ગુજરાતની ગાદી પર કોઈ મહિલાને જ બેસાડવાની મોદીની ઇચ્છા

શનિવારે દિલ્હીમાં યોજાયેલી મીટિંગમાં નવા ચીફ મિનિસ્ટરનું નામ નક્કી થઈ ગયું : સ્મૃતિ ઈરાની ને પૂનમ માડમના નામની પણ ચર્ચા


રશ્મિન શાહ

૧૬ મેએ લોકસભાનું રિઝલ્ટ આવ્યા પછી જો BJP કે BJPના સહયોગીઓ સાથેની સરકાર બનશે એવું ચિત્ર બહાર આવ્યું તો ગુજરાતનું મુખ્ય પ્રધાનપદ ખાલી કરવાનું કામ નરેન્દ્ર મોદી પહેલાં કરશે એવું શનિવારે નરેન્દ્ર મોદીએ નક્કી કરી લીધું છે એટલું જ નહીં, શનિવારે રાતે દિલ્હીમાં થયેલી BJPની કોર કમિટી સાથે થયેલી એ જ મીટિંગમાં નરેન્દ્ર મોદી પછી કોણ એ નામ પણ ફાઇનલ કરી લેવામાં આવ્યું છે. એ મીટિંગમાં થયેલી નામોની ચર્ચામાં અનેક નેતાઓનાં નામ હતાં, પણ એ તમામ નામોમાં આનંદીબહેન પટેલનું નામ સૌથી આગળ હતું અને નરેન્દ્ર મોદી પણ આનંદીબહેનના નામની બાબતમાં આગ્રહ રાખતા હતા. સ્વાભાવિક રીતે એ મીટિંગમાં કયું નામ ફાઇનલ કરવામાં આવ્યું એ જાહેર ન થાય એની ચુસ્ત તકેદારી રાખવામાં આવી છે, પણ એટલું નક્કી છે કે ગુજરાતના નવા નાથનું નામ શનિવારે દિલ્હીમાં ફાઇનલ થઈ ચૂક્યું છે. મીટિંગની બ્રીફ તૈયાર કરનારા નરેન્દ્ર મોદીના પર્સનલ સ્ટાફની એ નૉન-ગુજરાતી વ્યક્તિને પણ ચાલુ મીટિંગે અડધા કલાક માટે બહાર મોકલી દેવામાં આવી હતી.

મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી પછી કોણનાં નામોમાં કેટલાંક એવાં નામોની પણ ચર્ચા થઈ જે દેખીતી રીતે જ ઘણા વખતથી ચર્ચામાં હતાં તો કેટલાંક આશ્ચર્ય પમાડે એવાં નામોની પણ ચર્ચા થઈ હતી. મુખ્ય પ્રધાનપદ માટે આનંદીબહેન પટેલ ઉપરાંત અમિત શાહ અને સૌરભ પટેલના નામની ચર્ચા થઈ હતી તો વજુભાઈ વાળા અને નીતિન પટેલનાં નામો વિશે પણ વાત થઈ હતી. અચરજ પમાડે એવાં બે નામોનું જે ડિસ્કશન થયું એ નામોમાં જામનગરનાં વિધાનસભ્ય અને લોકસભાનાં ઉમેદવાર પૂનમ માડમનું નામ હતું તો સાથોસાથ અમેઠીમાં રાહુલ ગાંધી અને કુમાર વિશ્વાસ સામે બાથ ભીડી રહેલાં સ્મૃતિ ઈરાનીનું નામ પણ હતું. કૉન્ગ્રેસના વડા પ્રધાનપદના ઉમેદવાર ગણી શકાય એવા રાહુલ ગાંધીને જો સ્મૃતિ ઈરાની હરાવે તો કેન્દ્રમાં સારા ખાતાનું પ્રધાનપદ માત્ર મળી શકે, પણ એવું કરવાને બદલે સ્મૃતિને જો ગુજરાતનું મુખ્ય પ્રધાનપદ ઑફર કરવામાં આવે તો શું થાય એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી હતી. સ્મૃતિ અત્યારે ગુજરાતનાં વિધાનસભ્ય નથી, પણ એમ તો નરેન્દ્ર મોદી પણ સીધા મુખ્ય પ્રધાન બન્યા અને એ પછી વિધાનસભાનું ઇલેક્શન લડીને તેમણે જરૂરી ટેક્નિકલિટી પૂરી કરી હતી. જોકે સ્મૃતિ ઈરાની અને પૂનમ માડમનાં નામો સાથે અન્ય મેમ્બર સહમત નહીં થતાં એ નામો પરની ચર્ચા અટકી ગઈ.

પોતાની ગેરહાજરીમાં નરેન્દ્ર મોદી ગુજરાતને તેમના જેવી પર્સનાલિટી ધરાવતી અને તેમના જેવો જ સ્વભાવ, કડકાઈ અને તત્ક્ષણ નર્ણિય લેવાની શક્તિ ધરાવતી વ્યક્તિને ગુજરાતની જવાબદારી સોંપવા માગે છે એ તેમણે મીટિંગમાં સ્પષ્ટ કર્યું હતું અને આ જ કારણે સ્મૃતિ ઈરાની, પૂનમ માડમ અને આનંદીબહેન પટેલ જેવા સ્વભાવે આકરા કહેવાય એવાં નામોની ચર્ચા થઈ હતી તો અમુક ઋજુ હૃદયના નેતાઓનાં નામોનો ઉલ્લેખ પણ નહોતો કરવામાં આવ્યો.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાનપદ માટે મહિલાના નામના પણ સ્પષ્ટ હિમાયતી રહ્યા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK