૩૮.૯૦ લાખ ફૉલોઅર્સ સાથે મોદી ટ્વિટરની ટોચ પર

અમેરિકન સોશ્યલ મીડિયાએ ભારતીય લોકસભા ચૂંટણીનો ચહેરો બદલી નાખ્યો



સોશ્યલ મીડિયાની ત્રણ વિરાટ અમેરિકન કંપની ફેસબુક, ટ્વિટર અને ગૂગલ લોકસભાની ચૂંટણીમાં મોટા ખેલાડીઓ તરીકે ઊભરી આવી છે. રાજકીય પક્ષો અને ઉમેદવારો ન્યુઝ-બ્રેકિંગ તથા પોતાનો સંદેશો મતદારો સુધી પહોંચાડવા માટે પરંપરાગત મીડિયાને બદલે આવાં માધ્યમોનો ઉપયોગ વધારે ને વધારે પ્રમાણમાં કરી રહ્યા છે.

૨૦૦૯માં શશી થરૂર ટ્વિટર અકાઉન્ટ ધરાવતા એકમાત્ર ભારતીય રાજકારણી હતી અને તેમના ૬૦૦૦ ફૉલોઅર્સ હતા. આજે પાંચ વર્ષ પછી એવી સ્થિતિ છે કે આ માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર અકાઉન્ટ ન ધરાવતો હોય તેવો ભાગ્યે જ કોઈ ભારતીય રાજકારણી હશે. આજે ૨૧.૬ લાખ ફૉલોઅર્સ સાથે થરૂર બીજા ક્રમના સૌથી વધુ પૉપ્યુલર રાજકારણી છે. ૩૮.૯૦ લાખ ફૉલોઅર્સ સાથે નરેન્દ્ર મોદી અહીં ટોચ પર છે.

ફેસબુક પર નરેન્દ્ર મોદીના ૧.૪૦ કરોડ ફૅન્સ છે. ફેસબુક પર મોદી કરતાં વધારે ફૅન્સ ધરાવતા હોય તેવા એકમાત્ર રાજકારણી અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા છે.

લોકસભાની ચૂંટણીમાં આ મીડિયાની અસરનો સાચો તાગ તો ૧૬ મેના રોજ પરિણામ જાહેર થશે એ પછી જ જાણવા મળશે, પરંતુ આ ત્રણેયના ઇન્ડિયા ટ્રાફિક તથા યુસેજમાં નોંધપાત્ર વધારો થયો છે. ફેસબુક અમેરિકા બહાર સૌથી વધુ એટલે કે ૧૦ કરોડ યુઝર્સ ભારતમાં ધરાવે છે, જ્યારે ટ્વિટરના યુઝર્સની સંખ્યા છેલ્લા ચાર મહિનામાં બમણી થઈ ગઈ છે. ચૂંટણીના સાતમા રાઉન્ડ પછી  ટ્વિટર પર ચૂંટણીસંબંધી ૪.૯ કરોડ ટ્વિટ થઈ હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK