મોદીના જાસૂસીકાંડ તપાસના મુદ્દે NCP-ઓમર અબદુલ્લાનો વિરોધ

કમિશનનો નિર્ણય ડિસેમ્બરમાં લેવાયો તો પછી જજની નિમણૂક હવે શા માટે? : ઓમર અબદુલ્લા


નરેન્દ્ર મોદીએ એક મહિલા આર્કિટેક્ટની જાસૂસી કરાવી હતી એવા આરોપસર મોદીને લોકસભાની ચૂંટણી વચ્ચે ઘેરવાનો કેન્દ્ર સરકારનો મનસૂબો પાર પડે એમ નથી. મોદી સામે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસના વડપણા હેઠળ તપાસ કમિશન નિયુક્ત કરવાના મામલે UPA સરકારના પાર્ટનરોમાં ફૂટ પડી છે. UPAના બે મોટા ઘટકો NCP અને નૅશનલ કૉન્ફરન્સે લોકસભાની ચૂંટણીનાં પરિણામોની જાહેરાત પહેલાં જ આ પ્રકારે કમિશન નિયુક્ત કરવાના સરકારના નિર્ણયને ખોટો જણાવ્યો છે. તેમનું કહેવું છે કે UPA સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો હોવાથી આ પ્રકારે તપાસ કરવાનો નિર્ણય યોગ્ય નથી.

NCPના પ્રફુલ પટેલે કહ્યું હતું કે ‘ચૂંટણીનાં પરિણામો આવવામાં માત્ર ૧૦ દિવસ જેટલો જ સમય રહ્યો છે. આવા સમયે અમે જાસૂસી કાંડમાં તપાસ કમિશન નિયુક્ત કરવાના પક્ષમાં નથી. પાર્ટી પ્રેસિડન્ટ શરદ પવારે આ બાબતે વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહ સાથે વાતચીત કરી લીધી છે.’

પ્રફુલ પટેલના નિવેદન બાદ નૅશનલ કૉન્ફરન્સના નેતા અને જમ્મુ-કાશ્મીરના ચીફ મિનિસ્ટર ઓમર અબદુલ્લાએ સોશ્યલ મેસેજિંગ સાઇટ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘આ વિષય પર શનિવારે મેં મારા પપ્પા ફારુક અબદુલ્લા સાથે વાત કરી હતી. UPA સરકારે એના આખરી સમયમાં આ રીતે તપાસનો આદેશ આપવો જોઈએ નહીં. જ્યારે આ વિષય પર તપાસ કમિશન બેસાડવાનો નિર્ણય ડિસેમ્બર મહિનામાં લેવાયો હતો તો પાંચ મહિના બાદ આ કેસમાં જસ્ટિસની નિયુક્તિ કરવાની વાત ખોટી છે.’

આ વિષયે કાયદાપ્રધાન કપિલ સિબલે થોડા દિવસ પહેલાં કહ્યું હતું કે ‘૧૬ મે પહેલાં જસ્ટિસની નિમણૂક કરીને તપાસ શરૂ થશે.’

કૉન્ગ્રેસ તપાસ કરાવશે : BJPને કર્યા ૧૦ સવાલ


BJP અને નૅશનલ કૉન્ફરન્સનો વિરોધ હોવા છતાં પણ કૉન્ગ્રેસે મહિલાની જાસૂસીના કેસમાં તપાસ કમિશન નીમવા માટે આગળ વધવાનો ઇરાદો ગઈ કાલે વ્યક્ત કર્યો હતો અને BJPને ૧૦ સવાલો કર્યા હતા. મહિલા કૉન્ગ્રેસનાં નેતા અને પ્રવક્તા શોભા ઓઝાએ કહ્યું હતું કે ‘જો BJPને લાગતું હોય કે તેમણે કંઈ જ ખોટું કર્યું નથી તો એણે તપાસ કમિશન સામે જવું જોઈએ. માત્ર એક પિતા તેની દીકરીની જાસૂસી કરવા કહે અને એક પણ દસ્તાવેજ વિના ગુજરાતની નરેન્દ્ર મોદી સરકાર કેવી રીતે તેની જાસૂસી કરાવી શકે? શું આ નૈતિક રીતે યોગ્ય છે?’

મોદી સામેનો કેસ ગુજરાત બહાર ટ્રાન્સફર કરવા કૉન્ગ્રેસની માગણી

નરેન્દ્ર મોદી સામે ચૂંટણીની આચારસંહિતના ભંગની જે ફરિયાદ અમદાવાદમાં નોંધવામાં આવી છે એ કેસને ગુજરાતની બહાર ખસેડવા માટે કૉન્ગ્રેસે માગણી કરી હતી. અમદાવાદ પોલીસે આ વિશે કોઈ કેસ બનતો નથી એમ જણાવ્યું છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK