ગુજરાતીઓના વોટ મેળવવા મોદીની અનોખી સ્ટાઇલ

તક રહી ના જાય બાકી, બનાવો વડા પ્રધાન ગુજરાતી, ગુજરાતમાં વિકાસનો મુદ્દો સાઇડમાં રહી ગયો અને ગુજરાતીપણાનો મુદ્દો જોશભેર છવાયો


તક રહી ના જાય બાકી

બનાવો વડા પ્રધાન ગુજરાતી

ગજ ગજ ફૂલશે છાતી

જ્યારે જીતશે ગુજરાતી

આ સ્ટાઇલનાં સ્લોગન નરેન્દ્ર મોદી અને BJPએ ગુજરાતના ચૂંટણીપ્રચારમાં વહેતાં કયાર઼્ છે. ગુજરાતમાં ગુજરાતીઓ લાગણીશીલ અને પરગજુ છે ત્યારે તેમની લાગણીના તાર છેડતી જાહેરાતો દ્વારા વોટ માગવાની અનોખી સ્ટાઇલ નરેન્દ્ર મોદી અને BJPએ ગુજરાતની લોકસભાની ચૂંટણીમાં અપનાવી છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા અને વારાણસીમાંથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેઓ BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર છે ત્યારે આ પદ હાંસલ કરવા માટે તેમણે અને BJPએ ગુજરાતમાં ચૂંટણીપ્રચારનો સૂર બદલ્યો છે અને ગુજરાતીપણું જતાવીને ગુજરાતીઓના નામે વોટ માગવામાં આવી રહ્યા છે.

દેશભરમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં BJP દ્વારા ગુજરાતના વિકાસ મૉડલની ચર્ચા ચાલી છે ત્યારે ગુજરાતમાં યોજાનારી લોકસભાની ચૂંટણીના પ્રચારમાં વિકાસનો મુદ્દો સાઇડમાં મૂકીને ગુજરાતીપણાનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી છવાયો છે. લોકસભાની ૨૬ બેઠકોમાંથી મૅક્સિમમ બેઠકો પર વિજય મેળવવા માટે BJP અને નરેન્દ્ર મોદીની જાહેરાતોમાં પ્રાદેશિક રણનીતિ અપનાવવામાં આવી છે.

ગુજરાતની ૨૬ બેઠકો માટે આવતી કાલે મતદાન યોજાશે ત્યારે ગુજરાતમાં ચૂંટણીપ્રચારમાં છેલ્લા તબક્કામાં BJPએ વિકાસનો મુદ્દો સાઇડમાં ખસેડીને ગુજરાતીઓનો મુદ્દો મુખ્ય ટ્રૅક પર લાવી દીધો છે. દેશ અને દુનિયામાં ગુજરાતીઓ સાહસિક ઉપરાંત પરગજુ, લાગણીશીલ, આતિથ્ય સત્કારવાળા તરીકે જાણીતા છે. ગુજરાતીઓની આ લાગણીને ધ્યાનમાં લઈને BJPએ બખૂબી રીતે એને ગુજરાતીપણા સાથે જોડીને એના ચૂંટણીપ્રચારનો સૂર બદલ્યો છે.

ગુજરાતીપણું જતાવીને ‘તક રહી ના જાય બાકી, બનાવો વડા પ્રધાન ગુજરાતી’, ‘ગજ ગજ ફૂલશે છાતી, જ્યારે જીતશે ગુજરાતી’ જેવાં સ્લોગન સાથેની જાહેરાતો તેમ જ ‘ગુજરાતનો અવાજ જ્યારે દિલ્હીમાં લાલ કિલ્લે ગુંજશે ત્યારે એક-એક ગુજરાતીને એમ થશે કે અરે આપણા નરેન્દ્રભાઈ, આપણા ગુજરાતી...’ આવી જાહેરાતોથી ગુજરાતીઓની લાગણીઓને જોડીને અનોખી અને બખૂબીથી પ્રચાર કરીને ગુજરાતીઓના વોટ અંકે કરવાની ચતુરાઈપૂર્વકની રાજકીય ચાલ રાજકારણના ચાણક્ય નરેન્દ્ર મોદીએ ચાલી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK