શશિકાંત શિંદે સાતારા, મધુકર પિચડ અહમદનગર, અનિલ દેશમુખ અમરાવતી તથા દિલીપ વળસે-પાટીલે શિરુર લોકસભા બેઠકની જવાબદારી સંભાળી હતી.

પક્ષનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે પક્ષને ખરેખર કેટલી બેઠક મળશે એ શરદ પવાર જાણવા માગતા હતા. એના આધારે દિલ્હીમાં રાજકીય ગતિવિધિ કરી શકાય. નરેન્દ્ર મોદીને વડા પ્રધાન બનતાં રોકવા માટે કૉન્ગ્રેસે ત્રીજા મોરચાને સમર્થન આપવાની જાહેરાત કરી છે એવા સંજોગોમાં શરદ પવારની ભૂમિકા મહત્વની છે.

મહારાષ્ટ્રમાં NCPએ ૨૧ બેઠકો પર ચૂંટણી લડી છે. તેઓ ૮થી ૧૨ બેઠકો પર જીતશે એવો દાવો નેતાઓએ કર્યો છે. ૨૦૦૯માં પણ તેઓ ૮ બેઠકો પર જીત્યા હતા. રાષ્ટ્રીય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવી હોય તો વધુ સીટો મેળવવી આવશ્યક છે. જોકે નરેન્દ્ર મોદીની લહેરને કારણે એના કાર્યકર્તાઓનું મનોબળ તૂટી ગયું હતું. NCPના નેતાઓના મતે કૉન્ગ્રેસને રાજ્યમાં ૧૦થી વધુ સીટો મળે એવી કોઈ શક્યતા નથી એવા સંજોગોમાં પ્રાદેશિક પક્ષોની ભૂમિકા મહત્વની બની જાય છે. શરદ પવારે સોમવારે દિલ્હી રાજ્યસભાના સભ્ય તરીકે શપથવિધિ માટે જઈ રહ્યા છે એથી આ મીટિંગ ખૂબ મહત્વની ગણાય છે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK