મને તો અહીં ગંગા મૈયાએ બોલાવ્યો છે : મોદી

નરેન્દ્ર મોદીએ મેગા રોડ-શો પછી વારાણસીમાં ઉમેદવારી નોંધાવી


વારાણસીના હાઈ-પ્રોફાઇલ ચૂંટણીજંગ માટે નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ભવ્ય રોડ-શો બાદ ઉમેદવારી નોંધાવી હતી. મોદીએ જણાવ્યું હતું કે ગંગા મૈયાએ મને અહીં બોલાવ્યો છે. ગંગાકિનારે વસેલા વારાણસીને વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવવાની પ્રતિજ્ઞા પણ મોદીએ લીધી હતી.

૬૩ વર્ષની વયના મોદીએ ખુલ્લી ટ્રકમાં સવાર થઈને લાહુરાબીરથી કચેરી સુધીના ત્રણ કિલોમીટર લાંબા માર્ગ પરથી પસાર થતી વખતે હર્ષાન્વિત લોકોનું અભિવાદન કર્યું હતું. આ દરમ્યાન શંખનાદ થયા હતા અને મોદી પર ગુલાબની પાંખડીઓની વર્ષા કરવામાં આવી હતી. તેમને નિહાળવા માટે મોદી ટી-શર્ટ્સ અને મોદીના માસ્ક ધારણ કરીને તેમ જ BJPના ઝંડા લઈને લોકો મુખ્ય માર્ગ પર, મકાનોની બાલ્કનીઓમાં તથા છાપરાંઓ પર ધોમધખતા તાપમાં ગોઠવાયેલા રહ્યા હતા.

મોદીનો કાફલો મુસ્લિમ બાહુલ્યવાળા નાદેસર વિસ્તારમાંથી પસાર થયો ત્યારે લઘુમતી કોમના અનેક લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. ત્રણ કલાક સુધી ચાલેલા રોડ-શો બાદ મોદીએ કહ્યું હતું કે વારાણસીવાસીઓના પ્રેમ અને ટેકાથી હું ગદ્ગદ થઈ ગયો છું.

મુખ્ય ચૂંટણી-અધિકારી સમક્ષ મોદીની ઉમેદવારીનો પ્રસ્તાવ નિવૃત્ત ન્યાયમૂર્તિ ગિરિધર માલવીય, પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શાસ્ત્રીય ગાયક છનુલાલ મિશ્રા, નાવિક વીરભદ્ર નિશાદ અને વણકર અશોકે પ્રસ્તુત કર્યો હતો.

ઉમેદવારી નોંધાવ્યા પહેલાં પત્રકારો સાથે વાત કરતાં મોદીએ કહ્યું હતું કે ‘BJPએ મને અહીં મોકલ્યો છે એવું હું અગાઉ માનતો હતો. ક્યારેક એવું લાગતું હતું કે હું કાશી જઈ રહ્યો છું. અહીં આવ્યા પછી લાગે છે કે મને કોઈએ મોકલ્યો નથી કે હું અહીં આવ્યો નથી. મને તો ગંગા મૈયાએ બોલાવ્યો છે અહીં. કોઈ બાળકને માતાના ખોળામાં જે ઉષ્માની અનુભૂતિ થાય એવી લાગણી હું અનુભવી રહ્યો છું.’

આ શહેર માટે, અહીંના ગરીબ વણકરો માટે હું કામ કરી શકું અને કાશીને વિશ્વની આધ્યાત્મિક રાજધાની બનાવી શકું એ માટે ભગવાન મને શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું એમ જણાવતાં મોદીએ કહ્યું હતું કે ‘મહાત્મા ગાંધીને સાબરમતી કે સંતના નામે ઓળખવામાં આવતા હતા. મને પણ સાબરમતી માટે કામ કરવાની તક મળી હતી. એવું કામ ગંગા મૈયા તથા કાશી માટે કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના પણ કરું છું.’

મોદીએ તેમના જન્મસ્થળ વડનગર અને વારાણસીને ભગવાન શંકરનાં યાત્રાધામ ગણાવીને બન્નેને સાંકળવાનો પ્રયાસ કર્યો હતો. બનારસના વણકરોને મૂલ્યવાન અમાનત ગણાવીને તેમના બિઝનેસને કઈ રીતે વિસ્તારી શકાય એનો આછેરો ખ્યાલ તેમણે આપ્યો હતો. ગુજરાતનો પતંગ ઉદ્યોગ ૨૦૦૨માં ૩૫ કરોડ રૂપિયાનો હતો જેનું ટર્નઓવર આજે ૭૦૦ કરોડ રૂપિયાનું થયું છે. એમાં પોતે ભજવેલી ભૂમિકા વિશે પણ મોદીએ વાત કરી હતી.

આચારસંહિતાના ઉલ્લંઘન બદલ મોદી સામે ફરિયાદ નોંધવાની કૉન્ગ્રેસની માગણી

દેશમાં ગઈ કાલે ૧૧૭ મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું હતું ત્યારે વારાણસીમાં મોદીના રોડ-શો અને એ પછી ઉમેદવારી નોંધાવવાના કાર્યક્રમના જીવંત પ્રસારણને લીધે આચારસંહિતાનું ઉલ્લંઘન થયું છે એમ જણાવીને કૉન્ગ્રેસે મોદી સહિતના BJPના તમામ નેતાઓ સામે ફરિયાદ નોંધવાની માગણી કરી હતી. કૉન્ગ્રેસના પ્રવક્તા આનંદ શર્માએ જણાવ્યું હતું કે જે વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે એના મતદારોને પ્રભાવિત કરવાની BJPની સુઆયોજિત યોજના અનુસાર મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

શર્માએ સવાલ કર્યો હતો કે ‘ચૂંટણીપંચે આ બાબતે સતર્કતા કેમ દાખવી નહીં? મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નહીં કરવા મીડિયાને સૂચના શા માટે આપવામાં આવી નહોતી?’

નરેન્દ્ર મોદીની સંપત્તિમાં ૧૫ દિવસમાં ૧૪.૩૪ લાખ રૂપિયાનો વધારો થયો


નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વારાણસી બેઠક પરથી ઉમેદવારી નોંધાવતી વખતે દાખલ કરેલા ઍફિડેવિટ અનુસાર તેમની કુલ સંપત્તિ ૧.૬૫ કરોડ રૂપિયાની છે જે વડોદરામાં ઉમેદવારી વખતે તેમણે જાહેર કરેલા સંપત્તિના કુલ આંક કરતાં ૧૪.૩૪ લાખ રૂપિયા વધારે છે.

મોદીની સંપત્તિમાંનો વધારો હાથ પરની રોકડમાં તથા તેમની બૅન્ક-બૅલૅન્સમાં થયેલી વૃદ્ધિને આભારી છે. હાથ પરની રોકડમાં ૩૦૦૦ રૂપિયાનો વધારો થયો છે જ્યારે બૅન્ક-બૅલૅન્સમાં ૧૪.૩૧ લાખ રૂપિયાનો વધારો થયો છે. મોદી પાસે ૩૨,૭૦૦ રૂપિયા રોકડા છે જ્યારે ૨૬.૦૫ લાખ રૂપિયાની બૅન્ક-બૅલૅન્સ છે અને ૩૨.૪૯ લાખ રૂપિયાની ફિક્સ્ડ ડિપોઝિટ્સ છે. તેમણે ટૅક્સ સેવિંગ ઇન્ફ્રા બૉન્ડમાં ૨૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કર્યું છે અને પોસ્ટલ સેવિંગ્સ તથા વીમા પૉલિસીમાં તેમનું ૪.૩૪ લાખ રૂપિયાનું રોકાણ છે.

પ્રતિસ્પર્ધી AAPના ઉમેદવાર અરવિંદ કેજરીવાલની સરખામણીએ મોદીની સંપત્તિ ૬૮ લાખ રૂપિયા વધારે છે. કેજરીવાલે ૯૬.૨૫ લાખ રૂપિયાની સંપત્તિ બુધવારે જાહેર કરી હતી.

મોદીએ હાર પહેરાવ્યો એ પછી મદનમોહન માલવીયની પ્રતિમાને SPના કાર્યકરોએ ગંગાજળથી સ્વચ્છ કરી

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે હાર પહેરાવ્યો એના કલાકો પછી બનારસ હિન્દુ યુનિવર્સિટી ખાતેની પંડિત મદનમોહન માલવીયની પ્રતિમાને SPના કાર્યકરો હોવાનો દાવો કરતા લોકોના એક જૂથે ગંગાજળથી સ્વચ્છ કરી હતી.

SPના કૉર્પોરેટર રવિકાંત વિશ્વકર્મા અને પક્ષના બીજા અનેક કાર્યકરોએ કહ્યું હતું કે ‘ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો વખતે મુસ્લિમો તરફ દ્વેષ રાખનારા મોદીએ હાર પહેરાવ્યો એટલે પંડિતજીની પ્રતિમાને સાફ કરવી પડી હતી. આ પવિત્ર શહેર છે અને મોદી જેવા એકહથ્થુ સત્તાધીશનો વારાણસી સ્વીકાર નહીં કરે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK