મોદીની ઉર્દૂમાં વેબસાઇટ સલીમ ખાને લૉન્ચ કરી

મુસ્લિમો ભારતમાં સુરક્ષિત છે અને હવે ગુજરાતનાં રમખાણોને પાછળ મૂકીને આગળ વધવાનો સમય આવી ગયો છેસુપરસ્ટાર સલમાન ખાનના પિતા અને જાણીતા સ્ક્રિપ્ટરાઇટર સલીમ ખાને ગઈ કાલે નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ www.narendramodi.comની ઉર્દૂ આવૃત્તિને લૉન્ચ કરી હતી. સલીમ ખાને આ વેબસાઇટને પોતાના બાંદરાસ્થિત નિવાસસ્થાનેથી લૉન્ચ કરી હતી. એ પ્રસંગે BJPના અનેક નેતાઓ હાજર રહ્યા હતા. નરેન્દ્ર મોદીની વેબસાઇટ ઇંગ્લિશ ઉપરાંત ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, કન્નડ, મલયાલમ, તેલગુ, તામિલ, મરાઠી, પંજાબી, આસામી, ઓડિયા સહિતની ૧૧ પ્રાદેશિક ભાષાઓમાં છે. એ ઉપરાંત રશિયન, જૅપનીઝ, ચાઇનીઝ અને સ્પૅનિશમાં પણ આ વેબસાઇટ છે.

વેબસાઇટ લૉન્ચ કર્યા બાદ સલીમ ખાને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી સાથે મારા અંગત સંબંધ છે એટલે મારા ઘરેથી વેબસાઇટને લૉન્ચ કરવામાં આવી હતી અને મને ઉર્દૂ ભાષા પણ બહુ ગમે છે, એટલે જ મેં તેમને ઉર્દૂમાં તેમની ઑફિશ્યલ વેબસાઇટ લૉન્ચ કરવાનું સૂચન આપ્યું હતું.’

આ વેબસાઇટ ઉર્દૂમાં શરૂ કરાવવા પાછળનો ઉદ્દેશ્ય મુસ્લિમોના વોટ મેળવવાનો નથી એવી સ્પષ્ટતા પણ ગઈ કાલે સલીમ ખાને વેબસાઇટને લૉન્ચ કર્યા બાદ કરી હતી. એ પ્રસંગે તેમણે કહ્યું હતું કે ‘મુસ્લિમોએ ૨૦૦૨નાં ગુજરાતનાં રમખાણોને ભૂલીને આગળ વધવું જોઈએ. તેઓ પોતે ભારતમાં પોતાને સુરક્ષિત મહેસૂસ કરી શકશે. જ્યારે મારી મમ્મીનું મૃત્યુ થયું ત્યારે તેમના વગર હું જીવી નહી શકું એવું મને લાગતું હતું, પણ આજે હું જીવું છુ. જ્યારે પિતાનો સ્વર્ગવાસ થયો ત્યારે પણ મને એવું જ થયું હતું, પણ શું હું તેમના મૃત્યુ બાદ હજી પણ રડી રહ્યો છું? એ પ્રમાણે જ રમખાણોનું છે, ભૂલીને આગળ વધવું જોઈએ. એવું ફરી ક્યારેય નહીં થાય. મને પૂરો વિfવાસ છે કે મોદીએ એમાંથી પાઠ લીધો હશે અને હવે તેમના શાસનમાં આ રીતે કોઈનું મૃત્યુ નહીં થાય.’

મુસ્લિમોને ભારતમાં સૌથી વધુ સુરક્ષિત ગણાવતાં તેમણે કહ્યું હતું કે ‘મુસ્લિમો સૌથી વધુ સુરક્ષિત અહીં છે અને તેમની પ્રાથમિક જરૂરિયાત છે નોકરી, એજ્યુકેશન અને ફૂડ.’

પોતાને ભૂતપૂર્વ કૉન્ગ્રેસી વફાદાર ગણાવતાં સલીમ ખાને કહ્યું હતું કે ‘હું વર્ષો સુધી કૉન્ગ્રેસને વફાદાર રહ્યો હતો અને હંમેશાં એને વોટ આપતો હતો, પણ અમુક મુદ્દાઓ પર હું એનાથી બહુ નિરાશ થયો છું, છતાં આજની તારીખમાં એનો કોઈ ઉમેદવાર સારો હશે તો હું તેને ચોક્કસ સર્પોટ કરીશ.’

વધુ બોલતાં તેમણે કહ્યું હતું કે ‘કોઈ પાર્ટી નહીં પણ માણસ બિનસાંપ્રદાયિક હોય છે. હું બિનસાંપ્રદાયિક માણસ છું. મારા પરિવારમાં અલગ-અલગ ધર્મ પાળનારા લોકો રહે છે. મારા માટે તમામ ધર્મ એકસમાન છે.’

મુસ્લિમ સલીમ મહારાષ્ટ્રિયન હિન્દુ સુશીલાને પરણ્યા હતા અને તેમણે બીજાં લગ્ન બૉલીવુડની અભિનેત્રી અને ઍન્ગ્લો ઇન્ડિયન પિતા અને બર્મીઝ માતાની દીકરી હેલન સાથે કર્યા હતાં.

સલીમ ખાને કહ્યું હતું કે ‘ચૂંટણીમાં ઊભા રહેવા માટે અનેક વાર પૉલિટિકલ પાર્ટીઓએ મને ટિકિટની ઑફર કરી હતી, પણ મને એમાં રસ નથી. મારા અનેક મિત્રો BJPમાં અને શિવસેનામાં છે.’

સલીમ ખાને ગઈ કાલે નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતાં. આ અગાઉ તેમનો દીકરો સલમાન ખાન પણ તેની ફિલ્મ ‘જય હો’ના પ્રમોશન માટે ગુજરાત ગયો હતો ત્યારે પતંગોત્સવ દરમ્યાન નરેન્દ્ર મોદીને મળ્યો હતો, પણ તેણે સીધી રીતે કોઈ પણ જાતનું સમર્થન નરેન્દ્ર મોદીને કે તેમના પક્ષને આપ્યું નહોતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK