વારાણસીમાં રાજકીય પક્ષોના ૫૦,૦૦૦ કાર્યકરો મેદાનમાં

બુધવારે કેજરીવાલ અને ગુરુવારે મોદી ઉમેદવારી ફૉર્મ ભરશે
વારાણસીના ઘાટ અને ગલીઓમાં હંમેશાં ટૂરિસ્ટોની ગિરદી રહેતી હોય છે, પણ આ વખતે લોકસભાની ચૂંટણીમાં વારાણસી પોલ કૅપિટલ બની ગયું છે. અહીં ૫૦,૦૦૦થી વધારે કાર્યકરો વિવિધ પાર્ટીના ઉમેદવારોની ચૂંટણીના પ્રચારમાં લાગી ગયા છે અને જેમ-જેમ ચૂંટણી નજીક આવશે તેમ-તેમ આ સંખ્યા એક લાખનો આંકડો પાર કરી જશે. નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટણી લડે છે અને તેમની સામે AAPના અરવિંદ કેજરીવાલ મેદાનમાં ઊતર્યા છે. કૉન્ગ્રેસના ઉમેદવાર અજય રાય અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કૈલાસ ચૌરસિયા છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના ચીફ મિનિસ્ટર અને BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર છે જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હીના ભૂતપૂર્વ ચીફ મિનિસ્ટર છે. અજય રાય સ્થાનિક ઉમેદવાર છે, પણ તેઓ વારાણસી પાસે આવેલી પિન્ડરા વિધાનસભા બેઠકના વિધાનસભ્ય છે. સમાજવાદી પાર્ટીના ઉમેદવાર કૈલાસ ચૌરસિયા નજીકની મિર્ઝાપુર વિધાનસભા બેઠકના વિધાનસભ્ય છે. અજય રાયે ઉમેદવારી નોંધાવી દીધી છે જ્યારે કેજરીવાલ બુધવારે અને નરેન્દ્ર મોદી ગુરુવારે ઉમેદવારી નોંધાવશે. તેઓ એ પહેલાં વિશાળ રોડ-શો કરશે.

અજય રાયે કૉન્ગ્રેસના સ્ટાર-પ્રચારકોને અહીં આમંત્ર્યા છે જ્યારે સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવ અને ઉત્તર પ્રદેશના ચીફ મિનિસ્ટર અખિલેશ યાદવ તેમ જ BSPનાં પ્રેસિડન્ટ માયાવતી પણ અહીં પ્રચારસભાઓને સંબોધન કરશે.

અહીં ૧૬ લાખ મતદારો છે અને ૬૦ ટકા લોકો મતદાન કરે તો પણ ૧૦ લાખ મતદારો મતદાન માટે ઊતરશે. તેમના સુધી પહોંચવા ૧૦ મતદારદીઠ દરેક પાર્ટી એક-એક કાર્યકરને જવાબદારી સોંપી રહી છે. આમ આ સીટ પરની ચૂંટણી રસાકસીભરી બની રહેશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK