મુલાયમસિંહ બીજાં પત્નીને રાજી રાખવા આઝમગઢથી ચૂંટણી લડે છે : માયાવતી

SPના સુપ્રીમો પર આક્રમણ કરતાં BSPનાં ચીફ માયાવતીએ ગઈ કાલે આક્ષેપ કર્યો હતો કે મુલાયમસિંહ તેમની બીજી પત્નીને રાજી રાખવા માટે જ આઝમગઢ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.


માયાવતીએ કહ્યું હતું કે ‘મુલાયમના પરિવારમાં વિવાદ ચાલી રહ્યો છે. બીજી પત્નીને રાજી રાખવા અને તેમના બીજા પુત્ર પ્રતીક યાદવ માટે મારગ મોકળો કરવા મુલાયમ આઝમગઢમાંથી લડી રહ્યા છે.’

SP અને BJP વચ્ચે ગુપ્ત સમજૂતી થઈ હોવાનો આક્ષેપ કરતાં માયાવતીએ જણાવ્યું હતું કે આ સમજૂતી અનુસાર જ મોદી વારાણસીથી અને મુલાયમ આઝમગઢથી ચૂંટણી લડી રહ્યા છે. મોદીને રોકવાની ખરેખર ઇચ્છા હોત તો મુલાયમ વારાણસીથી ચૂંટણી લડ્યા હોત. ચૂંટણી પછી મોદી વડોદરાની બેઠક જાળવશે અને મુલાયમ મૈનપુરીની બેઠક રાખશે.

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં યોજાયેલી એક જાહેર સભામાં મુખ્ય પ્રધાન અખિલેશ યાદવે માયાવતીને બુઆ કહ્યાં હતાં. એ બાબતે BSPનાં ચીફે કહ્યું હતું કે અખિલેશને મારો નાનો ભાઈ ગણવો એ પણ અપમાન છે.

માયાવતીએ એમ પણ કહ્યું હતું કે ‘અખિલેશ અને મુલાયમસિંહ ડૉ. આંબેડકરને કારણે આ સ્થાને પહોંચ્યા છે, અન્યથા તેઓ આજે પણ ઘેટાં-બકરા ચરાવતા હોત. તે બન્નેએ માનસિક ગુલામીમાંથી બહાર આવવાની જરૂર છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK