ગાંધીનગર બન્યું રાજકીય ગતિવિધિઓનું એપી સેન્ટર

નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સવારથી લઈને મોડી સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો : છત્તીસગઢના મુખ્ય પ્રધાન ડૉ. રમણસિંહ, નૅશનલ પીપલ્સ પાર્ટીના પી. એ. સંગમા અને BJPના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ નીતિન ગડકરી સાથે કરી ગુફ્તગોઅમદાવાદ: લોકસભાની ચૂંટણીનું મતદાન પૂરું થતાંની સાથે જ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગઈ કાલે રાજકીય ગતિવિધિઓ તેજ થતાં જાણે કે દિલ્હી નહીં, પરંતુ ગાંધીનગર રાજકીય ગતિવિધિઓનું એપી સેન્ટર બન્યું હોવાનો અહેસાસ થયો હતો.

ગઈ કાલે ગાંધીનગરમાં નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને સવારથી લઈને મોડી સાંજ સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. એક પછી એક છત્તીસગઢના મુખ્ય પ્રધાન ડૉ. રમણસિંહ, નૅશનલ પીપલ્સ પાર્ટીના ફાઉન્ડર પી. એ. સંગમા અને BJPના ભૂતપૂર્વ વડા નીતિન ગડકરી નરેન્દ્ર મોદીને મળ્યા હતા.

લોકસભાની ચૂંટણી બાદ કેન્દ્રમાં BJPના નેતૃત્વમાં NDA સર્વાધિક બેઠકો હાંસલ કરી શકે છે એવા સંજોગો જણાતાં કેન્દ્રમાં સરકાર બનાવવા માટે કહેવાય છે કે BJP હાઈ કમાન્ડ અને સંઘે નરેન્દ્ર મોદીને તમામ સત્તાઓ આપી છે. ચૂંટણીઓ પૂરી થતાં જ રાજકીય સોગઠાબાજી અને તડજોડની રાજનીતિ શરૂ થઈ છે.

ગઈ કાલે સવારે છત્તીસગઢના મુખ્ય પ્રધાન ડૉ. રમણસિંહ અને નરેન્દ્ર મોદી વચ્ચે બંધબારણે એક કલાક ચર્ચાવિચારણા થઈ હતી. ત્યાર બાદ નૅશનલ પીપલ્સ પાર્ટીના ફાઉન્ડર પી. એ. સંગમા નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને નૉર્થ-ઈસ્ટના ૧૦ નાના રાજકીય પક્ષોનું સમર્થન મળશે એવી ખાતરી આપી હતી. દેશના વડા પ્રધાન બનવા જઈ રહેલા નરેન્દ્ર મોદીને પોતે ઍડ્વાન્સમાં બધાઈ આપવા આવી પહોંચ્યા હોવાનું પી. એ. સંગમાએ મીડિયાને કહ્યું હતું.

સાંજે BJPના ભૂતપૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી નરેન્દ્ર મોદીને મળવા ગાંધીનગર આવી પહોંચ્યા હતા. આ ઉપરાંત નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાને ગુજરાતના કોર ગ્રુપની બેઠક પણ યોજી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK