પેંડા પર મતદાનની અપીલ

લોકસભાના ઇલેક્શનનું વોટિંગ ગુજરાતમાં બુધવારે છે ત્યારે મતદાર મતદાન કરવા જાય એ માટે જામનગરના સેન્ટ્રલ બૅન્ક રોડ પર આવેલી શહેરની જાણીતી મીઠાઈની દુકાન શીખંડ સમ્રાટના માલિકે તેમને ત્યાં મળતા પેંડા પર ‘મતદાન અવશ્ય કરો’ની અપીલ કરી છે.શીખંડ સમ્રાટ પર બુધવાર સુધી આ અપીલ સાથેના પેંડા મળશે અને આ દિવસ સુધીમાં જે કોઈ દુકાને પેંડા ખરીદવા આવશે તેને એક પેંડો ખવડાવીને તેની પાસેથી પ્રૉમિસ લેવામાં આવશે કે તે અચૂક મતદાન કરશે. તસવીર : વિશ્વાસ ઠક્કર

રાજકોટમાં NOTAનો અનોખો પ્રચાર


ઉમેદવાર પોતાનો અને પોતાની પાર્ટીનો પ્રચાર કરે એ તો સમજાયું, પણ ક્યારેક એવું બને ખરા કે એક માણસ કોઈ ઉમેદવારનો નહીં, પણ એક પણ ઉમેદવાર મતને લાયક નથી એટલે આ વખતે કોઈને મત આપવાને બદલે EVMમાં NOTA (નન ઑફ અબવ)નું બટન દબાવજો એવો પ્રચાર કરતો હોય. હા, રાજકોટમાં ‘બેન્ગાલ સ્વીટ્સ’ નામની મીઠાઈ શૉપ ધરાવતા પંચાવન વર્ષના અશોક પટેલ આ કામ કરી રહ્યા છે અને આ વખતે રાજકોટની લોકસભાની બેઠક પર એક પણ ઉમેદવારને મત આપવાને બદલે બધા ઉમેદવારને ગેરલાયક ઠેરવીને NOTAનું બટન દબાવવા માટે આહ્વાન કરી રહ્યા છે. અશોકભાઈએ NOTAના બટનના પ્રચાર માટે પોતાના માટે એપ્રન જેવું વસ્ત્ર પણ બનાવ્યું છે, જે પહેરીને તેઓ શહેરમાં ફરે છે, તેમણે પોતાના ઍક્ટિવા પર પણ NOTAના પ્રચારનાં સ્ટિકર લગાડ્યાં છે અને કોઈને મત નહીં આપવાનું કહ્યું છે.

શહેરમાં ફરી રહેલા અશોકભાઈ જાહેર માર્ગ પર માઇક પર પણ આ બાબતની રિક્વેસ્ટ રાહદારીને કરે છે. અશોકભાઈએ કહ્યું હતું, ‘પાર્ટીઓમાં ચાલતો જ્ઞાતિવાદ બહુ ખરાબ છે. BJP, કૉન્ગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પટેલ ઉમેદવારને ટિકિટ આપી જ્ઞાતિવાદ કર્યો છે. હકીકતમાં શહેરની જરૂરિયાત પૂરી કરી શકે એવા ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ. એવું થયું નથી એટલે હું આ ઇલકેશનમાં NOTAનું બટન દબાવવા માટે બધાને વિનંતી કરું છું.’

અશોક પટેલે આ અગાઉ અમુક તઘલખી સરકારી નિર્ણયો સામે પણ આ જ રીતે ઝુંબેશ ચલાવી ચૂક્યા છે અને તેમને એમાં સફળતા પણ મળી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK