બાબા રામદેવને રાહુલ ગાંધીની મસ્તી ભારે પડી

કૉન્ગ્રેસની જાહેર માફીની માગણી : યોગગુરુની ધરપકડ નહીં થાય તો રાષ્ટ્રવ્યાપી આંદોલનની માયાવતીની ધમકી : BJP બચાવમાં : લખનઉમાં પ્રતિબંધ મુકાયોકૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી અને દલિતો વિરુદ્ધ વાંધાજનક નિવેદન કરીને બાબા રામદેવ ચારેય તરફથી ઘેરાઈ ગયા છે. કૉન્ગ્રેસ અને BSP સહિતના ઘણા રાજકીય પક્ષોએ યોગગુરુના નિવેદનની ઝાટકણી કાઢી હતી.

રામદેવે શુક્રવારે આક્ષેપ કર્યો હતો કે ‘રાહુલ ગાંધી દલિતોના ઘરે હનીમૂન અને પિકનિક કરવા માટે જાય છે. રાહુલે દલિત છોકરી સાથે લગ્ન કર્યા હોત તો તેનું નસીબ ફરી ગયું હોત અને તે વડા પ્રધાન બની ગયો હોત.’

જોકે બાદમાં ફેરવી તોળતાં રામદેવે એમ પણ કહ્યું હતું કે ‘મેં એ નિવેદન કોઈ નકારાત્મક અર્થમાં કર્યું નથી. મારા નિવેદનને લીધે દલિતોની લાગણી દુભાઈ હોય તો એ પાછું ખેંચી લેવા હું તૈયાર છું.’

લખનઉના ઍડિશનલ પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ હબીબુલ હસને કહ્યું હતું કે રામદેવ સામે મહાનગર પોલીસથાણામાં ફરિયાદ નોંધવામાં આવી છે. રામદેવે શુક્રવારે કરેલા નિવેદનનો વિડિયો જોયા બાદ પોલીસે આ ફરિયાદ નોંધી હતી. અને એના પગલે ઉત્તર પ્રદેશની રાજધાનીમાં રામદેવ હવે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો નહીં કરી શકે. બાબા રામદેવ પર લખનઉ વહીવટીતંત્રે પ્રતિબંધ લાદ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજશેખરના જણાવ્યા અનુસાર રામદેવ તેમના કાર્યક્રમોમાં રાજકીય પ્રચાર કરી રહ્યા છે, અભદ્ર ભાષા બોલી રહ્યા છે એથી ચૂંટણી દરમ્યાન સાંપ્રદાયિક વાતાવરણ બગડવાની શક્યતા છે એને ધ્યાનમાં રાખીને આગલો આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી લખનઉમાં રામદેવના કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

લખનઉ ખાતે યોજાયેલી એક જાહેર સભામાં BSPનાં પ્રમુખ માયાવતીએ કહ્યું હતું કે ‘રામદેવની સામે દલિત અધિનિયમ હેઠળ અને મહિલા ઉત્પીડનવિરોધી કાયદા હેઠળ પગલાં લઈને તેમને જેલભેગા કરો. અન્યથા લોકસભાની ચૂંટણી પછી ગ્લ્ભ્ રામદેવ વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરશે.’  રામદેવે કરેલી ટિપ્પણીને શરમજનક અને નિંદ્ય ગણાવતાં કૉન્ગ્રેસે યોગગુરુ તેમ જ નરેન્દ્ર મોદી પાસેથી બિનશરતી માફીની માગણી કરી હતી. નાણાપ્રધાન પી. ચિદમ્બરમે કહ્યું હતું કે કોઈ આવું નિવેદન કરી શકે અને આવું નિવેદન કરનાર વ્યક્તિને પણ કોઈ રાજકીય પક્ષ ગળે વળગાડે છે એ જાણીને હું શરમની લાગણી અનુભવું છું.

બીજી તરફ BJP બાબા રામદેવના બચાવમાં ઊતરી હતી. BJPના પ્રવક્તા શાહનવાઝ હુસેને કહ્યું હતું કે ‘બાબા રામદેવ એક સંત છે અને તેઓ હનીમૂન જેવો અંગ્રેજી શબ્દ પસંદ કરે છે ત્યારે એનો ખરો અર્થ તથા સંદર્ભ સમજવો જોઈએ. એનો મનઘડંત મતલબ કરવો ન જોઈએ.’

BSPનાં અને દલિત સંગઠનોના કાર્યકરોએ ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાએ રામદેવવિરોધી પ્રદર્શન-ધરણાં કર્યા હતાં. પંજાબના ફગવાડામાં વિરોધ પ્રદર્શનકર્તાઓએ નૅશનલ હાઇવે નંબર એક પરનો ટ્રાફિક રોકી દીધો હતો અને રામદેવની ત્રણ નનામી બાળી હતી. અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં પણ રામદેવની નનામી બાળવામાં આવી હતી.

બાબા રામદેવની ધરપકડ કરવાની મહારાષ્ટ્ર કૉન્ગ્રેસની માગણી


દલિત કોમ અને રાહુલ ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ યોગગુરુ રામદેવની ધરપકડની માગણી મહારાષ્ટ્ર પ્રદેશ કૉન્ગ્રેસ સમિતિએ ગઈ કાલે કરી હતી.

પક્ષના પ્રવક્તા સચિન સાવંતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘રામદેવે માત્ર રાહુલ ગાંધીનું જ નહીં, દલિત કોમનું પણ અપમાન કર્યું છે. રામદેવનું નિવેદન મહિલાઓ તથા દલિતો પરત્વેની તેમની માનસિકતા દર્શાવે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK