ચૂંટણીમાં હારીશ તો ચા બનાવીશ : નરેન્દ્ર મોદી

સ્મૃતિ ઈરાની કોણ છે એવા પ્રિયંકાએ બે દિવસ પહેલાં પૂછેલા સવાલથી ઊકળેલા મોદીએ ટોણો માર્યો કે લોકશાહીમાં રાજવીઓને આવા સવાલ પૂછવાની છૂટ નથી હોતી

Narendra Modi



ગાંધી-નેહરુપરિવારના ગઢ ગણાતા અમેઠીમાં ગઈ કાલે નરેન્દ્ર મોદીએ વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. ગૌરીગંજમાં કેટલાક લોકોએ મોદીને કાળા વાવટા દેખાડ્યા હતા. મોદીએ તેમના પ્રવચનમાં એક જગ્યાએ કહ્યું હતું કે ‘ચૂંટણીમાં હારી જઈશ તો ચા બનાવીશ. ચા બનાવવાનો મારો સામાન તૈયાર છે.’

એ પહેલાં યોજાયેલી જાહેર સભામાં મોદીએ પ્રિયંકા તથા રાહુલ ગાંધીની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસે આજ સુધી દેશને લૂંટ્યો છે, પણ અમે વિકાસની લડાઈ લડી રહ્યા છીએ. પરિવારોના રાજકારણે અમેઠીની જનતાનાં સપનાંનો ભાંગીને ભુક્કો કરી નાખ્યો છે.’

પ્રિયંકા ગાંધીએ બે દિવસ પહેલાં BJPનાં અમેઠીનાં ઉમેદવાર સ્મૃતિ ઈરાની કોણ છે એવો સવાલ કર્યો હતો. એના જવાબમાં મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘સ્મૃતિ મારી નાની બહેન અને પ્રતિનિધિ છે. સ્મૃતિ અમેઠી વિશે આખા ગાંધીપરિવાર કરતાં વધુ જાણકારી ધરાવે છે. ગાંધીપરિવાર દ્વારા ૪૦ વર્ષથી પ્રતિનિધિત્વ થતું હોવા છતાં પછાત રહેલા અમેઠીનો વિકાસ કરવા અમે સ્મૃતિને અહીં મોકલી છે. સ્મૃતિ તમારા કલ્યાણ અને વિકાસની સંભાળ લેશે.’

રોષે ભરાયેલા જણાતા મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના એક નેતાએ પૂછ્યું હતું કે સ્મૃતિ કોણ છે? લોકશાહીમાં રાજવીઓને આવા સવાલ પૂછવાની છૂટ હોતી નથી. આ બીજું કાંઈ નહીં, અહંકાર છે. અહંકાર વધી જાય ત્યારે લોકો સારાસારનો વિવેક ગુમાવી બેસે છે.’

સોનિયા ગાંધીને સપાટામાં લેતાં મોદીએ કહ્યું હતું કે ‘એક માતા તરીકેની સોનિયા ગાંધીની લાગણીને હું સમજી શકું છું. પોતાનો દીકરો સેટલ થઈ જાય એના પ્રયાસ સોનિયા છેલ્લાં ૧૦ વર્ષથી કરી રહ્યાં છે, પરંતુ સોનિયાના પ્રયાસ નિષ્ફળ ગયા હોય એવું લાગે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK