નીચ રાજકારણ વધુ એક પગથિયું નીચે ઊતર્યું

નરેન્દ્ર મોદીએ વળતો ફટકો માર્યો, પ્રિયંકાના નિવેદન સામે જ્ઞાતિનું બાણ, કૉન્ગ્રેસે મોદીને અનર્થના ઉસ્તાદ ગણાવ્યા અને કહ્યું કે BJPમાં નેતા ઉચ્ચ વર્ગનો હોય કે નીચલા વર્ગનો, તેઓ બધા હલકી કક્ષાનું રાજકારણ રમે છે
નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને પ્રિયંકા ગાંધીએ કરેલા ‘નીચ રાજકારણ’ના નિવેદનને પગલે ગઈ કાલે કૉન્ગ્રેસ તથા BJP વચ્ચે શાબ્દિક યુદ્ધ ફાટી નીકળ્યું હતું. આ ખેલમાં મોદી જ્ઞાતિનું કાર્ડ ઊતર્યા હતા જ્યારે પ્રિયંકાના પક્ષે મોદીને અનર્થના ઉસ્તાદ ગણાવીને તેમના પર ખોટું અર્થઘટન કરવાનો આક્ષેપ કર્યો હતો.

નરેન્દ્ર મોદીએ એવું ટ્વીટ કર્યું હતું કે ‘હું સામાજિક રીતે પછાત જ્ઞાતિનો હોવાથી તેઓ મારા રાજકારણને ‘નીચ રાજનીતિ’ ગણે છે. પછાત વર્ગના લોકોનાં ત્યાગ, બલિદાન અને આકરા પરિશ્રમને કારણે જ દેશ હાલની સ્થિતિમાં પહોંચ્યો છે એ હકીકત કેટલાક લોકો નિહાળી નથી શકતા. આ ‘નીચ રાજનીતિ’ જ હજારો લોકોનાં આંસુ લૂછશે અને દેશને ૬૦ વર્ષના ગેરવહીવટ તથા વોટ-બૅન્કના રાજકારણમાંથી મુક્તિ અપાવશે. ભારત માતાને સમૃદ્ધ તથા શક્તિશાળી રાષ્ટ્ર બનાવવાની ક્ષમતા આ ‘નીચ રાજનીતિ’માં છે.’

ઉત્તર પ્રદેશના ડોમરિયાગંજમાં એક સભાને સંબોધતાં મોદીએ એમ કહ્યું હતું કે ‘મોદીનું તમે ચાહો એટલું અપમાન કરી શકો છો, તમે તેમને ફાંસી આપી શકો છો, પરંતુ નીચલી જ્ઞાતિનું અપમાન કરશો નહીં. હું ચાવાળો હતો એમ કહીને જાણે હું કોઈ ગુનેગાર હોઉં એમ મારી ટીકા કરવામાં આવી હતી. હવે સવાલ કરવામાં આવે છે કે મોદી દેશને કઈ રીતે ચલાવશે. મેં ચા વેચી છે, દેશને નથી વેચ્યો.’

મોદીનાં ટ્વીટ્સ તથા નિવેદનોના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન અને કૉન્ગ્રેસના પ્રવક્તા કપિલ સિબલે કહ્યું હતું કે ‘BJP હલકા સ્તરનું રાજકારણ રમતી હોવાનું પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું. નરેન્દ્ર મોદી જાણીજોઈને પ્રિયંકાના નિવેદનનો ખોટો અર્થ તારવી રહ્યા છે. આ જ તો ખરા નરેન્દ્ર મોદી છે. તેઓ એવું અનર્થઘટન કરશે કે જેને સત્ય સાથે કંઈ સંબંધ જ ન હોય.’

કૉન્ગ્રેસના પ્રવક્તા રાશિદ અલ્વીએ આક્ષેપ કર્યો હતો કે ‘મોદી જ્ઞાતિવાદનું રાજકારણ રમી રહ્યા છે. BJPમાં નેતા ઉચ્ચ વર્ગનો હોય કે નીચલા વર્ગનો, તે બધા હલકી કક્ષાનું રાજકારણ રમી રહ્યા છે.’

BJPનાં પ્રવક્તા નર્મિલા સીતારામને કહ્યું હતું કે ‘દેશ જ્ઞાતિવાદના રાજકારણમાંથી બહાર આવી રહ્યો છે ત્યારે નીચ શબ્દ વાપરવાના પ્રત્યાઘાત કેવા પડશે તેની પ્રિયંકાને સમજ નથી. પ્રિયંકાએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ.’

મોદી નિવેદનને મચડી રહ્યા છે : માયાવતી

પ્રિયંકા ગાંધીની ‘નીચી રાજનીતિ’ ટિપ્પણી બાબતના નરેન્દ્ર મોદીના પ્રતિભાવની ઝાટકણી કાઢતાં બહુજન સમાજ પાટીનાં સુપ્રીમો માયાવતીએ આક્ષેપ કર્યો હતો કે ‘પછાત વર્ગનું પાનું ખેલવા માટે મોદી પ્રિયંકાએ બોલેલા શબ્દોનો વિકૃત અર્થ કાઢી રહ્યા છે. લોકસભાની ચૂંટણીમાં પોતાના કંગાળ દેખાવનું ભાન BJPને થઈ ગયું છે એથી મતદાનના બાકીના બે તબક્કા માટે એ હવે આવી ડર્ટી ટ્રિક્સ અજમાવી રહી છે.’

સિકંદરપુરમાં મોદીની સભાનો મંચ તૂટી પડ્યો, ૩ ઘવાયા


સિકંદરપુરમાં યોજાયેલી નરેન્દ્ર મોદીની જાહેર સભામાં લોકગાયકો માટે બનાવવામાં આવેલો મંચ ગઈ કાલે તૂટી પડતાં ત્રણ જણા ઘવાયા હતા. મોદી સભાને સંબોધવા માટે મંચ પર પહોંચ્યા ત્યારે બાજુ પરના મંચ પર અનેક લોકો તેમને આવકારવા ઊભા થઈ ગયા હતા. પરિણામે બાજુનો મંચ તૂટી પડ્યો હતો. ઘવાયેલાઓ પૈકીની તેર વર્ષની બાળકી લક્ષ્મીની હાલત ગંભીર છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK