રાહુલ ગાંધીને લિમિટમાં રહેવા નરેન્દ્ર મોદીની ચેતવણી

રાહુલે કહ્યું કે ગુજરાતના મુખ્ય પ્રધાન જુઠ્ઠું ન બોલે ત્યાં સુધી તેમને ઊંઘ નથી આવતી અને આ સાંભળીને ભડકેલા મોદીએ આપી દીધી, અમે કદી મર્યાદા ઓળંગીને વાત નથી કરતા. જાહેરમાં આવો અને તમારી કામગીરીનો હિસાબ આપો


રાહુલ ગાંધીએ ‘જુઠ્ઠા’ હોવાનો આક્ષેપ કર્યા બાદ નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વળતો ફટકો મારતાં કહ્યું હતું કે કૉન્ગ્રેસના નેતા ખોટા, ગંદા અને પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છે. રાહુલને લિમિટમાં રહેવાની ચેતવણી પણ મોદીએ આપી હતી. કૉન્ગ્રેસ સરકારની કામગીરી બાબતે લોકોને જવાબ આપવા જાહેરમાં આવવાનો પડકાર પણ મોદીએ રાહુલને ફેંક્યો હતો.

મોદીએ 3-D હૉલગ્રૅમ ટેક્નૉલૉજી મારફત કરેલા સંબોધનમાં કહ્યું હતું કે ‘રાહુલભૈયા, તમે બધી સીમા ઓળંગીને સતત જુઠ્ઠાણાં ફેલાવી રહ્યા છો. તમારી ખુદની જાત વિશે, તમારી માતા વિશે કે તમારી સરકાર વિશે કહેવા જેવી હકારાત્મક કોઈ વાત તમારી પાસે નથી એટલે તમે ખોટા, ગંદા અને પાયાવિહોણા આક્ષેપો કરી રહ્યા છો. બધું મર્યાદામાં હોય એ સારું. અમે મર્યાદા ઓળંગીને વાત કરતા નથી. જાહેરમાં આવો અને તમારી સરકારની કામગીરીનો હિસાબ આપો. શા માટે દૂર ભાગી રહ્યા છો?’

ગુજરાતના મુખ્ય પ્રધાન જુઠ્ઠું ન બોલે ત્યાં સુધી તેમને ઊંઘ આવતી નથી એવું નિવેદન રાહુલ ગાંધીએ ગઈ કાલે સૌરાષ્ટ્રમાં યોજાયેલી સભામાં કર્યું એના કલાકો પછી મોદીએ વળતો હુમલો કર્યો છે.

સોનિયા ગાંધી પર પણ પ્રહાર કરતાં મોદીએ કહ્યું હતું કે ‘માંસના એક નિકાસકાર વિશે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. એ નિકાસકારનાં દેશભરમાં આવેલાં ૬૦ સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યા છે. એ નિકાસકાર પાસે સોનિયા ગાંધીના નિવાસસ્થાન ૧૦, જનપથ સાથેની ફોન પરની ૩૦૦ કલાકની વાતચીતનું રેકૉર્ડિંગ છે. ૧૦, જનપથના ખાસ મદદનીશે એ બિઝનેસમૅન સાથે કરેલી વાતચીતનું રેકૉર્ડિંગ છે. કોણ છે એ વ્યક્તિ એની જાણ દેશને થવી જોઈએ.’

વડા પ્રધાન મનમોહન સિંહની ઠેકડી ઉડાડતાં મોદીએ કહ્યું હતું કે ‘વડા પ્રધાનને ભાવવધારો દેખાતો નથી, ભ્રષ્ટાચાર કે દેશની સમસ્યાઓ પણ દેખાતાં નથી. જો તેઓ આ બધું જોઈ ન શકતા હોય તો BJPતરફી મોજાને કઈ રીતે નિહાળી શકે?’

ગુજરાતમાં લોકાયુક્ત હોત તો ચોકીદાર મોદી જેલમાં હોત : રાહુલ ગાંધી

કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ બોટાદ તથા દેવગઢ બારિયા ખાતે ગઈ કાલે ચૂંટણીસભાઓને સંબોધતાં જણાવ્યું હતું કે ‘ગુજરાતમાં લોકાયુક્ત અને RTI કમિશનર્સની નિમણૂક થઈ ગઈ હોત તો નરેન્દ્ર મોદી જેલમાં હોત. ‘ગુજરાતમાં લોકાયુક્ત કે RTI કમિશનર્સ નથી. હાઈ કોર્ટે રાજ્ય સરકારને RTI કમિશનર્સની નિમણૂક કરવા જણાવ્યું હતું. કુલ દસ RTI કમિશનર્સ હોવા જોઈએ એને બદલે અહીં પાંચ જ છે. ભ્રષ્ટ લોકોને સાણસામાં લેતા સત્તાધીશને ગુજરાતમાં સ્થાન જ નથી.’

ખુદને ચોકીદાર ગણાવતા નરેન્દ્ર મોદી પર સીધો હુમલો કરતાં રાહુલે ઉમેર્યું હતું કે જે દિવસે લોકાયુક્ત આવશે, RTI કમિશનર્સની નિમણૂક થશે; તમારો ચોકીદાર એ દિવસે જેલમાં જશે.

મોદીના ગુજરાત મૉડલની ઝાટકણી કાઢતાં રાહુલે કહ્યું હતું કે ‘મોદીએ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની જમીન અદાણીને મફતના ભાવે આપી દીધી છે. ૪૫,૦૦૦ કરોડનો આ આંકડો ગુજરાતના આરોગ્ય તથા શિક્ષણ માટેના બજેટ કરતાં પાંચગણો મોટો છે. અમે તમામ પ્રકારના લોકોને અને બિઝનેસમેનોને મદદ કરવામાં માનીએ છીએ, પરંતુ મોદી જુઠ્ઠાણાં કહેવામાં અને બીજા પાસેથી છીનવીને બધું એક જ વ્યક્તિને ભેટ આપવામાં વિશ્વાસ રાખે છે. આ ગુજરાત મૉડલ નહીં, અદાણી વિકાસનું મૉડલ છે.‘

મેં ગુજરાત મૉડલને ઉઘાડું પાડ્યું એ પછી મોદીએ એનો ઉલ્લેખ કરવાનું બંધ કર્યું છે એમ જણાવતાં રાહુલે ઉમેર્યું હતું કે ‘ગુજરાત મૉડલની વાસ્તવિકતા મેં બહાર પાડી એ પછી મોદીએ એનાં બણગાં ફૂંકવાનું બંધ કરી દીધું છે. અદાણીને ટૉફીના ભાવે ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની જમીન આપી દીધી તેમણે અને એક ટૉફીની કિંમત શું? એક રૂપિયો. અદાણી ૧૦૦૦ ટૉફી લઈને ગયા હતા એટલે તેમને ૧૦૦૦ એકર જમીન મળી.’

રાહુલ ગાંધી ત્યાર બાદ જાહેર સભા માટે અમરેલી ગયા હતા, પણ બે કલાક મોડા પહોંચ્યા હતા. આ બે કલાક મોડા પહોંચવા બદલે તેમણે ગુજરાતીમાં માફી માગી હતી અને જાહેર સભામાં આવેલા લોકોને કહ્યું હતું કે મને દરગુજર કરજો.

રાહુલની સ્પીચ પચીસ મિનિટની થવાની હતી, પણ તેમણે કોઈ જાતની તૈયારી વિના બેતાલીસ મિનિટ સુધી સ્પીચ આપી હતી.

અમરેલીમાં રાહુલે કહ્યું હતું કે ‘મોદીનો એક જ અવાજ આવે છે કે બધું મેં જ કર્યું છે તો શું ગુજરાતના લોકોએ કંઈ નથી કર્યું? મોદી દેશભરમાં એમ કહેતા ફરે છે કે ગુજરાતમાં એકેય ખેડૂતે આપઘાત નથી કર્યો. હકીકત એ છે કે ગુજરાતમાં ૬૦૦૦ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK