મોદીના વતન વડનગરમાં જીતની ઉજવણીની તૈયારી

ગામના વતનીની જીતના આશાવાદ સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને મોદીની જીતમાં સામેલ થવા માટે વડનગરવાસીઓ થનગની રહ્યા છે

નરેન્દ્ર મોદીની જીતને ઊજવવા માટે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં ભરવૈશાખમાં દિવાળી જેવો માહોલ છવાઈ જશે. મોદીની જીતમાં વડનગરવાસીઓ કોઈ કચાશ રાખવા માગતા નથી અને એટલે ગામમાં રોશની, આતશબાજી, વિજય સરઘસની તૈયારીઓ થઈ ચૂકી છે અને નરેન્દ્ર મોદીની જીતની ખુશીમાં મીઠાઈની રેલમછેલ ઊડશે. ગામના નાગરિકો પોતાના ઘરે સ્વયંભૂ દીવા કરશે. કેટલાક યંગસ્ટર્સે એકઠા થઈને ૧૫૦૦ કિલોની મીઠાઈનો ઑર્ડર આપ્યો છે, એટલું જ નહીં, પરંતુ વડનગરમાં આવેલા અંદાજે બે હજાર વર્ષ જૂના હાટકેશ્વર મંદિરમાં ગઈ કાલે સ્થાનિક રહીશો દ્વારા નરેન્દ્ર મોદી માટે કમળપૂજા, જળપૂજા કરીને ભગવાનને નરેન્દ્ર મોદીના વિજય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

શપથવિધિમાં હાજર રહેવા માટે મોદીના અંગત સ્ટાફ માટે ખાસ સૂટ સીવડાવાયા

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બને તો દિલ્હીમાં યોજાનારી તેમની શપથવિધિમાં હાજર રહેવા માટે તેમના અંગત સ્ટાફ માટે ખાસ સૂટ સિવડાવવામાં આવ્યા હોવાનું ‘મિડ-ડે’ને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

નરેન્દ્ર મોદી BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર થયા બાદ તેમણે દેશભરમાં અનેક પ્રચારસભાઓ સંબોધી હતી. નરેન્દ્ર મોદીના કાર્યાલયમાંનો તેમનો અંગત સ્ટાફ લોકસભાની ચૂંટણીમાં તેમની દરેક બાબતોનો ખ્યાલ રાખીને તેમના સપોર્ટમાં હતો. નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, આજે એનાં પરિણામો જાહેર થશે, જેમાં નરેન્દ્ર મોદીનો વિજય થશે અને BJPને બહુમતી મળશે તો દિલ્હીમાં આગામી દિવસોમાં યોજાનારા નરેન્દ્ર મોદીના વડા પ્રધાનપદના શપથવિધિ કાર્યક્રમમાં ગાંધીનગરસ્થિત નરેન્દ્ર મોદીના કાર્યાલયમાંનો તેમનો અંગત સ્ટાફ હાજર રહેશે. આ શપથવિધિ માટે અંગત સ્ટાફ માટે ખાસ સૂટ સિવડાવવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદીનો અંગત સ્ટાફ મોદી સાથે ૧૭ મેએ દિલ્હી જશે.

અમદાવાદમાં નરેન્દ્ર મોદી ફૅન ક્લબ દ્વારા ઓપન ડબલ ડેકર બસમાંથી થશે ગુલાબની ૫૦૦ કિલો પાંખડીઓની વર્ષા

નરેન્દ્ર મોદી વતી મતદારોનો આભાર માનવા માટે ગુજરાત ગૌરવ ફૅન ક્લબ દ્વારા અમદાવાદમાં આ વિશિષ્ટ ઓપન ડબલ ડેકર બસ તૈયાર કરવામાં આવી છે. આ બસ આજે અમદાવાદના રાજમાર્ગો પર ફરીને નાગરિકો પર ૫૦૦ કિલો ગુલાબની પાંખડીની વર્ષા કરશે અને ભવ્ય રોડ-શો યોજશે. આ બસને અમદાવાદ-ગાંધીનગર હાઇવે પરના BJPના પ્રદેશ કાર્યાલય પર લઈ જવામાં આવશે અને ત્યાંથી ૧૩૨ ફૂટ રિંગ રોડ પર ફેરવીને બસને ધરણીધર વિસ્તારમાં લાવવામાં આવશે. રાત્રે આ બસમાં આતશબાજી પણ કરવામાં આવશે.


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK