ભાજપનો વાર ને કોંગ્રેસ થઈ બહાર...અબ કી બાર મોદી સરકાર

લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નામના સૂનામીમાં મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અને એ સિવાયના કેટલાક નાના-મોટા રાજકીય પક્ષો ક્યાં શોધ્યા પણ જડે નહીં તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચૂંટણીના જાહેર થઈ રહેલા પરિણામો પર નજર કરવામાં આવે તો ભાજપની જીતાયેલી સીટો અને તે જ્યાં જ્યાં પણ હજી આગળ ચાલી રહ્યું છે તેને ધ્યાનમાં રાખવામાં આવે તો ભાજપ પોતાની અત્યાર સુધીની ઐતિહાસિક જીત તરફ અગ્રેસર થઈ રહ્યો છે. ભારતના ઈતિહાસમાં 1984માં ઈન્દિરા ગાંધીની હત્યા બાદ યોજાયેલી ચૂંટણી બાદ ભાજપે એકલા હાથે સૌથી મોટી જીત છે. 1984માં કોંગ્રેસને 404 સીટ મળી હતી.મુંબઈ : તા. 16 મે

ટીવી ચેનલ અને અન્ય એજન્સીઓ દ્વારા જાહેર થયેલા એક્ઝિટ પોલને પણ ભાજપે આજે ઉંધા વાળી દીધા હતાં. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપને મળેલી જીતથી દેશભરના લોકો મોં માં આંગળા નાખી ગયા હતાં. કોંગ્રેસે તો એક્ઝિટ પોલમાં દર્શાવેલા આંકડા કરતા પણ ઈતિહાસનું સૌથી નબળુ પ્રદર્શન કરતા માત્ર 50 સીટોની અંદર જ સમેટાઈ શકે છે. ભારતના શેર બજારે પણ નરેન્દ્ર મોદીને વિજયી સલામી આપી હતી. સેન્સેક્સ આજે 1000 પોઈન્ટનો ઉછાળો હાંસલ કરીને 25000ની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.

16મી લોકસભાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામોએ દેશના નિષ્ણાંતો અને વિવેચકોના અનુમાનોને રીતસરના રમણ ભમણ કરી નાખ્યા હતાં. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરા અને વારાણસી એમ બંને બેઠકો પરથી વિજય હાંસલ કર્યો હતો. વિજય બાદ મોદીએ ઘરે જઈને માતા હિરાબાના આશિર્વાદ લીધા હતા. મોદીની લહેર એટલી તો તીવ્ર વર્તાઈ હતી કે ભાજપે ગુજરાત માં 26માંથી 26, રાજસ્થાનમાં 25માંથી 25, રાજધાની દિલ્હીમાં 7માંથી તમામ એવી 7 અને છતિસગઢમાંથી 11માંથી 10 બેઠકો મેળવીને કોંગ્રેસના રીતસરના સુપડા સાફ કરી નાંખ્યા હતા. તો દિલ્હીની ગાદી સુધી પહોંચવાનો રસ્તો જ્યાંથી પસાર થાય છે તેવા દેશના સૌથી મોટા અને 80 સીટો ધરાવતા ઉત્તર પ્રદેશમાં પણ ભાજપે એકલાહાથે સપાટો બોલાવતા 70થી વધુ બેઠકો પર પોતાનો કબજો જમાવીને સત્તારૂઢ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસની આબરૂના લીરે લીરા ઉડાડી દીધા હતા. તેવી જ રીતે બિહાર અને મહારાષ્ટ્રમાં પણ ભાજપે મોખરાનું સ્થાન મેળવ્યું હતું. આમ દેશભરમાં લોકસભાની ચૂંટણીના પ્રદર્શનને જોતા ભાજપને દિલ્હીમાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષના ટેકાની જરૂર નહીં પડે. કોંગ્રેસના કપિલ સિબ્બલ, સચિન પાઈલટ, નંદન નિલેકાણી, અભિનેતા સંજય દત્તની બહેન પ્રિયા દત્ત, મુરલી દેવરા, મણિશંક અય્યર, શંકર સિંહ વાઘેલા સહિતના નેતાઓનો કારમો પરાજય થયો હતો.

નરેન્દ્ર મોદીની આગેવાનીમાં લડાયેલી ચૂંટણીમાં ભાજપે દેશભરમાં રીતસરનો સપાટો બોલાવી દીધો હતો અને જ્વલંત વિજય હાંસલ કર્યો હતો. તે બદલ દેશભરમાંથી નરેન્દ્ર મોદી પર શુભેચ્છાનો રીતસરનો વરસાદ થયો હતો. એલ કે અડવાણી, રાજનાથ સિંહ સહિતના પાર્ટીના નેતાઓએ તો બપોરે જ મોદીને અભિનંદન પાઠવી દીધા હતા. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે પણ મોદીને જીતની શુભેચ્છાઓ પાઠવી હતી. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ નરેન્દ્ર મોદી અને ભાજપને શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર તો નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો. નરેન્દ્ર મોદી દેશના આગામી વડાપ્રધાનના રૂપમાં 21મીએ રાજધાની દિલ્હીમાં શપથ ગ્રહણ કરશે.

ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ રાજનાથ સિંહે આજે બપોરે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજનાથે ભાજપને જ્વલંત વિજ્ય અપાવવા બદલ દેશવાસીઓ અને પાર્ટીના નાના-મોટા તમામ કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો. રાજનાથે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ભાજપની આ જીતમાં અથાગ મહેનત કરી છે. આ જીતથી અમે ખુશ છીએ. તેની સાથે જનતાએ આપેલી જવાબદારીનો અમને અહેસાસ પણ છે. હવે ભારતની સફળતાનો ઈતિહાસ લખવાનો સમય આવી પહોંચ્યો છે. અંતે તેમણે કાર્યકર્તાઓને સલાહ આપતા કહ્યું હતું કે જીતની ખુશીમાં તેઓ સંયમ વર્તે. કોઈ વ્યક્તિ વિષેશ કે પાર્ટી વિષે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાથી અને અવ્યવસ્થા ઉભી કરવાની બચે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK