નરેન્દ્ર મોદી 21મીએ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે

16મી લોકસભાની ચૂંટણીના પરિણામોની મતગણતરી ચાલી રહી છે. પરિણામો સ્પષ્ટ છે કે ભાજપ એકલા હાથે જીત હાંસલ કરીને નવી સરકાર રચી શકે છે. વડાપ્રધાન મનમોહન સિંહ આવતી કાલે 17મી તારીખે રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે. તેમના ઉત્તરાધિકારી તરીકે નરેન્દ્ર મોદી 21મી મે એ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે તેમ સત્તાવાર સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.નવી દિલ્હી : તા, 16 મે

નરેન્દ્ર મોદીની સાથો સાથ કેબિનેટ કક્ષાના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. જોકે મંત્રીમંડળમાં કોને કોને સ્થાન આપવામાં આવશે તે જોવાનું સરપ્રદ રહેશે.

જાહેર થઈ રહેલા પરિણામો પરથી નરેન્દ્ર મોદીની લહેર સ્પષ્ટ થઈ ગઈ હતી. ચૂંટણી દરમિયાન ગુંજી રહેલા 'અબ કી બાર, મોદી સરકાર' ના નારાઓ સંપૂર્ણપણે વાસ્તવિકતામાં સાચા ઠર્યા છે. પરિણામોને ધ્યાનમાં લઈને આજે વડાપ્રધાન મનમોહન સિંહે જાહેરાત કરી દીધી હતી કે તેઓ આવતી કાલે 17મી મે એ પોતાના પદ પરથી રાજીનામું આપશે. વડાપ્રધાન પોતાનું આ રાજીનામું રાષ્ટ્રપતિને સોંપશે અને ત્યાર બાદ રાષ્ટ્રપતિ ઔપચારિકતા પુરી કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સાથે જ નરેન્દ્ર મોદી 21મી તારીખે રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી દેશના વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરાવશે.

નરેન્દ્ર મોદીની વડાપ્રધાન પદની સાથે સાથે તેમના મંત્રીમંડળના મંત્રીઓ પણ શપથ ગ્રહણ કરશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જોકે મોદીની સરકારમાં કયા કયા નેતાઓને મંત્રીપદ સોંપવામાં આવે તે જોવાનું સરપ્રદ રહેશે.  વર્તમાન ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં પક્ષને જવલંત વિજય મળ્યો હોવાથી કેબિનેટ મંત્રીઓથી માંડીને તમામની પસંદગીમાં મોદીને હાથ ઉપર રહેશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK