ઉમેદવારો સાંજના ૬ વાગ્યા સુધી ઇલેક્શન કમિશનની નજરકેદમાં

મુંબઈના મહત્વના તમામ કૅન્ડિડેટ્સ પર નજર રાખવા ચૂંટણીપંચે વિશેષ ટીમ બનાવી : ઉમેદવારોની ગતિવિધિઓનું વિડિયો-શૂટિંગ થશે : ટીમમાં એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ પણ, જે ઑન ધ સ્પૉટ ધરપકડ પણ કરી શકેલોકસભાની સીટ જીતવા માટે દોડતા ઉમેદવારોએ આ વખતે છેલ્લો મત ન પડે ત્યાં સુધી પોતાની વાતચીત તથા વહેવારમાં ઘણી સાવધાની રાખવી પડશે, કારણ કે ચૂંટણીપંચે તેમની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે તેમનાં ઘરોની બહાર એક વિશેષ ટીમ મૂકી છે. વળી કોઈ પણ જાતનું કાચું ન કપાય એ માટે ઉમેદવારનું વિડિયો-શૂટિંગ પણ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં જરૂર પડે ત્યારે એને પુરાવા તરીકે રજૂ કરી શકાય.

ઉમેદવારો પર નજર રાખતી ટીમને આજે સાંજના છ વાગ્યા સુધી તેમનો પડછાયાની જેમ પીછો કરવાની તમામ સત્તા આપવામાં આવી છે. આ ટીમમાં કૅમેરામૅન તથા અન્યો સહિત એક એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ પણ છે જેની પાસે જરૂર પડે કોઈની પણ ધરપકડ કરવાની સત્તા છે.

મુંબઈનાં કલેક્ટર એ. શૈલાએ કહ્યું હતું કે ‘ચૂંટણીપંચે અમને ઉમેદવારો પર નજર રાખવાની સત્તા સોંપી છે. એથી અમે ઉમેદવારોના ઘરની બહાર જ એક ટીમને નિયુક્ત કરી છે. અમે તેમની દરેક હિલચાલ પર નજર રાખીએ છીએ. વળી એ તેમનો પીછો પણ કરે છે. કોણ ઉમેદવારને મળવા માટે આવે છે એના પર પણ ધ્યાન રાખવામાં આવે છે. જો કંઈ ખોટું થાય તો કાર્યવાહી પણ કરી શકાય.’

જિલ્લાના ઇલેક્શન ઑફિસર તરીકે કામ કરતા કલેક્ટરના મતે સ્વતંત્ર તથા ન્યાયી ચૂંટણી માટે આ જરૂરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ‘છેલ્લા ૪૮ કલાક દરમ્યાન ચૂંટણીને લગતા ઘણા ગુનાઓ બને છે. દારૂ તથા રૂપિયાની રેલમછેલ થાય છે. વળી કેટલીક ફ્લાઇંગ સ્ક્વૉડ પણ રાખવામાં આવી છે જે આલ્કોહોલ તથા રૂપિયાની વહેંચણી થતી હોય એવા સ્થળે વિશેષ નજર રાખે છે.’

મુંબઈમાં લોકસભાની કુલ છ બેઠકો છે. દરેક બેઠક પર ૨૦ જેટલા ઉમેદવારો છે. ચૂંટણીપંચ માત્ર મહત્વના ઉમેદવારો પર જ ધ્યાન આપી રહ્યું છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે ‘મતદારોએ પણ સાંજે ૬ વાગ્યા પહેલાં મતદાનમથકે આવી જવું પડશે. જે ૬ વાગ્યા પહેલાં મતદાન કેન્દ્ર પર આવ્યા હશે તે તમામને મત આપવા દેવામાં આવશે.’

જોકે ચૂંટણીપંચની આવી કાર્યવાહીથી ઉમેદવારો થોડીક અકળામણ અનુભવે છે. મુંબઈ નૉર્થ-ઈસ્ટની બેઠકના એક ઉમેદવારે કહ્યું હતું કે ‘અગાઉ ક્યારેય આવું બન્યું નથી. પ્રચાર સમાપ્ત થઈ ગયો હોવા છતાં પણ અમારો પીછો કરવામાં આવી રહ્યો છે. અમે મીટિંગો કરી રહ્યા છીએ. આ બૂથ-લેવલની મીટિંગ હોવાથી ઘણી સવિસ્તર ચર્ચાઓ થતી હોય છે. અમારે ઘણા સાવધ રહેવું પડે છે. થોડીક અકળામણ પણ થાય છે, પરંતુ ધીમે-ધીમે એની આદત થઈ જશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK