રાહુલની મુંબઈની રૅલીમાં સોનિયા અને પવાર ગેરહાજર

સોનિયા અને પવાર જેવા મોભીઓ રૅલીમાં ન દેખાતાં કાર્યકરોના ઉત્સાહના ફ્યુઝ ઊડી ગયા. હવે આજે આ સ્થળે જ નરેન્દ્ર મોદીનાં મહેણાંનો પણ ડર
૨૪ એપ્રિલે મુંબઈમાં લોકસભાની છ સીટો માટે મતદાન છે એ પહેલાં ગઈ કાલે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)ના મેદાનમાં યોજાયેલી કૉન્ગ્રેસ-NCPની સંયુક્ત રૅલીમાં કૉન્ગ્રેસના નેતાઓની મુશ્કેલી બેવડાઈ ગઈ હતી. આ રૅલીમાં કૉન્ગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધી અને શરદ પવાર એક મંચ પર હાજર રહેવાનાં હતાં અને સૉલિડ શો કરવાની તમામ તૈયારીઓ થઈ ગઈ હતી.

તબિયત બરાબર ન હોવાથી સોનિયા ગાંધીને બદલે કૉન્ગ્રેસના વાઇસ-પ્રેસિડન્ટ રાહુલ ગાંધી હાજર રહ્યા હતા, પરંતુ છેલ્લી ઘડીએ પવાર પણ આવવાના નથી એવા સમાચાર મળતાં કાર્યકરોના ઉત્સાહના ફ્યુઝ ઊડી ગયા હતા અને રાહુલ ગાંધીએ મંચ પર આગેવાની લેવી પડી હતી. NCPના એક નેતા અને રાજ્યના મિનિસ્ટરે કહ્યું હતું કે પવારનો આ સ્પષ્ટ મેસેજ છે કે તેઓ રાહુલ ગાંધીની નેતાગીરી સ્વીકારવા તૈયાર નથી.

પવારની પાર્ટી તરફથી કારણ આપવામાં આવ્યું હતું કે ખરાબ હવામાનને કારણે શરદ પવારને લાવનારું હેલિકૉપ્ટર મહાડથી ઉડાન ભરી શક્યું નહોતું. જોકે કૉન્ગ્રેસ-NCPની યુતિ પર બારીક નજર રાખનારાઓ માટે આ કોઈ આશ્ચર્યની વાત નહોતી, કેમ કે પવાર કૉન્ગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીની કાર્યપદ્ધતિ સામે અગાઉ પણ અણગમો વ્યક્ત કરી ચૂક્યા છે. ભ્રષ્ટાચારના કેસમાં સજા થઈ હોય તેવા નેતાઓ અને સંસદસભ્યો વિષયક વિવાદાસ્પદ વટહુકમને રાહુલ ગાંધીએ જે રીતે કેન્દ્રની મનમોહન સરકાર પાસે પાછો ખેંચાવ્યો એની સામે કેન્દ્રના કૅબિનેટ મિનિસ્ટરોમાંથી એકમાત્ર શરદ પવાર જ ખૂબ નારાજ થયા હતા. કેન્દ્ર સરકારે દેશમાં ફૂડ સિક્યૉરિટી સ્કીમ લાગુ કરી એની સામે પણ પવાર નારાજ હતા અને પછી તેમને મનાવી લેવામાં આવ્યા હતા. આ સ્કીમ પોતાનો આઇડિયા હોવાનું પવાર કહી ચૂક્યા છે અને કૉન્ગ્રેસે એનો યશ ખાટી લીધો એનાથી પવાર નારાજ હતા.

ગઈ કાલની રૅલીમાં બપોર પછી એ સ્પષ્ટ હતું કે સોનિયા ગાંધીને બદલે રાહુલ ગાંધી આવશે અને પવાર ચારેક વાગ્યે આવશે, પરંતુ તેમનું હેલિકૉપ્ટર ઉડાન ન ભરી શકતાં તેમની પાર્ટી તરફથી મુંબઈના ગાર્ડિયન મિનિસ્ટર જયંત પાટીલ રૅલીમાં હાજર રહ્યા હતા.

ગ્ધ્ઘ્માં સાંજે પાંચ વાગ્યે રૅલી શરૂ થવાની હતી એના બદલે રાહુલ ગાંધી દોઢ કલાક મોડા આવ્યા હતા અને પવાર આવ્યા જ નહીં એથી રૅલીના સ્થળે લોકોને બેસાડી રાખવામાં કૉન્ગ્રેસના નેતાઓને મુશ્કેલી પડી હતી. યુતિના મોટા ગજાના નેતાઓ બરાબર ટાંકણે જ યોજાયેલી રૅલીમાં ન ડોકાતાં મુંબઈમાં ચૂંટણી લડી રહેલા આ યુતિના તમામ છ સંસદસભ્યો અને ફરીથી ઉમેદવાર બનેલા નેતાઓ માટે મોટી પીછેહઠની પરિસ્થિતિ ગણાવવામાં આવી રહી છે.

આ વખતે પણ આ યુતિ તરફથી મુંબઈમાં કૉન્ગ્રેસે તેના પાંચ સંસદસભ્યો મિલિંદ દેવરા, એકનાથ ગાયકવાડ, પ્રિયા દત્ત, ગુરુદાસ કામત અને સંજય નિરુપમ તેમ જ NCPએ પણ એના સંસદસભ્ય સંજય દિના પાટીલને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે અને તમામ સીટ પર તેમનો સામનો શિવસેના-ભારતીય જનતા પાર્ટીની યુતિના ઉમેદવારો સામે છે.

હવે આજે આ મેદાન પર જ ભારતીય જનતા પાર્ટીના વડા પ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રૅલી થવાની છે અને તેઓ પોતાના આગવા અંદાજમાં આ રૅલીની ઠેકડી ઉડાવશે એ લગભગ નક્કી છે. 

નરેન્દ્ર મોદીએ થાણે સમાઈ જાય એટલી જમીન ટૉફીના ભાવે ઉદ્યોગપતિને આપી દીધી : રાહુલ ગાંધી

મુંબઈમાં કૉન્ગ્રેસ-NCPની સંયુક્ત રૅલીમાં કૉન્ગ્રેસના વાઇસ પ્રેસિડન્ટ રાહુલ ગાંધીએ ગઈ કાલે નરેન્દ્ર મોદીને રાબેતા મુજબ નિશાન બનાવ્યા હતા. રાહુલ ગાંધીએ મોદીના ગુજરાત મૉડલ, મહિલા જાસૂસીકાંડ અને અદાણી ઉદ્યોગસમૂહ સાથેના સંબંધોને મામલે જોરદાર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

રાહુલ ગાંધી કેન્દ્ર સરકારની કામગીરી પર બોલી રહ્યા હતા ત્યારે કાર્યકરોએ મોદી પર બોલવાની માગણી કરતાં તેમણે મોદી પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘મોદી તો જનતાને પોતાને ચોકીદાર બનાવીને દેશની ચાવીઓ હાથમાં લેવાનું કહે છે. ગુજરાતમાં તેણે ચોકીદાર બનીને આખું થાણે સમાઈ જાય એટલી ૪૫,૦૦૦ એકર જમીન એક ઉદ્યોગગૃહને ટૉફીના ભાવે આપી દીધી. આ મૉડલને તમે ટૉફી કે ગુબ્બારા કોઈ પણ મૉડલ કહો, પરંતુ હકીકત તો એ છે કે તેમણે ખેડૂતો અને ગરીબોની જમીન છીનવીને અદાણીને સોંપી દીધી છે. મોદી નહોતા એ પહેલાં ૬૦ વર્ષથી ગુજરાત મરેલું પડ્યું હતું અને જનતા ઊંઘી રહી હતી, બાકી કંઈ જ નહોતું, પરંતુ જેવા મોદી પધાર્યા કે ગુજરાત જાગ્યું અને એક જ મિનિટમાં મોદીએ ગુજરાતને ચમકાવી દીધું. જોકે ભારત સ્વતંત્ર થયા બાદ ૬૦ વર્ષમાં ગુજરાતની પ્રજાએ અને ખાસ તો મહિલાઓએ પોતાનાં લોહી-પરસેવો રેડીને ત્યાં વિવિધ ઉદ્યોગ-ધંધા શરૂ કર્યા અને એની બધી જ ક્રેડિટ મોદી લઈને ફરે છે. હવે તેઓ મુંબઈ આવીને પણ કહે છે કે તમે ૬૦ વર્ષમાં કંઈ જ નથી કર્યું, હું સત્તા પર આવીશ તો મુંબઈને બદલી નાખીશ, પરંતુ આ બધી વાતો છે. ગુજરાતનું વિકાસ મૉડલ ગુજરાતની જનતાએ બનાવ્યું છે અને મહારાષ્ટ્રનું મૉડલ અહીંની જનતા બનાવશે.’

ભારતીય જનતા પાર્ટીમાં ચાલતી ખટપટો અને સિનિયર નેતાઓ સાથે થતા વર્તન બાબતે રાહુલે કહ્યું હતું કે પોતાના ગુરુ અડવાણીને ઉઠાવીને સાઇડ પર મૂકી દીધા બાદ મોદી હવે અદાણીને મંચ પર લાવ્યા છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK