ગુજરાતના યુવતી જાસૂસીકાંડના તપાસપંચ માટે જજની નિમણૂક સરકાર નહીં કરે

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાથી એક યુવતીની જાસૂસી કરવાના કિસ્સાની તપાસના પંચ માટે ન્યાયમૂર્તિની નિમણૂક હમણાં નહીં કરવાનો નિર્ણય સરકારે લીધો છે.
UPAના બે ઘટક પક્ષો - NCP અને નૅશનલ કૉન્ફરન્સે વર્તમાન સરકારના છેલ્લા દિવસોમાં આવા પગલાનો વિરોધ કર્યો એના બે દિવસ પછી સરકારી સૂત્રોએ કહ્યું હતું કે આ પંચ માટે ન્યાયમૂર્તિની નિમણૂકનો ફેંસલો અમે નવી સરકાર પર છોડ્યો છે.

કેન્દ્રના ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે અને કાયદાપ્રધાન કપિલ સિબલે ગયા અઠવાડિયે મીડિયાને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આ જાસૂસીકાંડના તપાસપંચ માટે  ૧૬ મે પહેલાં એક ન્યાયમૂર્તિની નિમણૂક કરશે.

BJPએ સરકારની આ ચાલની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ચૂંટણીમાં હાર ભાળી ગયેલું UPA હતાશામાં આવું વેર વાળવાનું પગલું લઈ રહ્યું છે. NCPના નેતા પ્રફુલ પટેલે રવિવારે કહ્યું હતું કે બે સપ્તાહમાં લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે આ તપાસની ઉતાવળ શા માટે? NCPના વડા શરદ પવારે રવિવારે આ બાબતે વડા પ્રધાન સાથે વાત કરી હતી.

નૅશનલ કૉન્ફરન્સના નેતા ઓમર અબદુલ્લાએ કહ્યું હતું કે આ તપાસપંચ માટે જજની નિમણૂકનો ફેંસલો ડિસેમ્બરમાં થઈ ગયો હતો ત્યારે પાંચ મહિના પછી એનો અમલ કરવો એ અયોગ્ય છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK