અબદુલ્લા પિતા-પુત્ર ને નરેન્દ્ર મોદી વચ્ચે જોરદાર જીભાજોડી

નરેન્દ્ર મોદી અને પિતા-પુત્ર ફારુક તથા ઓમર અબદુલ્લાની જોડી વચ્ચે ગઈ કાલે જોરદાર શાબ્દિક યુદ્ધ થયું હતું. મોદીએ આક્ષેપ કર્યો હતો કે દેશના સેક્યુલરિઝમ પર સૌથી મોટો ફટકો કાશ્મીરમાં મારવામાં આવ્યો હતો, જ્યાં કાશ્મીરી પંડિતોને તેમના ધર્મને લીધે રાજ્યની બહાર હાંકી કાઢવામાં આવ્યા હતા.



સામેની બાજુએ ફારુક તથા ઓમરે પણ મોદી સામે તોપનું નાળચું તાક્યું હતું અને કહ્યું હતું કે મોદીનો ઇરાદો જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને પડતી મૂકવાનો છે. કાશ્મીરના લોકો આ વાતને ક્યારેય સ્વીકારશે નહીં.

ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી, તમે દેશના વડા પ્રધાન બનવા નીકળ્યા છો, પરંતુ એકેય વખત મત માગવા કાશ્મીર આવ્યા નથી. તમે જમ્મુ અને લદ્દાખ જશો, પરંતુ કાશ્મીરના ખીણવિસ્તારમાં આવશો નહીં, કારણ કે આ વિસ્તાર વિશે તમે સારા વિચાર ધરાવતા નથી. તમે અહીંના લોકોને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.’

મોદીએ એક વિડિયો મેસેજમાં આકરા શબ્દોમાં કહ્યું હતું કે ‘કોમવાદ વિશે ભાષણ આપવાનો કેન્દ્રીય પ્રધાન ફારુક અબદુલ્લાને કોઈ અધિકાર નથી, કારણ કે તેમના પિતા શેખ અબદુલ્લાના રાજકારણને લીધે જમ્મુ-કાશ્મીરનું રાજકારણ કોમવાદી થયું છે. ફારુક અબદુલ્લાએ પોતાનું મોં અરીસામાં જોવું જોઈએ. તેમના પિતાનો ચહેરો અરીસા સમક્ષ મૂકવો જોઈએ અને પછી સવાલ પૂછવો જોઈએ. કાશ્મીરી પંડિતોને જેમણે ભગાડ્યા હતા તેમને કોમવાદ વિશે વાત કરવાનો કોઈ અધિકાર નથી. ભારતમાં બિનસાંપ્રદાયિકતાની પરંપરા હજારો વર્ષો પુરાણી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK