મા ગંગાએ મને દીકરો બનાવી લીધો છે : મોદી

અમદાવાદથી દિલ્હી થઈ સાંજે વારાણસી પહોંચ્યા નરેન્દ્ર મોદી : બન્ને ઠેકાણે ભવ્ય સ્વાગતગઈ કાલે દિલ્હીમાં યોજાયેલી BJPના પાર્લમેન્ટરી બોર્ડની મીટિંગમાં નરેન્દ્ર મોદીના પક્ષની અંદરના વિરોધીઓ જાણે લાઇન પર આવી ગયા હોય એવું લાગતું હતું. લાલ કૃષ્ણ અડવાણીએ મોદીને મીઠું મોઢું કરીને ગળે લગાડ્યા હતા અને સામે મોદીએ પણ તેમના ચરણસ્પર્શ કર્યા હતા. મુરલી મનોહર જોશી અને સુષમા સ્વરાજ પણ મોદીને પ્રેમથી મળ્યાં હતાં.વારાણસીમાં ભવ્ય જીત મેળવ્યા બાદ ગઈ કાલે સાંજે ગંગાઆરતીમાં ભાગ લેવા પહોંચેલા નરેન્દ્ર મોદીએ લોકોને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘૨૦૧૪ની ચૂંટણી ઐતિહાસિક રહી છે અને પહેલી વાર એવું બન્યું છે કે વિરોધ પક્ષ બનાવવા માટે પણ ગઠબંધન કરવું પડે એવી સ્થિતિ છે. લોકોએ કૉન્ગ્રેસ સહિત અનેક પાર્ટીઓને એવો તમાચો માર્યો છે કે અધિકૃત વિરોધ પક્ષને પણ સ્થાન નથી આપ્યું.’

તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતાં કહ્યું હતું કે ‘૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતી આવે છે અને ગાંધીજીને સફાઈ ગમતી હતી. હવે આપણે આ સફાઈની શરૂઆત કાશીથી કરવાની છે.’

કાશી જો રાષ્ટ્રગુરુ નહીં બને તો દેશ વિશ્વગુરુ કેવી રીતે બનશે? એમ કહીને તેમણે કાશીના માહાત્મ્યને ઉચ્ચ દરજ્જાનું બનાવવાનો અનુરોધ કર્યો હતો.

આ પહેલાં તેઓ સવારે ૧૧ વાગ્યે દિલ્હી પહોંચ્યા હતા. ઍરપોર્ટથી BJPની ઑફિસ સુધીના રસ્તા પર ઠેર-ઠેર લોકો ઊભા રહી ગયા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે BJPની પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લીધો હતો અને આ બેઠક વિશે બોલતાં પાર્ટી-પ્રેસિડન્ટ રાજનાથ સિંહે પત્રકાર-પરિષદને સંબોધી હતી અને એમાં આ ચૂંટણી જિતાડવા માટે નરેન્દ્ર મોદીએ જે પરિશ્રમ કર્યો હતો એની એમાં પ્રશંસા કરવામાં આવી હતી.

 મંગળવારે બેઠક

રાજનાથ સિંહે કહ્યું હતું કે ‘નવી સરકાર રચવા માટે હજી સુધી દિવસ નક્કી કરવામાં નથી આવ્યો. મંગળવારે પાર્લમેન્ટરી પાર્ટીની બેઠક દિલ્હીમાં યોજાશે અને એમાં નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવશે.’

અડવાણીને પગે લાગ્યા મોદી

નરેન્દ્ર મોદી ગઈ કાલે પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં ભાગ લેવા આવ્યા ત્યારે પક્ષના સિનિયરમોસ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણીને તેઓ વાંકા વળીને પગે લાગ્યા હતા અને તેમના આર્શીવાદ લીધા હતા.

શપથવિધિ રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં

નવી સરકારની શપથવિધિ આ વખતે રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલમાં નહીં થાય, પણ રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં થશે. નરેન્દ્ર મોદીએ તેમના ૩૦૦૦ ગેસ્ટનું લિસ્ટ આપી દીધું છે.

આખા દિવસનો ભરચક કાર્યક્રમ

જોરદાર બહુમતીથી લોકસભાની ચૂંટણીમાં ફતેહ મેળવ્યા બાદ ગઈ કાલે નરેન્દ્ર મોદી સવારે ૧૦ વાગ્યે અમદાવાદથી દિલ્હી પહોંચ્યા હતા અને દિલ્હીમાં ઍરપોર્ટથી BJPની ઑફિસના રસ્તા સુધીમાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એ પછી તેમણે BJPની પાર્લમેન્ટરી પાર્ટીની મીટિંગમાં ભાગ લીધો હતો અને મીડિયાને ટૂંકું વક્તવ્ય આપીને નીકળ્યા બાદ તેઓ ય્લ્લ્ની ઑફિસમાં ગયા હતા. સાંજે પાંચ વાગ્યે તેઓ દિલ્હીથી વારાણસી પહોંચ્યા હતા અને ૬ વાગ્યે કાશી વિશ્વનાથ મંદિરમાં ૪૫ મિનિટ સુધી પૂજા કરી હતી અને ૭ વાગ્યે દશાશ્વમેધ ઘાટ પર ગંગાઆરતીમાં ભાગ લીધો હતો.

BJPની સરકારમાં હારેલાં અરુણ જેટલી અને સ્મૃતિ ઈરાનીને પણ સ્થાન મળશે?

નરેન્દ્ર મોદીની સરકારમાં કોને-કોને સ્થાન મળશે એ વિશે ચર્ચાઓનું બજાર ગરમ છે, પણ અમ્રિતસરમાં ચૂંટણી હારી જનારા અરુણ જેટલીને સ્થાન મળશે એ નક્કી છે. તેઓ રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા છે અને તેમને ઘણો અનુભવ છે. પોતે સારા વકીલ છે એથી તેમને કદાચ ફાઇનૅન્સ કે એની સમકક્ષ મિનિસ્ટ્રી આપવામાં આવે એવી શક્યતા છે.

એ સિવાય લોકસભામાં વિરોધ પક્ષના નેતા રહી ચૂકેલાં સુષમા સ્વરાજને પણ મહત્વનું સ્થાન મળશે એવું લાગે છે. તેમને વિદેશપ્રધાન બનાવવામાં આવે એવી શક્યતા વધુ છે.

એ સિવાય પાર્ટી લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, અનંત કુમાર, નીતિન ગડકરી, હેમા માલિની, શત્રુઘ્ન સિંહા અને સ્મૃતિ ઈરાનીને પણ સ્થાન આપે એવી શક્યતા છે.

નીતિન ગડકરીના અનુભવને જોતાં તેમને ડિફેન્સ, હોમ અથવા વિદેશ ખાતું આપવામાં આવે એવી શક્યતા છે. ડૉ. હર્ષવર્ધનને હેલ્થ મિનિસ્ટ્રી આપવામાં આવે એવી શક્યતા છે.

લાલ કૃષ્ણ અડવાણીને સ્પીકર બનાવવામાં આવે એવું ચર્ચાઈ રહ્યું છે.

BJP : સફર બે સીટથી ૨૮૨ સીટ સુધીની


૧૯૮૦માં BJPની સ્થાપના જનતા પાર્ટીના વિભાજન પછી થઈ હતી અને ૧૯૮૪માં જ્યારે પાર્ટીએ પહેલું ઇલેક્શન લડ્યું હતું ત્યારે ઇન્દિરા ગાંધીની હત્યા બાદના આ ઇલેક્શનમાં એને ગુજરાતમાં એક અને આંધ્ર પ્રદેશમાં એક મળીને માત્ર બે સીટ મળી હતી, પણ હવે એને સ્પષ્ટ બહુમતી મળી છે.

વર્ષ

લોકસભામાં મળેલી સીટો

૧૯૮૪

૧૯૮૯

૮૫

૧૯૯૧

૧૨૦

૧૯૯૬

૧૬૧

૧૯૯૮

૧૮૨

૧૯૯૯

૧૮૨

૨૦૦૪

૧૩૮

૨૦૧૪

૨૮૨

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK