મોદીના પડખે જઈ બેસી જશે પ્રફુલ પટેલ?

NCP તરફથી ચૂંટણી જીત્યા બાદ રાજીનામુંઆપી ફેરચૂંટણીમાં હારી જશે તો પણ BJP તેમને રાજ્યસભામાં પહોંચાડીને મિનિસ્ટર બનાવી દેશે ત્યાં સુધીની વાતો થઈ રહી છે


શરદ પવારના નિકટતમ સાથી અને NCPના સેકન્ડ ચીફ ગણાતા પ્રફુલ પટેલ હવે BJPમાં જઈ રહ્યા હોવાની ચર્ચા તેમના મતવિસ્તાર ગોંદિયા-ભંડારા અને રાજ્યભરનાં પૉલિટિકલ સર્કલ્સમાં ચાલી રહી છે. જોકે હાલમાં કેન્દ્રના હેવી ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર આ વખતે પણ લોકસભાની ચૂંટણી તો ગોંદિયાથી NCPના ઉમેદવાર તરીકે જ લડ્યા છે અને પરિણામ જાહેર થયા બાદ જીતીને કેન્દ્રમાં નવી સરકારમાં મિનિસ્ટર બનશે તો તેમના મતવિસ્તારના સંસદસભ્ય કેન્દ્રમાં મિનિસ્ટર તો રહેશે જ એવો દાવો થઈ રહ્યો છે. જોકે આ બાબતે કોઈ નક્કર માહિતી નથી છતાં રાજકીય વર્તુળોમાં પ્રફુલ પટેલ BJPમાં જઈ રહ્યાની જોરદાર ચર્ચા છે.

સામાન્ય રીતે ચૂંટણીનાં પરિણામો બાદ કઈ પાર્ટીના કેટલા સંસદસભ્યો ચૂંટાયા છે અને તે કઈ મોટી પાર્ટીને ટેકો આપશે એની જોડ-તોડ કે સેટિંગ થતાં હોય છે, પરંતુ આ વખતની લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પણ હજી બાકી છે ત્યારે શરદ પવારના અત્યંત વિશ્વાસુ સાથીદાર BJPમાં જવાના છે એવી વાત જ મહારાષ્ટ્રના રાજકારણમાં વમળો સર્જવા માટે પૂરતી છે. એમ કહેવાય છે કે પ્રફુલ પટેલને પવારના ભત્રીજા અને રાજ્યના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવાર સાથે જામતું ન હોવાથી તેઓ પાર્ટીને જય મહારાષ્ટ્ર કહેવાના મૂડમાં છે.

પ્રફુલ પટેલના એક નિકટના સૂત્રે કહ્યું હતું કે ચૂંટણીમાં જીતે કે હારે, પ્રફુલ પટેલ કેન્દ્રના મિનિસ્ટર બનશે એ પાક્કું છે. જો તે પવારની પાર્ટી તરફથી જીતશે તો પાર્ટી બદલ્યા બાદ રાજીનામું આપવું પડશે અને ફેરચૂંટણીમાં પણ હારી જશે તો તેમને રાજ્યસભાના સભ્ય બનાવાશે. ટૂંકમાં તે મિનિસ્ટર તો બનશે જ.

પ્રફુલ પટેલ કેન્દ્રના હાઈ પ્રોફાઇલ નેતા છે અને રાજકીય અને ઉદ્યોગજગતમાં દબદબો ધરાવે છે. તેમના પ્રચાર માટે કૉન્ગ્રેસનાં અધ્યક્ષા સોનિયા ગાંધી પણ આવ્યાં હતાં. ચૂંટણીમાં તેમની સામે BJPના ઉમેદવાર નાના પટોળેના પ્રચાર માટે નરેન્દ્ર મોદીની રૅલીનો બે વાર પ્રચાર થયો હતો, પરંતુ ખરેખર એક વાર પણ મોદી આવ્યા નહોતા એને પણ ઘણા સૂચક માની રહ્યા છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK