નરેન્દ્ર મોદી એક મહિનાથી રાત્રે જમ્યા નથી

માત્ર એક લિટર હૂંફાળું પાણી પીએ છે : એક વાગ્યે સૂઈને પાંચ વાગ્યે ઊઠી જાય, મિશન પ્રાઇમ મિનિસ્ટરમાં કોઈ ગફલત ન રહી જવી જોઈએરશ્મિન શાહ

લોકસભા ઇલેક્શનનું કૅમ્પેન શરૂ થયા પછી પ્રચારમાં અત્યંત વ્યસ્ત થઈ ગયેલા નરેન્દ્ર મોદી છેલ્લા એક મહિનાથી રાતે જમતા નથી. નહીં જમવા માટે કોઈ માનતા કારણભૂત નથી, પણ મોડેથી અને સ્ટ્રેસ વચ્ચે જમવાથી જો તે બીમાર પડે તો તેમને એ આ તબક્કે પોસાય એમ નથી. એટલે નરેન્દ્ર મોદી આ કાળજી રાખી રહ્યા છે અને રાતનું જમવાનું ટાળીને રાતના સમયે માત્ર એક લિટર હૂંફાળું પાણી પીએ છે.

નરેન્દ્ર મોદીના કાફલામાં સતત તેમની સાથે રહેતા એક ગુજરાતી અધિકારીએ કહ્યું હતું કે ‘આ એક મહિના દરમ્યાન તેમણે દિવસના ચોવીસ કલાકમાંથી માંડ ચાર કલાક ઊંઘ કરી હશે. રાત્રે બારથી એક વચ્ચે તે સૂવા માટે જાય છે. રૂમમાં જાય ત્યારે પણ તેમનું નોટેશન ચાલુ હોય છે અને સવારે એક્ઝૅક્ટ પાંચના ટકોરે તે જાગી જાય છે. અમે દરરોજ મોડા હોઈએ, પણ તે એક મિનિટ પણ મોડા નથી હોતા.’

નરેન્દ્ર મોદી દિવસ દરમ્યાન પણ જમવામાં ભારોભાર કન્ટ્રોલ રાખે છે. જેમ-જેમ ઇલેક્શન કૅમ્પેને જોર પકડ્યું છે એમ-એમ તેમણે અનાજ ખાવાનું પ્રમાણ ઘટાડી નાખ્યું છે અને અનાજને બદલે તે મૅક્સિમમ ફ્રૂટ, પાણી અને બાફેલાં કઠોળ ખાવાનું રાખે છે. દિવસમાં એકાદ વાર મસાલા ખીચડી કે સાદી ખીચડી ખાઈ લે, પણ રાતના સમયે તો તેમણે જમવાનું એક મહિનાથી છોડી દીધું છે. દિવસની ચારથી પાંચ જાહેર સભા, અસંખ્ય મીટિંગ, એકધારું ટ્રાવેલિંગ અને અપૂરતી ઊંઘ. આટલી ઍક્ટિવિટી વચ્ચે પોતાનું ગળું ખરાબ ન થાય કે ગળામાં ચાંદાં ન પડે એ માટે નરેન્દ્ર મોદી હળદરવાળું પાણી પણ દિવસમાં ચારથી પાંચ વાર પીએ છે. મોદીની સાથે તેમના કાફલામાં રહેતા અધિકારીઓ હવે આ દોડધામથી થાકી ગયા છે, પણ નરેન્દ્ર મોદી એક પણ વાર થાક્યા હોય એવું તેમને લાગ્યું નથી.

નરેન્દ્ર મોદીના એક અધિકારીએ કહ્યું હતું કે ‘તેમને બહુ સારી રીતે ખબર છે કે આ જંગ ફાઇટ-ટુ-ફિનિશની છે. જો રિઝલ્ટમાં સહેજ પણ ચૂક રહી ગઈ તો માત્ર કૉન્ગ્રેસ જ નહીં, પોતાની પાર્ટીની પણ તેમણે થોકબંધ મુશ્કેલીઓ સહન કરવી પડશે. આ જ કારણે તે મહેનત કરવામાં કોઈ કચાશ છોડવા નથી માગતા.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK