વારાણસીમાં રેલી માટે મોદીને ના, રાહુલને હા

બનારસમાં ગીચ સ્થળે નરેન્દ્ર મોદીની રૅલી યોજવાના મુદ્દે BJPએ ચૂંટણીપંચ સામે તલવાર તાણી, વારાણસીના રિટર્નિંગ ઑફિસરના ફેંસલાના વિરોધમાં અરુણ જેટલી અને અમિત શાહ સહિતના BJPના સિનિયર નેતાઓ આજે ધરણાં કરશે


બનારસના ગીચ વિસ્તારમાં નરેન્દ્ર મોદીને આજે જાહેર સભા યોજવાની પરવાનગી આપવાનો સલામતીનાં કારણોસર ઇનકાર સ્થાનિક વહીવટીતંત્રે ગઈ કાલે કરતાં BJPએ ચૂંટણીપંચ સામે તલવાર તાણી છે.

વીનિયા બાગ વિસ્તારમાં જાહેર સભાને સંબોધવાની પરવાનગી મોદીને નહીં આપવાના રિટર્નિંગ ઑફિસર પ્રાંજલ યાદવના પક્ષપાતી ફેંસલા સામે ચૂંટણીપંચ મૂકપ્રેક્ષક બની રહ્યું હોવાનો આક્ષેપ BJPએ કર્યો હતો. રિટર્નિંગ ઑફિસરને તત્કાળ હટાવવાની માગણી કરતાં BJPના નેતા અરુણ જેટલીએ કહ્યું હતું કે આ નિર્ણયના વિરોધમાં અમિત શાહ અને મારા સહિતના પક્ષના અન્ય નેતાઓ ગુરુવારે બનારસ હિન્દુ યુનિવર્સિટીની બહાર ધરણાં પર બેસીશું.

ત્રણ સભ્યોના ચૂંટણીપંચની ઝાટકણી કાઢતાં જેટલીએ કહ્યું હતું કે નબળા લોકો ઉચ્ચાસને બિરાજે ત્યારે લોકશાહી પર ખતરો હોય છે.

જોકે રિટર્નિંગ ઑફિસરે જણાવ્યું હતું કે ‘BJPના એક નેતાએ આપેલી અરજીને આધારે મોદીને વૈકલ્પિક સ્થળે જાહેર સભા યોજવાની પરવાનગી આપવામાં આવી છે. બૌદ્ધિકો સાથે બેઠક અને ગંગાપૂજા જેવા મોદીને અન્ય કાર્યક્રમોની પરવાનગી પણ આપવામાં આવી છે. BJP જાણી જોઈને વિવાદ સર્જી રહી છે.’

બીજી તરફ જેટલીએ કહ્યું હતું કે જે જગ્યાએ માત્ર ૨૦૦૦ લોકો બેસી શકતા હોય એવા વૈકલ્પિક સ્થળે રૅલી યોજવાની પરવાનગી BJPના એકેય નેતાએ નથી માગી. જેટલીએ વડા ચૂંટણી કમિશનર વી. એસ. સંપથ સાથે વાત કરી હતી અને આ મુદ્દે ત્રણ અલગ-અલગ પત્રો લખ્યા હતા.

શનિવારે વારાણસીમાં કૉન્ગ્રેસના ઉપપ્રમુખનો રોડ-શો


કૉન્ગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી વારાણસીની લોકસભાની બેઠકનો ચૂંટણીપ્રચાર પૂર્ણ થવાના છેલ્લા દિવસે શનિવારે બનારસમાં રોડ-શો યોજશે.

અમેઠીમાં ગઈ કાલે મતદાન થયું હતું, પરંતુ આઠમા તબક્કાના મતદાન પૂર્વેનો ચૂંટણીપ્રચાર થંભ્યો એના છેલ્લા દિવસે પાંચમી મેના રોજ નરેન્દ્ર મોદીએ અમેઠી ગજવ્યું હતું અને ગાંધીપરિવારને નિશાન બનાવ્યો હતો. મોદીના આક્રમક પ્રચારનો જવાબ આપવાના હેતુસર વારાણસીમાં રાહુલનો રોડ-શો ગોઠવવામાં આવ્યો હોવાનું કૉન્ગ્રેસી સૂત્રોએ જણાવ્યું હતું.

કૉન્ગ્રેસના વડા મથકે દૈનિક પત્રકાર-પરિષદ દરમ્યાન પક્ષના પ્રવક્તા શશી થરૂરે કહ્યું હતું કે આ રોડ-શોના મુદ્દે અમારી પાસે કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ છેલ્લા તબક્કામાં રાહુલ ગાંધી વધારે સક્રિય બને એ દેખીતું છે.

કૉન્ગ્રેસ, TMCને ડાબેરીઓ વચ્ચે છૂપી સમજૂતી

કૉન્ગ્રેસ, TMC અને ડાબેરી પક્ષો વચ્ચે પડદા પાછળ સમજૂતી સધાઈ હોવાનો દાવો કરતાં નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પશ્ચિમ બંગની જાહેર સભાઓમાં કહ્યું હતું કે એમનો એકમાત્ર એજન્ડા મને રોકવાનો છે.

ક્રિષ્નાનગર ખાતેની જાહેર સભામાં મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસ, વ્પ્ઘ્ અને ડાબેરીઓ અલગ-અલગ રીતે ચૂંટણી લડી રહ્યાં છે એવું તમારા મનમાં હશે, પરંતુ પડદા પાછળ રમાઈ રહેલી રમતને તમારે સમજવી જોઈએ. એ ત્રણેય પક્ષો એક જ વાત કહી રહ્યા છે કે સ્ટૉપ મોદી.’

પ્રિયંકા ગાંધીની ‘નીચ રાજનીતિ’ વિશેની ટિપ્પણી બાબતે કૉન્ગ્રેસ પરનું આક્રમણ તેજ બનાવતાં મોદીએ કહ્યું હતું કે ‘જે લોકોએ આ આક્ષેપ કર્યો છે તેઓ આ શબ્દનો મતલબ જાણે છે કે કેમ એની મને ખાતરી નથી. દિલ્હીમાં પાશવી બળાત્કારની ઘટના બની એ પછી નિર્ભયા ફન્ડમાંથી કૉન્ગ્રેસે એક પૈસો વાપર્યો નથી. શું આ નીચ રાજનીતિ નથી? કૉમનવેલ્થ ગેમ્સમાં ટૉઇલેટ પેપર્સની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો એ નીચ રાજનીતિ નથી? દેશ કો કોયલા ખા ગયા એ નીચ રાજનીતિ નથી?’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK