પોતાના માટેની મોદીની જાહેર સભામાં અડવાણી ગેરહાજર

ગઈ કાલથી ગુજરાતમાં ચૂંટણીપ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળનાર નરેન્દ્ર મોદીની ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલા કલોલ ખાતે યોજાયેલી જાહેર સભામાં ગાંધીનગર બેઠકના ઉમેદવાર લાલ કૃષ્ણ અડવાણીની ગેરહાજરી જાહેર સભામાં ઉપસ્થિત હજારો કાર્યકરો અને નાગરિકોને ઊડીને આંખે વળગી હતી. જોકે એલ. કે. અડવાણીના પુત્ર જયંત અડવાણી આ જાહેર સભામાં હાજર રહ્યા હતા.


જાહેર સભાને સંબોધતાં લાલ કૃષ્ણ અડવાણીને નરેન્દ્ર મોદીએ ધરોહર ગણાવીને અડવાણી માટે કહ્યું કે ‘લાલ કૃષ્ણ અડવાણીનું તપસ્વી જીવન દેશ સામે છે. બેદાગ જીવન, સમર્પિત જીવન અને માત્ર રાષ્ટ્ર માટે વિચાર કરનારું જીવન છે. હું તેમનો ઋણી છું. તેમણે મારા કપરામાં કપરા સમયમાં રક્ષાકવચ બનીને મારી વિકાસયાત્રાની ચિંતા કરી છે અને જરૂર પડ્યે પિતાની જેમ ટકોર પણ કરી છે.’

નરેન્દ્ર મોદીએ કલોલના મતદારોને લાલ કૃષ્ણ અડવાણીને જિતાડવા માટે અપીલ કરતાં કહ્યું કે ‘આપણે વધુમાં વધુ મતદાન કરીને રેકૉર્ડ-બ્રેક કરીએ. મારી અપેક્ષા છે કે ગુજરાતના મતદારો બધા રેકૉર્ડ કરે. એક વાત નકકી છે કે BJP જીતવાની છે, પણ તમને વસવસો ન રહી જાય કે હું વોટ આપવા ન ગયો, મને ગુજરાતના એક-એક વોટની જરૂર છે. ગ્થ્ભ્ને વિજય અપાવવા કોઈ પાછી પાની ન કરો અને આપણે લાલ કૃષ્ણ અડવાણીને વિજયી બનાવીએ.’

ભરબપોરે પોણાબે વાગ્યે કલોલમાં જાહેર સભા સંબોધતાં મોદીને પરસેવો છૂટી ગયો

ગઈ કાલે નરેન્દ્ર મોદી એક તરફ હળવા મૂડમાં હતા તો બીજી તરફ ભરબપોરે ખરા તડકામાં પોણાબે વાગ્યે જાહેર સભા સંબોધતાં તેમને પરસેવો છૂટી ગયો હતો.

નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતાં સૌ પહેલાં ધોમધખતા તાપનો ઉલ્લેખ કર્યો હતો અને આવા તાપમાં સભા કરવાની કોઈ હિંમત ન કરે એવું પણ કહ્યું હતું. તેમણે અંદાજે ૨૫ મિનિટ સુધી સભાને સંબોધી હતી એ દરમ્યાન સતત રૂમાલથી મોં લૂછતા હતા અને વચ્ચે-વચ્ચે પાણી પીતા હતા. તેમનો અવાજ પણ સાથ આપતો ન હોય એમ જણાતું હતું, કેમ કે દેશભરમાં સતત જાહેર સભાઓ કરીને તેમના અવાજ પર અસર થઈ હોવાનું સ્પષ્ટ જણાતું હતું.

ગરમીના કારણે નરેન્દ્ર મોદીને સાંભળવા આવેલા કાર્યકરો અને નાગરિકો પણ તાપથી પરેશાન થઈ ગયા હતા. જોકે સભાસ્થળે ફૅનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્ટેજની આસપાસ કૂલરો મૂકવામાં આવ્યાં હતાં.

ગુજરાતમાં મિશન ૨૬ પાર પાડવા માટે મોદી ગઈ કાલથી ગુજરાતના ચૂંટણીમેદાનમાં ઊતર્યા છે. તેમણે ગઈ કાલે સુરેન્દ્રનગર, કલોલ, હિંમતનગર અને ડીસામાં જાહેર સભાઓ સંબોધીને ગુજરાતના શુષ્ક ચૂંટણીપ્રચારમાં જાણે કે પ્રાણ ફૂંક્યા હતા. નરેન્દ્ર મોદીના ગુજરાતમાં આગમન સાથે જ બીજેપીના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો હોવાનું જણાઈ આવતું હતું.

મેં બૉલીવુડમાં ભાગલા નથી પડાવ્યા : મોદીની ચોખવટ

પોતાને કારણે બૉલીવુડમાં ભાગલા પડ્યા હોવાના આક્ષેપને નરેન્દ્ર મોદીએ મંગળવારે નકારી કાઢ્યો હતો. તેમણે એક ટીવી-ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘બૉલીવુડ સાથે મારો ખાસ પરિચય નથી. હું મુખ્ય પ્રધાન બન્યો એ પછી કેટલાક લોકોને મળ્યો હતો, પરંતુ એ તો વ્યવસાયી કારણોસર. બધાને પોતપોતાનો અભિપ્રાય ધરાવવાનો હક છે.’

બૉલીવુડના કેટલાક કલાકારોએ સેક્યુલર ઉમેદવારોને મત આપવાની વિનંતી કરતી એક અપીલ ગયા અઠવાડિયે બહાર પાડી હતી. એનો મોદીના ટેકેદારોએ વિરોધ કરતાં વિવાદ સર્જાયો હતો અને હિન્દી ફિલ્મોદ્યોગમાંની તિરાડ બહાર આવી હતી.

મોદીએ કહ્યું હતું કે ‘મને ફિલ્મો જોવાનો સમય મળતો નથી. છેલ્લાં દસ વર્ષમાં મેં ‘પા’, ‘અ વેન્સ્ડે’ અને સ્વામી વિવેકાનંદ વિશેની એક એમ ત્રણ ફિલ્મો જ જોઈ છે. સ્વામી વિવેકાનંદ વિશેની ફિલ્મ બહુ જ સરસ હતી.’  

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK