મોદી પર ૭૦૦૦થી વધુ માનતાઓના આશીર્વાદ

આ માત્ર ગુજરાતના એવા લોકોની માનતાનો આંકડો છે જેમને મોદી સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી. તેઓ નરેન્દ્ર મોદીના ફૅન છે અને તેમની કાર્યશૈલીના પ્રશંસક છે
છેલ્લા અઢી મહિનાથી દેશમાં ગાજી રહેલા લોકસભા ઇલેક્શનનું રિઝલ્ટ આજે આવશે. લોકસભાના આ ઇલેકશનમાં નરેન્દ્ર મોદી દેશના વડા પ્રધાન બને એ માટે ગુજરાતમાં સાત હજારથી વધુ લોકોએ માનતા રાખી છે. આ સાત હજાર એવા લોકો છે કે જેમને પાર્ટી કે નરેન્દ્ર મોદી સાથે સીધો કે આડકતરો કોઈ સંબંધ નથી, પણ મોદી પ્રત્યેની લાગણીના કારણે તેમણે આવી માનતા રાખી છે. માનતા માનનારાઓનો આંકડો મોટો હોઈ શકે છે, કારણ કે આ સાત હજારથી વધુ લોકોએ તો લાગણીવશ થઈને નરેન્દ્ર મોદીના ઘરે કે તેમની ઑફિસે પત્ર લખીને જાણ કરી છે એટલે આ આંકડો સામે આવ્યો છે. ગુજરાત BJPના પ્રવક્તા વિજય રૂપાણીએ કહ્યું હતું, ‘ગુજરાતના દર પાંચમાંથી એક કાર્યકરે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાનમાંથી વડા પ્રધાન બને એ માટે માનતા રાખી છે. ઓછામાં ઓછા પાંચ હજાર એવા કાર્યકર્તાઓએ તો પાર્ટીને આ બાબતમાં જાણ પણ કરી છે.’

ઓળખાણ કે સીધા સંબંધ વિના પણ નરેન્દ્ર મોદી માટે માનતા માનનારાઓનું એક લિસ્ટ પણ ગાંધીનગરના નરેન્દ્ર મોદીના બંગલાની ઑફિસના કર્મચારીઓ દ્વારા બનાવવામાં આવ્યું છે, જે લિસ્ટમાં સૌથી વધુ માનતા માનનારાઓ સૌરાષ્ટ્ર-કચ્છના લોકો છે, જ્યારે સૌથી ઓછી માનતા માની હોય એવા ક્રમમાં ઉત્તર ગુજરાત છે. માનતા માનનારાઓમાં મોટા ભાગના લોકોએ માતાજી કે દેવસ્થાનનાં દર્શનની માનતા માની છે તો ભગવાનને ૧૧થી ૧૦૦૮ શ્રીફળ વધેરવાની માનતા રાખનારાઓ પણ છે. સોથી વધુ લોકો એવા છે કે જેમણે ચાલીને ચોટીલા, વીરપુર, ગિરનાર અને અંબાજી દર્શન કરવા જવાની માનતા રાખી છે. જો નરેન્દ્ર મોદી આજે જીત્યા અને દેશના વડા પ્રધાન બન્યા તો માનતા માનનારા આ સૌનો આભાર માનતો પત્ર મોકલવામાં આવશે.

ગ્રુપ બનાવીને માનતા પૂરી કરો


મોદી વડા પ્રધાન બને એ માટે દેશભરના BJPના કાર્યકરોએ માનતા માની છે. માનતા માનનારા આ કાર્યકરોને નરેન્દ્ર મોદીની ગાંધીનગરની ઑફિસથી એવું સૂચન કરવામાં આવ્યું છે કે એકસરખી માનતા માનવામાં આવી હોય (જેમ કે શંખેશ્વર દર્શન કરવા જવું, એવી એક જ માનતા ચાલીસ અલગ-અલગ કાર્યકરોએ રાખી હોય) તો બધા એકબીજા સાથે કો-ઑર્ડિનેટ કરીને સાથે ગ્રુપ બનાવીને દર્શન કરવા જાય. સ્વાભાવિક છે કે માનવામાં આવેલી મોટા ભાગની માનતાઓ ધર્મસ્થળે દર્શન કરવા જવાને સંબંધિત છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK